ધનતેરસ આપણે કમાયેલા ધનનો દાન અને માનવસેવામાં સદુપયોગ કરીને એને સંશુધ્ધ કરવાનો મંત્ર આપે છે. જે સમાજમાંથી ધન મેળવ્યું એ સમાજને એનો હિસ્સો આપવો એ માનવધર્મ છે એમ ન કરવું એ અધર્મ છે.. આપણે ત્યાં કહેવત છે કે સો હાથ કમાઓ અને હજાર હાથે વાપરો…!
ધનતેરસનો તહેવાર દીપાવલીના તહેવારનું એક બહુ મહત્વનું અંગ છે. એની સાથે આયુર્વેદ- શરીર શાસ્ત્રના રચયીતા ઋષિરાજ ધનવંતરીના માનવજાત ઉપરના ઋણનો આદરભર્યો સ્વીકારની, અને માનવજાત તેની જીવન જરૂરતો અને તેમાં અભાવોની પૂર્તિ માટે ‘ધન’ અર્થાત નાણા કે પૈસો કમાય છે તેનો માનવ સમાજ માટે સદ્ઉપયોગ કરીને સંશુધ્ધ કરવાની ગતિવિધિઓનો સમાવેશ થાય છે.
આપણા પુરાણશાસ્ત્રોમાં પ્રત્યેક પર્વ અને તહેવારો અંગે ઘણી બધી કથાઓ આલેખવામાં આવી છે, જે આપણા સમાજની મહામોંઘી મૂડી છે.
આપણા પૂર્વજોએ દર્શાવ્યું છે કે ઉચિત અભાવોના પૂર્તિ કરવા માટે છે. તેના વડે અહંકાર તથા આયોગ્ય કાર્યો ન થવા જોઈએ. ધન ઉપાર્જન કરવા પાછળ એકજ દ્રષ્ટી હોવી જોઈએ કે તેનાથી આપણા અને અન્યના અભાવોની પૂર્તિ થાય. શરીર, મન, બુધ્ધિ અને આત્માના વિકાસને માટે તથા સાંસારીક જવાબદારીઓની પૂર્તિ માટે ધનનો ઉપયોગ થવો જોઈએ અને તે હેતુ માટે જ કમાવું જોઈએ.
જેમાં માનવીનો સંપૂર્ણ શારીરીક શ્રમ જોડાયો હોય, જેમાં બીજાના હકકનું પડાવી લેવામાં ન આવ્યું હોય, જે મેળવવામાં ચોરી, છળકપટ, અન્યાય, શોષણ વગેરેનો ઉપયોગ કરવામાં ન આવ્યો હોય તેજ ધન કમાવાનો યોગ્ય માર્ગ છે. જે ધન મેળવવામાં આપણુ સન્માન હણાતું ન હોય અને રાષ્ટ્રનું અહિત ન થતું હોય તેવી કમણી દ્વારા મેળવેલું ધન ફાલેફૂલે છે અને માનવીની સાથી ઉન્નતિ સાથે છે,જેવી રીતે ધન કમાવવામાં તેના ઔચિત્યનું ધ્યાન રાખવાની જરૂર છે. તેટલી જ જરૂર ધન વાપરવામાં અને તેનોઉપયોગ કરવામાં છે.
ધન ખર્ચમાં ખૂબજ સાવધાની રાખવાની જરૂર છે. પોતાના અને પોતાના કુટુંબીઓનાં આવશ્યક વિકાસ કરવા માટે જ ધનનો ઉપયોગ કરવો તે જ કતવ્ય છે. મોટાઈને અમીરી બનાવવા તથા દુર્વ્યસનોની પૂર્તિ માટે ધનનો વ્યય કરવો તે મનુષ્યની અધોગતિ પ્રતિષ્ઠાને દુર્દશાનું કારણ બને છે.
બાળકોને માટે ધન ભેગુ કરીને મૂકી જવાને બદલે બાળકોને સુરક્ષીત, સ્વસ્થ, સ્વાવલંબી બનાવવામાં ખર્ચ કરવો વધારે યોગ્ય છે. ધનનો ઉપયોગ જો આપણે દુર્વ્યસનોની પૂર્તિ માટે કરીએ છીએ ત્યારે તો તે આપણા માટે અભિશાપ બની જાય છે. આવી વ્યકિત પોતાનું પતન નોતરે છે, પણ સાથોસાથ બીજા લોકોને પોતાના હકથી વંચિત રાખી તેની દુર્દશાનું કારણ પણ બને છે.
આ બધામાં ખર્ચાતું ધન અને શકિત માનવસેવામાં ખર્ચાય, સાંસ્કૃતિક ઉન્નતિ માટે ખર્ચાય, સંસ્કારના રક્ષણ માટે તથા તેની પૂન: પ્રતિષ્ઠા માટે ખર્ચાય તો જ તે સાર્થક નીવડે.
આપણુ સમુળગું ધન રાષ્ટ્રના એવા નવનિર્માણમાં ખર્ચાવું જોઈએ કે જે ગરીબોને ગરીબો ન રહેવા દે, દરિદ્રોને દરિદ્રો ન રહેવા દે અને સૌને એકસૂત્રે બાંધી આપે ! આજના મનુષ્યોનો એક માત્ર ધર્મ આજ હોઈ શકે !
આપણા શાસ્ત્રો અને સંતો માનવસેવાને અને પ્રાણીઓ પ્રત્યે દયાભાવને ધર્મમાં મોખરે રાખી ચૂકયા છે, હવે એ બધૂં પૂરેપૂરૂ કાર્યાન્વિત થાય એ સહુએ જોવાનું છે.
દાન વિના ધર્મ લૂલો છે.. જેની પાસે જે સંપત્તિ હોય તે જો બીજાને કામ લાગે દેશને કામ લાગે અને માનવજાતને કામ લાગે તો જ એનું સાર્થક છે. કમનશીબે આપણે ત્યાં સંપત્તિનો સદુપયોગ થતો નથી. ભ્રષ્ટાચાર દ્વારા કે દંભ દગાબાજી દ્વારા સંપત્તિને એકત્ર કર્યા કરવાની અને ધનપતિઓમાં સૌથી ચઢિયાતા બની જવાની લાલચ અહી ઘર કરી ગઈ છે.
આપણા મહાન ચિંતક, સમાજ સુધારક શ્રી મોટાનું કહેવું છે કે, આપણી સંસ્કૃતિ, આપણો ધર્મ, આપણા પુરાણ ગ્રંથો અને આપણા પૂર્વજોએ જે કાંઈ કહ્યું છે તે બધું જ ફગાવી દઈને આપણા આજના કહેવાતા મહાનુભાવો પૈસાને પરમેશ્ર્વર સમજીને અધાર્મિકતા આચરતા થયા છે.
નીતિશાસ્ત્ર, કૃષ્ણનીતિ અને હિન્દુઓનાં શાસ્ત્રોનો એમાં અંધાધુંધ દ્રોહ છે. મને જરાય શંકા નથી કે આ બધું સમાજના પતન ભણી લઈ જશે. એનાથી જબરી અંધાધુંધી સર્જાશે અને એકેએક સ્તરે ઉથલપાથલો જાગશે…
આ બધું આપણા સમાજ અને રાજકર્તાઓ માટે ચેતવણી રૂપ અને સજાગ થઈ જવા જેવું છે.
આ ધનતેરસને ટાંકણે આપણે ઉચિત રીતે ધન કમાઈએ, એનો ઉચિત ઉપયોગ કરીએ દાન અને માનવસેવાનાં કાર્યોમાં એ ખર્ચીએ અને ધનનો એને લક્ષ્મીરૂપ ગણે એનો ઉપયોગ કરવાની ટેવ પાડીને એમ કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થશે. ધન વિશુધ્ધ થશે અને સમાજ અધ:પતનથી બચશે !