સોશિયલ મીડિયાનાં અતિરેકને રોકવા સરકાર નવા નીતિ-નિયમો લાગુ કરશે
દેશમાં જે રીતે સોશિયલ મીડિયાનો અતિરેક વધી રહ્યો છે અને તેની સામે જે રીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘બે લગામ’-‘બે ખૌફ’ રીતે કામ કરી રહ્યું છે તેના માટે સરકાર દ્વારા સાયબર સિકયોરીટીને લઈ નવા નિયમો લાદવા ફરજીયાત બન્યા છે. હાલ જે રીતે ૨૦ દેશોમાંથી ૧૪૦૦ જેટલા વોટસએપ વપરાશકારોનાં જે ડેટા હેક કરવામાં આવ્યા તેનાથી દેશમાં ખળભળાટ મચી ગયો છે. કેન્દ્ર સરકાર દ્વારા વોટસએપને તાકીદ કરી આગામી ૪ નવેમ્બર સુધીમાં જવાબ આપવા માટે પણ જણાવાયું છે.
આ તકે મેસેજીંગ પ્લેટફોર્મ વોટસએપે સરકારની વાતને આવકારી હતી અને આગામી સમયમાં વોટસએપ યુઝરોની સુરક્ષા જળવાય રહે તે માટે સરકારને ભરોસો પણ અપાવ્યો હતો. હાલ સોશિયલ મીડિયાનો અતિરેક ઉપયોગથી સામાજીક વિખવાદ વધી રહ્યો છે. સાથો સાથ સર્વ ભૌમત્વ ઉપર પણ ખતરો ઉભો થયો હોવાનું સામે આવી રહ્યું છે. સોશિયલ મીડિયાનાં અતિરેકનાં કારણે જે રીતે હેકરો લોકોની સોશિયલ ડિટેઈલ, નાણાકીય વિગતો, ડેબિટ કાર્ડ તથા ક્રેડિટ કાર્ડ, વપરાશકર્તાઓનાં ડેટા લીક કરવા આ તમામ મુદ્દે હાલ સરકાર ચિંતાતુર થઈ છે. આશ્ર્ચર્યની વાત એ છે કે ફેસબુક દ્વારા જે રીતે વોટસએપને ખરીદવામાં આવ્યા બાદ વોટસએપનાં બંને અધિકારીઓ જુન તથા જુલાઈ માસમાં ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે વોટસએપ પર સ્પાયવેરનો હુમલો મે માસમાં જ થયો હતો તેમ છતાં આ ગંભીર મુદાને કેન્દ્ર સરકાર સમક્ષ મુકવામાં વોટસએપ અને ફેસબુક અસફળ રહેતા દેશ પર ચિંતાના વાદળો ઘેરાયા છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા વોટસએપ અને ફેસબુકને તાકીદ કરી પુછવામાં આવ્યું છે કે, સિકયોરીટી નાબુદ થવાનું શું કારણ હોય શકે અને કંપનીને સ્પાયવેર હુમલો થવાની જાણ થતા તે હજુ સુધી દેશને આપી નહીં તે એક પ્રશ્ર્નાર્થ ઉભો થયો છે.
માનવામાં આવી રહ્યું છે કે, સંસદના બજેટ સત્રમાં આ અંગેનું બિલ પાસ થઇ શકે છે. જે હેઠળ વોટ્સએપ જેવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ વિરુદ્ધ પણ સરકાર કડક વલણ દાખવી શકે છે. હાલમાં જ વોટ્સએપ દ્વારા જાસૂસીનો મામલો અંગે સરકારે શંકા વ્યક્ત કરી હતી. આ અંગે કેન્દ્ર સરકારે કોર્ટમાં જણાવ્યું હતું કે, આ મામલે સરકાર ચિંતત છે કે ભારતીયોની જાસૂસી કરવામાં આવી રહી છે અને એવા લોકોના નામ ખુલી રહ્યા છે જે સરકાર વિરુદ્ધ વલણ ધરાવે છે. સરકારે આ મામલે વોટ્સએપને સંદેશાના સ્ત્રોત જણાવવા કહ્યું હતું પરંતુ વોટ્સએપએ આ અંગે કોઇપણ જાણકારી આપવાથી મનાઇ કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે, આઇટી મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની વોટ્સએપના અધિકારીઓ સાથે બે વાર મુલાકાત થઇ ચૂકી છે, પરંતુ વોટ્સએપ આ મામલે કોઇ માહિતીની આપ-લે નથી કરી રહ્યું. સરકારનું માનવું હતું કે તે ટીકાની વિરુદ્ધ નથી, પરંતુ અસામાજીક તત્વો પર અંકુશ મેળવવો જરુરી છે. સરકારે વોટ્સએપને કહ્યું હતું કે, તમે માત્ર સંદેશાના એ સ્ત્રોતોની જાણકારી આપો જે અફવાઓ ફેલાવે છે.
વોટ્સએપને ચાર દિવસની અંદર જવાબ આપવા જણાવવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ભારતમાં મોબ લિંચિંગ મામલાઓ વધતા વોટ્સએપ માટે નિયમોમાં ફેરફાર કરી ફોરવર્ડ મેસેજની સંખ્યા ઘટાડીને પાંચ કરી દેવામાં આવી હતી. ભારતની પહેલ પછી અમેરિકા, બ્રિટન, બ્રાઝીલ અને મેક્સિકોએ પણ આ મામલે વોટ્સએપ સામે સખત વલણ અપનાવ્યું હતું. સરકાર દ્વારા આગામી સમયમાં સોશિયલ મીડિયાનો અતિરેક રોકવા માટે નવા નિયમો લાગુ કરવા માટે સુચનો અને સુજાવો પણ મંગાવવામાં આવ્યા છે. વિશ્ર્વનાં અન્ય દેશોની સરખામણીમાં ભારત દેશ પાસે સાયબર સિકયોરીટીને લઈ જે નીતિ-નિયમો હોવા જોઈએ તે જોવા મળતા નથી. જેના કારણે દેશને ઘણુ ખરું વેઠવુ પડયું છે ત્યારે બીજી એવી ઘટના ફેસબુક કાર્યાલય ખાતે ઘટી છે જે ફેસબુક કંપની સાથે સંલગ્ન કોગનીજન્ટ કંપની કે જે ફેસબુક માટે ક્ધટેન્ટ મોડીફાઈ કરે છે અને તેની ચકાસણી કર્યા બાદ તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરે છે પરંતુ ફેસબુક દ્વારા કોગનીજન્ટ કંપનીનાં કર્મચારીઓને યોગ્ય સમયે યોગ્ય વળતર ન અપાતા કુલ ૭૦૦૦ કર્મચારીઓ કંપની છોડવા માટેની તૈયારી દાખવી છે. ફેસબુક માટે વિશ્ર્વભરમાં કુલ ૧૫૦૦૦ કન્ટેન્ટ મોડરેટરો કામ કરી રહ્યા છે જેમાં જે રીતે કર્મચારીઓની સારસંભાળ લેવામાં આવવી જોઈએ તે ન લેવાતા અશાંતીની લાગણી વ્યાપી છે.