લોકપ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા પદાધિકારીઓએ લોકોની વધતી જતી અપેક્ષાને ધ્યાનમાં લઈ સુશાસન માટે આયોજન બધ્ધ કામગીરી કરવી પડશે: ધનસુખભાઈ ભંડેરી
ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે દેના મહાનગરો મેગાસીટી અને સ્માર્ટસીટી બની રહ્યા છે. ત્યારે આ હરણફાળ વિકાસની દોટમા ગુજરાતનાં મહાનગરોની સાથે નગપાલીકાઓનો પણ વિકાસ થાય અને અવનવી ટેકનોલોજીથી સજજ બને તે માટે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજયની ૧૬૨ નગરપાલીકાઓની રીવ્યુ બેઠક હાલ ગુજરાત મ્યુનિ. ફા. બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીની અધ્યક્ષતામાં ચાલી રહી છે.
આ અંતર્ગત ગાંધીનગર ઝોનની ૩૦ નગરપાલીકાઓ માટે ગાંધીનગર ખાતે રીવ્યુ બેઠકનો પ્રારંભ કરવામાં આવેલ જેમાં પાટણ જિલ્લાની પાટણ સિધ્ધિપુર, રાધનપુર, હારીજ, ચાણસ્મા, બનાસકાંઠા જિલ્લાની પાલનપુર, ડીસા, થરાદ, ધાનેરા, ભાભર, થરા, મહેસાણા જિલ્લાની મહેસાણા, વિસનગર, કડી, ઉંઝા, વડનગર, વિજાપુર, ખેરાલુ, સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ , વડાલી, તલોદ, અરવલ્લી જિલ્લાની મોડાસા, બાયડ, ગાંધીનગર જિલ્લાની કલોલ, દહેગામ, માણસા, પેથાપુર નગરપાલીકાની રીવ્યુ બેઠક યોજાઈ હતી. આ રીવ્યુ બેઠકમાં રાજય નગરપાલીકા કમિશનર મહેન્દ્રભાઈ પટેલ, ગુજરાત મ્યુની. ફા. બોર્ડના સીઈઓ પટ્ટણી, ગાંધીનગરના પ્રાદેશીક કમિશનર અમીત પ્રકાશ યાદવ, અધિક કલેકટર ડી.એ. શાહ ગુજરાત મ્યુનિ. ફા. બોર્ડના દરજીભાઈ, મકવાણાભાઈ તેમજ નગરપાલીકાના પ્રમુખ ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, ચીફ ઓફીસર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ રીવ્યુ બેઠકમાં ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતુ કે રાજય સરકારની અનેકવિધ યોજનાઓથી છેવાડાના માનવીના પાયાના પ્રશ્ર્નો હલ થાય અને લઘુતમ સાધનોનો મહતમ ઉપયોગ કરી નગરપાલીકાઓ મહાનગરપાલીકા જેવી બને અને મહાનગરપાલીકાઓ મેગાસીટી બને તે માટે ગુજરાત મ્યુનિ. ફા. બોર્ડ દ્વારા સમયાંતરે રાજયની ૧૬૨ નગરપાલીકાઓની રીવ્યુ બેઠક અને સેમીનારો યોજાતા રહે છે. ત્યારે આ રીવ્યુ બેઠકમાં નગરપાલીકાને ફાળવવામા આવેલ ગ્રાન્ટ જેમાં મુખ્યમંત્રી સ્વર્ણીમ જયંતી શહેરી વિકાસ યોજના, આગવી ઓળખના કામો, ૧૪મી નાણાપંચની ગ્રાન્ટ,ભૂર્ગભ ગટર, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પીવાના પાણીની યોજના, સ્વચ્છ ભારત મિશન યોજના, સુરક્ષા યોજના સહિતની પ્રાથમિક સુવિધાઓ, માળખાકીય સુવિધાઓ અને આંતરમાળખાકીય સુવિધાઓ અંગે વિસ્તૃતક ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી.