૧૫ ટીમોએ ભાગ લીધો: વિજેતા ૨ ટીમ રાજયકક્ષાએ રમવા જશે
ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજીત અને જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી, રાજકોટ શહેર દ્વારા સંચાલીત સૌરાષ્ટ્ર ઝોનકક્ષાના અંડર ૧૪/૧૭ હોકી સ્પર્ધાનો રવિવારે રેસકોર્ષના હોકી ગ્રાઉન્ડ ખાતેથી પ્રારંભ થયો છે. આ સ્પર્ધા આગામી ૨૬મી ઓકટોબર સુધી ચાલનાર છે. રવિવારે સવારે ૧૦ કલાકે ઉદઘાટન પ્રસંગે બહોળી સંખ્યામાં ખેલાડીઓ હાજર રહ્યા હતા સાથોસાથ જીલ્લારમત ગમત અધિકારી વી.પી. જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર ઝોનની કુલ ૧૫ ટીમોએ ભાગ લીધો છે. જેમાં વિજેતા ૨ ટીમોને રાજયકક્ષાની હોકી સ્પર્ધામાં ભાગ લેવાનો મોકો મળશે. ચાર ઝોનની સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓ બાદ રાજય કક્ષા એ રમશે.
રાજકોટ જિલ્લા રમત ગમત અધિકારી વી.પી. જાડેજાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, ગુજરાત સરકારના રમત ગમત વિભાગ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ અને જીલ્લા રમત ગમત કચેરી દ્વારા અંડર ૧૪-૧૭ હોકીની ભાઈઓ-બહેનોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમ ચાર ઝોનની સ્પર્ધા ચાલશે. દરેક ઝોનની સ્પર્ધામાં પ્રથમ, દ્વિતિય, નંબર આવનાર ટીમ રાજયકક્ષામાં રમાનારી હોકી સ્પર્ધામાં ભાગ લેશે અને તેમાં ૧ ટીમ પસંદગી પામશે તે દેશ લેવલે ગુજરાતનું પ્રતીનીધીત્વ કરશે.