પિસ્તોલ બતાવી રૂ.૩૦ લાખની ખંડણી પડાવવા પ્રયાસ: પોલીસને જોઇ ચાર શખ્સો ભાગી ગયા: હત્યા અને ઘાતક હથિયારના ગુનામાં સંડોવાયેલા કુખ્યાત ગેંગની શોધખોળ
ભાવનગરના સ્ક્રેપના વેપારીનું અમદાવાદથી કારમાં અપહરણ કરી જસદણ નજીક પિસ્તોલ બતાવી રૂ.૩૦ લાખની ખંડણી પડાવવા રાજકોટ સહિતના શખ્સો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે જસદણ પોલીસ ઘટના સ્થળે પહોચી જતા ખંડણી પડાવવા થયેલા અપહરણની ઘટનાનો પર્દાફાસ કરી રાજકોટના નામચીન શખ્સને પિસ્તોલ સાથે ઝડપી લીધો છે. પોલીસ અચાનક ઘટના સ્થળે પહોચી જતા નાસભાગ મચી ગઇ હતી. હત્યા અને ઘાતક હથિયાર સહિતના અનેક ગુનામાં સંડોવાયેલા જસદણના નામચીન શખ્સે ખંડણી પડાવવા પ્લાન બનાવ્યાની સ્ફોટક વિગતો બહાર આવતા પોલીસ સ્ટાફ પણ ચોકી ઉઠયો છે. જસદણ પોલીસની સતર્કતાથી ભાવનગરના અપહૃત વેપારીને હેમખેમ બચાવી લેવામાં આવ્યો છે.
આ અંગેને પોલીસમાંથી ભાવનગરના નિલમ બાગ સર્કલ પાસે આવેલા દેવબાગ નજીક રહેતા સ્ક્રેપના ધંધાર્થી અલ્તાફ હુસેન મામુઅલી નાથાણી નામના ખોજા યુવાનનું અમદાવાદ જુહાપુરા મકરબા પાસે આવેલા અલગુરૂ જ એપાર્ટમેન્ટ ખાતે તેમનું બીજુ મકાન છે ત્યાં ગત તા.૧૫મીએ ગયા હતા અને આલીશાન મસ્જીદમાં નમાજ પઢીને પરત આવી રહ્યા હતા ત્યારે મસ્જીદ પાસે જી.જે.૧૮બીડી. ૨૦૪૭ નંબરની કાર પાર્ક કરેલી હતી તેમાં બે શખ્સો બહાર ઉભા હતા અને ત્રણ શખ્સો કારમાં બેઠા હતા.
અલ્તાફભાઇ નાથાણી મસ્જીદમાંથી બહાર નીકળ્યા ત્યારે કાર પાસે ઉભેલા બંને શખ્સોએ ‘તારા એકાઉન્ટન મુસ્તુઝા પાસે અમારે પૈસા લેવાના બાકી છે તે અમારો ફોન ઉપાડતો નથી’ કહી કારમાં બેસાડી અપહરણ કરી જસદણના પાંચ ટોબરા તરીકે ઓળખાતા ડુંગર વિસ્તારમાં લાવી લાફા મારી રૂ.૩૦ લાખની ખંડણી આંગડીયા મારફત મગાવવા ધમકાવી પિસ્તોલ બતાવી હતી.
દરમિયાન જસદણ પોલીસ મથકના પી.એસ.આઇ. ડી.પી.ઝાલા, હેડ કોન્સ્ટેબલ રાજાભાઇ વકાતર, કોન્સ્ટેલ અમિતભાઇ સિધ્ધપરા પેટ્રોલિંગમાં ત્યાંથી પસાર થતા તેઓની નજરે શંકાસ્પદ હીલચાલ અને કાર નજરે પડતા તેઓ તમામ શખ્સો પાસે ગયા ત્યારે રાજકોટના જંગલેશ્ર્વર વિસ્તારના રમીજ સલીમ સેતા નામનો શખ્સ પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો અને ચાર જેટલા શખ્સો ભાગી ગયા હતા.
દરમિયાન બાવળની ઝાળીમાંથી અન્ય એક શખ્સ મળી આવતા તેની પૂછપરછ કરતા તે અલ્તાફ નાથાણી હોવાનું અને તે ભાવનગરના સ્ક્રેપના ધંધાર્થી હોવાનું તેમજ તેનું અમદાવાદથી ખંડણી પડાવવા અપહરણ કર્યાનું જણાવતા પોલીસ સ્ટાફ ચોકી ઉઠયો હતો.
તમામને પોલીસ મથકે લાવી રમીજ સેતાની પૂછપરછ કરતા તેને જસદણના નામચીન વસીમ ઇકબાલ કથિરીને ત્યાં અલ્તાફ નાથાણીનું અપહરણ કરી ખંડણી પડાવવાનો પ્લાન બનાવ્યાની અને તેની સાથે રાજકોટના જંગલેશ્ર્વરના અકરમ નારેજા, ભાવનગરના સાજીદ સૈયદ, જૂનાગઢના સિકંદર ઉર્ફે બાબુ, જસદણના ફૈજલ ઉર્ફે પાવલી હુસેન પરમારે અપહરણ કર્યાની કબુલાત આપી છે.
જસદણનો વસીમ કથિરી અગાઉ જસદણના કનુભાઇ રાણીંગભાઇ ગીડાની હત્યા તેમજ અમદાવાદ ખાતે એક સાથે ૧૮ જેટલા હથિયારના ગુનામાં ઝડપાયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે અપહરણ અને ખંડણીના ગુનામાં ભાગી છુટેલા શખ્સોની શોધખોળ હાથધરી છે.