શહેરમાં ફાટી નિકળેલા રોગચાળાનાં પ્રશ્ને વિપક્ષ કોંગ્રેસ શાસકો અને અધિકારીઓ પર તડાપીટ બોલાવશે
રાજકોટ મહાનગરપાલિકા આવતીકાલે સવારે ૧૧:૦૦ કલાકે મેયર બીનાબેન આચાર્યનાં અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડની બેઠક મળશે. જેમાં શહેરમાં ફાટી નિકળેલા રોગચાળા અને ખખડધજ રોડ-રસ્તાનાં મુદ્દે વિપક્ષ કોંગ્રેસ તડાપીટ બોલાવે તેવી સંભાવના જણાઈ રહી છે. આજે સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડ દ્વારા પત્રકાર પરીષદમાં વિપક્ષી નેતા વશરામ સાગઠીયાને દારૂની પરમીટ ન મળતા રોગચાળાનો મુદ્દો ચગાવ્યો છે તેવા આક્ષેપ મામલે પણ જનરલ બોર્ડ સમરાંગણમાં ફેરવાય તેવી શકયતા જણાઈ રહી છે.
છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયા સહિતનાં રોગચાળાએ અજગરી ભરડો લીધો છે. ભારે વરસાદનાં કારણે રાજમાર્ગોની દશા પણ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગઈ છે. જેના મુદ્દે કાલે મહાપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં વિપક્ષ કોંગ્રેસ શાસકો અને અધિકારીઓ પર તડાપીટ બોલાવવાનાં મુડમાં છે. રોગચાળાનો મુદ્દો હવે દારૂનાં આક્ષેપ અને પ્રતિ આક્ષેપ સુધી પહોંચી ગયો હોય જે કાલે બોર્ડમાં ગાજે તેવી પણ સંભાવના હાલ નકારી શકાતી નથી. રોગચાળા અને ખખડધજ રાજમાર્ગોનાં મુદ્દે કોંગ્રેસે શાસકોને ભીડવવા માટે તૈયારી કરી લીધી છે. કાલે બોર્ડ તોફાની બની રહે તેવું જણાય રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલનું પ્રથમ બોર્ડ હોય તેઓની પણ કસોટી થાય તેવું લાગી રહ્યું છે. જનરલ બોર્ડમાં ભાજપ અને કોંગ્રેસનાં ૩૩ કોર્પોરેટરોએ ૭૯ પ્રશ્ર્નો રજુ કર્યા છે. પ્રશ્ર્નોતરીકાળમાં સૌપ્રથમ શાસક પક્ષનાં નેતા દલસુખ જાગાણીનાં બાંધકામ અને ટીપીને લગતા પ્રશ્ર્નો અંગે ચર્ચા થશે. જોકે કોંગ્રેસ રોગચાળાની ચર્ચા કરવાની માંગ સાથે હંગામો મચાવે તેવી સંભાવના જણાઈ રહી છે. જનરલ બોર્ડ સમક્ષ અલગ-અલગ ૬ દરખાસ્તો મંજુરી માટે મુકવામાં આવી છે.
વોર્ડ નં.૧૧નાં પાણી પ્રશ્ર્ને સોમવારે કોંગ્રેસ કરશે વેસ્ટ ઝોન કચેરીએ તાળાબંધી
શહેરનાં વોર્ડ નં.૧૧માં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા છે. અવાર-નવાર રજુઆત કરવા છતાં પાણી પ્રશ્ર્ન હલ થયો નથી. આગામી સોમવારે કોંગ્રેસ દ્વારા કોર્પોરેશનની વેસ્ટ ઝોન કચેરીએ તાળાબંધી કરવામાં આવશે. ૩ દિવસમાં પાણી પ્રશ્ર્ન હલ કરવા માટે તંત્રને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. વોર્ડ નં.૧૧નાં કોંગી કોર્પોરેટર વસંતબેન માલવીએ જણાવ્યું છે કે, શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને મહિલા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં સોમવારે વોર્ડ નં.૧૧નાં પાણી પ્રશ્ર્ને કોર્પોરેશનની વેસ્ટ ઝોન કચેરી ખાતે તાળાબંધી કરવામાં આવશે જો પાણી પ્રશ્ર્ન હલ નહીં થાય તો ઉગ્ર આંદોલન પણ છેડાશે.
ડેન્ગ્યુ અને મેલેરિયાનાં સાચા આંકડા ૪૮ કલાકમાં નહીં અપાય તો આંદોલનની કોંગ્રેસની ચીમકી
મહાપાલિકાને ડેન્ગ્યુ અને મેલેરિયાનાં સાચા આંકડાઓ ૪૮ કલાકમાં આપવાનું કોંગ્રેસે આખરી અલ્ટીમેટમ આપ્યું છે જો ૪૮ કલાકમાં આંકડાઓ નહીં આપવામાં આવે તો ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું છે કે, મહાપાલિકાની હદમાં આવતા દવાખાનાઓમાં ગત ૧૫ સપ્ટેમ્બરથી ૧૪ ઓકટોબર સુધીનાં એક માસનાં સમયગાળામાં ડેન્ગ્યુનાં અને મેલેરિયાનાં કેટલા દર્દીઓએ સારવાર મેળવી તેનાં આંકડાઓ ૪૮ કલાકમાં મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા આપવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ગાંધી ચિંઘ્યા માર્ગે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. આજે કોંગ્રેસે મહાપાલિકાનું રોગચાળાનું પત્રક જાહેર કર્યું છે જેમાં શહેરમાં મેલેરિયાનાં ૧૮,૭૮૮ અને ડેન્ગ્યુનાં ૬૨૦ કેસો નોંધાયા છે છતાં તંત્ર રોગચાળાનાં સાચા આંકડાઓ જાહેર કરતું નથી.