મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે હાઉસિંગ પ્રોજેકટ અને સાઈટ વિશે વિસ્તૃત માહિતી આપી
ભારત સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સને-૨૦૨૨ સુધીમાં દેશમાં સૌને પાક્કા સુવિધાસભર આવાસો પુરા પડવાની નેમ ધરાવે છે. જે અંતર્ગત દેશભરમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઝડપથી એક સાથે વધુ પ્રમાણમાં આવાસોનું નિર્માણ કરવાનો કેન્દ્ર સરકારઓ ધ્યેય છે. ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર દેશમાં ફક્ત ૬ શહેરોની પસંદગી કરવામાં આવેલ છે. પસંદગી પામેલ આ ૬ શહેરોમાં રાજકોટ શહેરનો પણ આ યોજના માટે કરવામાં આવેલ છે. નવી ટેકનોલોજીની મદદથી બનનાર હાઉસિંગ પ્રોજેક્ટ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા સ્માર્ટ સિટી એરીયામાં સાઈટ નક્કી કરવામાં આવેલી છે. કેન્દ્રના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સના જોઈન્ટ સેક્રેટરી અને હાઉસિંગ ફોર ઓલના એમ.ડી. અમૃત અભિજાતે લાઈટ હાઉસ પ્રોજેક્ટ માટેના સ્થળની મુલાકાત લીધી હતી. તેઓ આ સ્થળથી ખુબ જ પ્રભાવિત થયા હતાં. અમૃત અભિજાતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પોપટપરા રેલનગર વિસ્તારમાં બનાવવામાં આવેલી ટાઉનશીપ વિશે પણ વિસ્તૃત જાણકારી પ્રાપ્ત કરી હતી. તેમણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલી ઇન્ટીગ્રેટેડ ટાઉનશીપની ખુબ જ પ્રશંસા કરી હતી અને આ આવાસ યોજનાઓ પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ તૈયાર કરી કેન્દ્ર સરકારને મોકલવા અનુરોધ કર્યો હતો. કેન્દ્ર સરકાર આ ડોક્યુમેન્ટરી ફિલ્મ અન્ય શહેરોને અભ્યાસ માટે મોકલવા ઇચ્છુક છે જેથી એ શહેરો રાજકોટની માફક ખુબ જ સારી ઇન્ટીગ્રેટેડ ટાઉનશિપ તૈયાર કરી લોકોને લેટેસ્ટ સુવિધાઓ મળી શકે.
આ પૂર્વે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે એમ.ડી. અમૃત અભિજાત આને અન્ય વરિષ્ઠ અધિકારીઓનું સર્કિટ હાઉસ ખાતે પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. સાઈટ વિઝિટ પૂર્વે કમિશનરે એમ.ડી. અમૃત અભિજાતને નકશા સાથે લાઈટ હાઉસ પ્રોજેક્ટની વિસ્તૃત માહિતી આપી હતી અને ત્યારબાદ તેઓએ રૈયા સ્માર્ટ સિટી એરિયામાં સ્થિત આ સાઈટની મુલાકાત લીધી હતી. આ હાઉસિંગ પ્રોજેક્ટ રૈયાથી સાવ નજીક હોઈ લાઈટ, પાણી, ભૂગર્ભ ગટર, રસ્તા વગેરે સુવિધાઓ પણ હાઉસિંગ પ્રોજેક્ટનાં લાભાર્થીઓને ઝડપથી પ્રાપ્ત થનાર છે. આ ઉપરાંત આ હાઉસિંગ પ્રોજેક્ટમાં એક શોપિંગ સેન્ટર પણ તૈયાર થનાર હોઈ લાભાર્થીઓને ઘરઆંગણે જ શોપિંગની સુવિધા પ્રાપ્ત થશે. કેન્દ્ર સરકારના મિનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગ દ્વારા અદ્યતન ટેકનોલોજીથી આવાસો બનાવવા માટે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર કામગીરી (મિનિસ્ટ્રી ઓફ અર્બન એન્ડ હાઉસિંગ અફેર્સ) ના વડપણ હેઠળ સીપીડબલ્યુડી (સેન્ટ્રલ પબ્લિક વર્કસ ડીપાર્ટમેન્ટ) દ્વારા કરવામાં આવનાર છે. લાઈટ હાઉસ પ્રોજેક્ટ માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે. ગુજરાત સરકાર તરફથી એફોર્ડેબલ હાઉસિંગ મિશન હેઠળના કાર્યક્ષેત્ર હેઠળ કરવામાં આવનાર છે તથા રાજકોટ મહાનગરપાલિકા તરફથી નોડલ ઓફિસર તરીકે સીટી એન્જીનીયર (સ્પે.) અલ્પના મિત્રાની નિમણુક કરવામાં આવેલ છે. રૈયા સ્માર્ટસીટીના ટી.પી. સ્કીમ નં ૩૨ માં ૪૫ મિ. રોડ પર આ પ્રોજેક્ટ સાકાર થવા જઈ રહેલ છે. જેમાં દરેક આવાસમાં ૨ રૂમ, રસોડું, સંડાસ-બાથરૂમ, વોશિંગ એરિયા મળીને પાર્કિંગમાં કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, ગાર્ડન, કોમ્યુનીટી હોલ જેવી સહિયારી સુવિધાઓ પણ આપવામાં આવનાર છે. કુલ રૂ. ૧૧૮ કરોડના ખર્ચે ૧૧૦૦ થી વધુ આવાસો બનનાર છે.