ભાવની ભરે ઝોળી ‘રંગોળી’…
દિપાવલીના ચહેકતા મહેકતા મહાપર્વમાં ભાત-ભાતની રંગોળી આંગણું દિપાવે છે
રંગોળી એ પ્રેમનું પ્રતિક છે. સ્વાગતનું સ્વસ્તિક છે. રંગરૂપી ભાવ છે અને આકૃતિરૂપી આવકાર છે. રંગો વિનાનું જીવન પણ શુષ્ક અને નિરસ છે. રંગ થકી જ જીવન રંગીન છે વરના ગમગીન છે. નિરસ જીવનમાં સરસ, નવરંગપુરે એનું નામ રંગોળી. સાધુ સંતો કે અમુક અપવાદો સિવાય સમસ્ત માનવ સમુદાય યેનકેન પ્રકારે વિવિધ રંગો સાથે સાહજીકતાથી જોડાયેલો છે.
દિપાવલીનાં ચહેકતા, મહેકતા મહાપર્વમાં પોતાનું આંગણું લીંપી-ગુંપી, સ્વચ્છ કરીને ભાત-ભાતની રંગોળી પુરવાની પ્રથા આપણે ત્યાં પરાપૂર્વથી ચાલતી આવે છે પરંતુ ક્રમભાગ્યે આજના કહેવાતા ભ્રામક આધુનિકતાના અતિરેકમાં, માનવ સ્વ.સમય અને નિજાનંદને ખોઈ બેઠો છે. પરિણામે આવા અનેરા આનંદ લેવાના લાભથી આજની ઘણી ગૃહિણીઓ પણ વંચિત, વિમુખ થઈ ગઈ છે અને બજારું ગમે તેવા સ્ટીકરો લગાડી, ગૃહની ગૃહલક્ષ્મીઓ રંગોળી પુર્યાનો આત્મસંતોષ પામે છે. મોટાભાગે સ્ત્રીઓ જ રંગોળી કરે છે. રંગોળી કરવામાં મશગુલ માનુનીઓને જોવી એ પણ એક મહામુલો લ્હાવો છે. વિશિષ્ટ સાત્વિક શકિતઓનું અવની પર અવતરણ થાય છે. તેમને આવકારવા, વધાવવા તથા આસુરી શકિતઓને અંદર પ્રવેશતી અટકાવવા આ દિવસો દરમ્યાન અવશ્ય રંગોળી કરવી જોઈએ જેથી ઘરમાં સુખ, શાંતી રહે.
રંગોળી દ્વારા હ્રીં શ્રીં કલીં કાલી, લક્ષ્મી અને સરસ્વતી યાને ઈચ્છા શકિત, કાર્યશકિત અને જ્ઞાનશકિતને અંદર આવવા આહવાન કરાય છે. આ ત્રિવેણી સંગમ ઘરમાં સર્જાય તો ઘર સ્વર્ગ બની જાય. આમ રંગોળી કેવળ મહેમાનોનું સ્વાગત નથી કરતી પણ ઘનલક્ષ્મીને પણ આવકારે છે. જેમ રંગોળી વિવિધ રંગોથી દીપી ઉઠે છે તેમ આપણું જીવન પણ રંગીન અને સંગીન બને અને આખું વર્ષ આનંદ, ઉલ્લાસ, ઉમંગથી પસાર થાય એવો એનો દિવ્ય ભાવ છે. ગામડાઓમાં છાણ પાણીનું મિશ્રણ ખાળો કરી એને આંગણામાં છાંટી ત્યારબાદ રંગોળી કરવાની પ્રથા આજેય ઘણી જગ્યાએ જીવંત છે અને જોવા મળે છે.
દક્ષિણ ભારતમાં ઓરિસ્સા તથા કેરળમાં ટપકાઓ મુકી રંગોળી કરાય છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન વિગેરે અમુક રાજયોમાં આડી-ઉભી રેખાઓ અંકિત કરી રંગોળી બનાવાય છે. બંગાળી લોકો બીંબા વડે આખા આંગણામાં અલ્પના (રંગોળી) કરે છે. આ ઉપરાંત દીપ, સ્વસ્તિક, ત્રિકોણ, વર્તુળ વિગેરે વિવિધ આકારોમાં પણ રંગોળી કરાય છે. રંગોળીમાં ટપકાને બ્રહ્મા, વિષ્ણુ અને મહેષનું પ્રતિક માનવામાં આવે છે. જયારે સિધો ત્રિકોણ એ શિવ જેને ઉર્ઘ્વમુખ કહેવાય અને અર્ધોમુખ ઉલ્ટો ત્રિકોણ એ શકિતનું પ્રતિક છે. જયારે ત્રિકોણનાં ત્રણ બિંદુ એ ત્રણ કાળનું સંકેત કરે છે. વર્તુળ એ સમયનું સુચન કરે છે.