અન્ડર ૧૪/૧૯ની સ્પર્ધામાં ૨૦૦ જેટલી મહિલા સ્પર્ધકો જોડાઈ
ખેલ મહાકુંભ અંતર્ગત ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, રાજકોટ શહેર સંચાલિત રાજ્યકક્ષાની સ્વીમીંગ અંડર-૧૪/૧૭ બહેનોની સ્પર્ધાનું આયોજન સરદાર પટેલ, સ્વિમીંગ પુલ, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું. જેનો શુભારંભ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્યકક્ષા સ્વીમીંગ અંડર-૧૪/૧૭ બહેનોની સ્પર્ધામાં અંદાજિત ૨૦૦ મહિલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં કુલ ૧૬ કેટેગરીમાં યોજવામાં આવે છે જે પૈકી સાત કેટેગરીની સ્પર્ધા રાજકોટ ખાતે યોજવામાં આવી હતી. જેમાં ૪૦૦ મી. વ્યક્તિગત મિડલે, ૧૦૦ મી. બેક સ્ટ્રોક, ૫૦ મી. બટરફ્લાય સ્ટ્રોક, ૨૦૦ મી. ફ્રી સ્ટાઈલ, ૨૦૦ મી. બેક સ્ટ્રોક, ૧૦૦ મી. ફ્રી સ્ટાઈલ, ૪ડ૧૦૦ મી. મીડલે રીલે જેવી સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ તકે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના ખેલાડીઓમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકી શકે તેવું કૌવત ભરપુર પ્રમાણમાં છે. ખેલ મહાકુંભના માધ્યમ થકી આ કૌવતને બહાર લાવીને આંતરરાષ્ટ્રીય સ્તરે ટક્કર ઝીલી શકે તેવા પ્રકારની સુવિધાઓ રાજ્ય સરકાર ઉપલબ્ધ કરાવી રહી છે. રાજ્યસરકાર દ્વારા અપાતી આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ થકી ખામીઓને ખુબીમાં ફેરવીને ગુજરાતના ખેલાડીઓએ વૈશ્વિક કક્ષાએ નામના કાઢી રહ્યા છે.
આ તકે જિલ્લા રમતગમત અધિકારી વી.બી.જાડેજાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ તકે જિલ્લા યુવા વિકાસ અધિકારી ડી.જે વાધેલા, ગ્રામ્ય રમત-ગમત અધિકારી પ્રવિણાબેન પાંડાવદર, હેડ કોચ ક્રિષ્નાબેન પંડ્યા, નોડલ ઓફિસર હેલીબેન જોષી, ચીફ રેફરી તરીકે પ્રકાશભાઈ સારંગ, આંતરરાષ્ટ્રીય મેડાલીસ્ટ હિમાંશુભાઈ પટેલ તથા કોચ પિયુષભાઈ સેલહ પોતાનું યોગદાન આપી રહ્યા છે.
આ તકે રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓનો ઉત્સાહ વધારવા રાજકોટની રમત-ગમત પ્રેમી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.