જુના રાજકોટમાં ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા રોડ, પરાબજાર, લાખાજીરાજ મેઈન રોડ, દિવાનપરા, રઘુવીરપરા, બંગડી બજાર, જુની દરજી બજાર સહિતનાં વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ: મેયર સહિતનાં પદાધિકારીઓ ફેરણી
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુના રાજકોટમાં દિવાળીનાં તહેવારને લઈને પરંપરાગત એવી ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા રોડ, પરાબજાર, લાખાજીરાજ મેઈન રોડ, દિવાનપરા, રઘુવીરપરા, બંગડી બજાર, જુની દરજી બજાર સહિતનાં વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મેયર સહિતનાં પદાધિકારીઓ દ્વારા બજારોમાં ફેરણી પણ કરાઈ હતી. સવારે દુકાન સાફ કર્યા બાદ રોડ પર કચરો ફેંકતા ૨૧ વેપારીઓને રૂ.૧૦,૫૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
કોર્પોરેશને દંડનો ધોકો પછાડતા વેપારીઓમાં ભારે રોષ ફાટી નિકળ્યો હતો. આજે સવારે કોર્પોરેશન દ્વારા મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયા, શાસક પક્ષનાં નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, આરોગ્ય સમિતિનાં ચેરમેન જયમીનભાઈ ઠાકર, સેનીટેશન કમિટીનાં ચેરમેન અશ્ર્વિનભાઈ ભોરણીયા, માર્કેટ સમિતિનાં ચેરમેન પરેશભાઈ પીપળીયા તથા સોલીડ વેસ્ટ અને આરોગ્ય શાખાના અધિકારીઓ દ્વારા જુના રાજકોટની જાણીતી બજાર જેવી કે ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા રોડ, પરાબજાર, ત્રિકોણબાગ, લાખાજીરાજ રોડ, દિવાનપરા, રઘુવીરપરા, કબા ગાંધીના ડેલાવાળી શેરી, બંગડી બજાર, જુની દરજી બજાર, બદ્રીપ્રેસવાળી શેરી, લાખાજીરાજ શાકમાર્કેટ અને દિવાનપરા પોલીસ ચોકી પાસેનાં વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મેયર બીનાબેન આચાર્ય સહિતનાં પદાધિકારીઓએ અલગ-અલગ વિસ્તારોમાં ફેરણી પણ કરી હતી. હાલ દિવાળીનાં તહેવારમાં આ બજારો મોડે સુધી ખુલ્લી રહેતી હોય છે અને લોકોની અવર-જવર પણ વધુ રહેતી હોય છે ત્યારે રોગચાળાને નાથવા માટે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી. અલગ-અલગ બજારોમાં સવારે દુકાન સાફ કર્યા બાદ કચરાનો રોડ ઉપર નિકાલ કરી દેતા ૨૧ વેપારીઓને રૂ.૧૦,૫૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો.