સહકારી ક્ષેત્રમાં ધારાસભ્ય અરવિંદ રૈયાણીના વધતા જતા વર્ચસ્વી બે જુથ દ્વારા હવે રૈયાણીને જિલ્લા ભાજપ પ્રમુખ બનાવવા માટે જબરદસ્ત લોબીંગ: ડી.કે. સખીયાને રિપીટ કરાય તેવી પણ સંભાવના: ડો.ભરત બોઘરા અને વિજય કોરાટનું નામ પણ ચર્ચામાં
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આગામી ૧૫થી ૩૦ નવેમ્બર દરમિયાન જિલ્લા મંડલોમાં સંગઠનના હોદ્દેદારની રચના કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે ત્યારે ગુજરાતના રાજકારણનું એપી સેન્ટર ગણાતા એવા રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખનો તાજ ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીના શિરે મુકવામાં આવે તેવી વાતો વહેતી થઈ છે. જે રીતે છેલ્લા ૨ વર્ષથી સહકારી ક્ષેત્રમાં ધારાસભ્ય રૈયાણીનું વર્ચસ્વ સતત વધી રહ્યું છે તે જોતા ભાજપના બે જુો હવે રૈયાણીને જિલ્લા ભાજપ પ્રમુખ બનાવવા માટે જબરદસ્ત લોબીંગ કરવા લાગ્યા છે. જો કે, વર્તમાન પ્રમુખ ડી.કે.સખીયાને રીપીટ કરવામાં આવે તેવી સંભાવના પણ હાલ નકારી શકાતી નથી. આ ઉપરાંત જિલ્લા ભાજપ મહામંત્રી પૂર્વ ધારાસભ્ય અને નર્મદા જળ સંચય નિગમના ચેરમેન ડો.ભરત બોઘરાનું નામ પણ હાલ ચર્ચામાં છે.ધારાસભ્ય અરવિંદ રૈયાણી સંગઠનમાં પણ સારી એવી પકડ ધરાવે છે. અગાઉ તેઓ રાજકોટ યુવા ભાજપ મહામંત્રી અને પ્રમુખ પણ રહી ચૂકયા છે. ૨૦૧૭માં ધારાસભ્ય બન્યા બાદ સહકારી ક્ષેત્રમાં તેઓનું વર્ચસ્વ સતત વધી રહ્યું છે. અલગ અલગ ૩૧ સહકારી અને જુથ સહકારી મંડળીઓ પર તેઓએ સત્તા હાસલ કરવામાં પણ સફળતા મેળવી છે. જિલ્લા ભાજપના બે જુથ રૈયાણીને જિલ્લા ભાજપના પ્રમુખનો તાજ પહેરાવવા માટે પ્રદેશમાં જબરદસ્ત લોબીંગ કરી રહ્યાં છે. આટલું જ નહીં સહકારી ક્ષેત્રમાં તેના વધતા જતા વર્ચસ્વને ખાળવા માટે અને સમાધાનની ફોર્મ્યુલાના ભાગરૂપે તેઓને પ્રમુખનો હાર પહેરાવવામાં આવે તેવી શકયતા પણ ચાલી રહી છે. જો કે તમામ ચર્ચાઓ હાલના તબક્કે જો અને તોના સમીકરણો વચ્ચે રમી રહી છે.
પક્ષનો આદેશ શિરોમાન્ય રહેશે: ડી.કે.સખીયા
રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીને જિલ્લા ભાજપ પ્રમુખ બનાવવાની ચર્ચા ચાલી રહી છે. આ અંગે તમારૂ શું કહેવું છે તેવા સવાલનો જવાબ આપતા જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયાએ જણાવ્યું હતું કે, પાર્ટીનો આદેશ મારા માટે હંમેશા શિરો માન્ય રહેશે. અરવિંદભાઈ રૈયાણી કે કોઈપણ વ્યક્તિને પ્રમુખ બનાવવામાં આવે તો અમે એક કાર્યકર્તા તરીકે સતત પક્ષ સાથે મજબૂત બનાવવા માટે કામ કરતા રહેશું. તમને રીપીટ કરવામાં આવે તેવી પણ વાત ચાલી રહી છે તેના જવાબમાં ડી.કે.એ જણાવ્યું હતું કે, જો મને ફરી પ્રમુખની જવાબદારી સોંપાશે તો હું પુરા ખંતથી આ જવાબદારી નિભાવીશ.
પક્ષ કોઈપણ જવાબદારી સોંપે તે નિભાવવા તૈયાર: અરવિંદ રૈયાણી
રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીએ ‘અબતક’ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાથી મોટો કોઈપણ હોદ્દો નથી. રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મારૂ નામ ચર્ચામાં છે. જો પક્ષ મને આ જવાબદારી સોંપશે તો તે જવાબદારી હું પુરા ખંતથી નિભાવીશે. કોઈપણ જવાબદારી નિભાવવા માટે હું કાયમ તૈયાર છું. પક્ષ દ્વારા ચૂંટણીમાં પણ મને જે કંઈ જવાબદારી આપવામાં આવી છે તે પુરી લગની અને મહેનતી નિભાવી છે. અગાઉ રાજકોટ શહેર યુવા ભાજપ મહામંત્રી અને પ્રમુખપદે રહી મેં સંગઠનમાં પણ સારૂ એવું કામ કરી બતાવ્યું છે. હવે જ્યારે પક્ષે મને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ બનાવવાની વિચારણા શરૂ કરી છે તે મારા માટે ખૂબજ મોટી વાત છે. જો મને પ્રમુખની જવાબદારી સોંપાશે તો તે હું નિભાવવા સંપૂર્ણપર્ણે તૈયાર છું.