ST નિગમમાં કામ કરતા ૧૨૬૯૨ કર્મચારીઓને પગાર વધારાનો લાભ મળશે: ગુજરાત સરકાર પર રૂ.૧૨.૯૪ કરોડનો વધારાનો બોજ
કર્મચારીઓનાં હિતને મળેલી રાજય સરકારે વધુ એક કર્મચારી હિતલક્ષી નિર્ણય કર્યો છે. ગુજરાત માર્ગ વાહન વ્યવહારની ફિકસ પગાર આધારીત કર્મચારીઓનાં વેતનમાં રાજય સરકાર દ્વારા અંદાજે બમણો વધારો કરાયો છે.
નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમની વિવિધ કેડરમાં ફરજ બજાવતા વર્ગ-૨, વર્ગ-૩ અને વર્ગ-૪નાં અંદાજે ૧૨,૬૯૨થી વધુ ફિકસ પગાર ધરાવતા કર્મચારીઓને અપાતા વેતનમાં બમણો વધારો કરાયો છે. તેના પરીણામે રાજય સરકારને વધારાનું રૂ.૯૨.૪૦ કરોડનું વાર્ષિક ભારણ થશે. રાજય સરકારનાં આ નિર્ણયનાં પરીણામે એસ.ટી.નિગમનાં કર્મીઓને દિવાળીની ભેટ મળતા તેઓ દિવાળી ઉત્સાહપૂર્વક ઉજવશે. આ નિર્ણયનો લાભ ૧૬મી ઓકટોબર ૨૦૧૯થી મળતો થઈ જશે. સરકારે સિનિયર અધિકારી વર્ગ-૨નાં પગારમાં રૂ.૨૩,૨૦૦નો વધારો કર્યો છે. પહેલા ફિકસ પગારપે આ કર્મચારીઓને ૧૬,૮૦૦ પગાર મળતો હતો જે હવે ૪૦,૦૦૦ રૂપિયા કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત જુનીયર અધિકારી વર્ગ-૨ને હાલનો પગાર રૂ. ૧૪,૮૦૦થી વધીને રૂ.૩૮૦૦૦ જેટલો પગાર મળશે. સુપર વાઈઝર વર્ગ-૩નો હાલનો પગાર રૂ.૧૪,૫૦૦ તે વધીને રૂ.૨૧૦૦૦ મળશે. ડ્રાઈવર કમ કંડકટરનો હાલનો પગાર રૂ.૧૧૦૦૦ જે વધીને રૂ.૧૮૦૦૦ મળશે. એકમ કક્ષા વર્ગ-૩ને રૂ.૧૦,૦૦૦નો પગાર જે વધીને રૂ.૧૬,૦૦૦ મળશે અને વર્ગ-૪નાં કર્મચારીઓનો હાલનો પગાર રૂ.૯૦૦૦ જે વધીને રૂ.૧૫૦૦૦ હવેથી મળશે.