દીવાળી આવે છે. એ પ્રકાશનં પર્વ છે. એ સ્વચ્છતાનું પર્વ છે. એ રોમાંચક છે. નયનરમ્ય છે. ઉત્સવના વિવિધ રંગો બિછાવતું પર્વ છે.
આ પર્વ કશાજ મહત્વના સંકલ્પ વગર વેડફી નાખવા જેવું મામુલી નથી.
માનવ જીવનમાં વૈવિધ્ય અને નવીનતા, સમાજમાં ઐકય અને પ્રેમ સાથે ધર્મ ભાવનાનો વિકાસ સાધતા તહેવારોએ રાષ્ટ્રનાં ઉત્પાદનમાં આગવો અને મહત્વનો ફાળો આપ્યો છે. આ સઘળા તહેવારોમાં પાંચ તહેવારો મુખ્ય છે. ધનતેરસ, કાળીચૌદશ, દીવાળી, બેસતુ વર્ષ અને ભાઈબીજ.
ધામધૂમથી ઉજવાતા આ પાંચ તહેવારો આર્યોના માપર્વો તરીકે ગણાય છે. કોઈ પચપર્વ કે પર્વ પંચક પણ કહે છે. આ પર્વપંચકમાં દીવાળી દીપોત્સવી મહાપર્વ કે પર્વોની મહારાણી તરીકે જાણીતું છે.
દીવાળી છે તો અમાસ અંધારી ઘોર, પણ તેનાં અજવાળા તો પૂનમનેય શરમાવે તેવા છે. દિલખુશ દીવા, રંગબેરંગી રંગોળી અને આનંદદાયક આતશબાજી અંધારી અમાસને અવનવા સાજ શણગાર સજાવે છે.
આમ પોતાની સંગાથે પોતાની આંગણીએ એક એકથી ચઢીયાતા ચાર તહેવાર હોંશે લઈ આવતું આ મોંઘ પર્વ છે.
ધનતેરસ, કાળી ચૌદશ, દીપાવલી, નૂતન વર્ષ, ભાઈબીજ, એમ ‘પંચ ત્યાં પરમેશ્ર્વર’ની યાદ આપતું આ મહાપર્વ છે.
બાર મહિનામાં શું શું સારૂ અને શું શું નઠારૂ કર્યું તેનો જાયજો લેવાનું એટલે કે જીવન યાત્રાનાં બાર મહિનામાં કરેલી પ્રવૃત્તિઓ (કામગીરીઓ) કરી તેનો હિસાબ કરવાનું અને નવા વર્ષમાં શું શું કરવા ધાર્યું છે. તેની નોંધ કરવાની ફરજ બજાવવાનું આ પર્વ છે.
લક્ષ્મી, સરસ્વતી, શારદા, મહાકાળીની આજ્ઞા માગવાનું અને તે પૂરેપૂરી કાળજી પૂર્વક પાળવાનું આ પર્વ એક દીકરીએ માબાપને અને દાદાદાદીને પગે લાગીને તેમના આશીર્વાદ લીધા અને આજના જમાનામાં દેશની વર્તમાન બેહાલ સ્થિતિમાં કયા સંકલ્પો કરવા તે પૂછયું એ વખતે તેની આંખોમાં આંસુ ઉભરાયા અને કહેવાઈ ગયું કે, આપણા પાડોશમાં રહેતા લોકોએ એમના વૃધ્ધ મા-બાપને વૃધ્ધાશ્રમમાં મૂકી દીધા છે. એમને આપણા ઘેર લાવીને આપણી સાથે રાખવાનો મને વિચાર આવ્યો છે. એ મારો એક સંકલ્પ આ છે. આપણે એમ કરીએ તો? આ દીકરીના મા-બાપ અને દાદા-દાદી રોઈ પડયા અને તેમણે પણ એજ સંકલ્પ કર્યો…
દીવાળીનું પર્વ કશાજ સંકલ્પ વિના વેડફી નાખવા જેવું મામુલી નથી. એ ન ભૂલીએ અને દીવડાની હારમાળા કરીએ, ભાઈચારાના તારણ બાંધીએ તથા સહકારની રંગોળીઓ પૂરીએ એનાથી આપણી, આપણા સમાજની અને દેશની શોભા વધશે!