દુષ્કર્મના ઇરાદે અપહરણ કરવાના ગુનામાં ૧૪ દિવસના રિમાન્ડની માગણી સાથે કામાંધ કોર્ટ હવાલે

શરદ પૂનમના દિવસે ગરબીમાં લાણી લઇને દાદીમાં સાથે ઘરે જઇ રહેલી આઠ વર્ષની માસુમ બાળકીનું દુષ્કર્મ આચરવાના ઇરાદે બાઇક પર અપહરણ કરવાના ગુનામાં ઝડપાયેલા બાબુ બાંભવાને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ સમક્ષ ઓળખ પરેડ કરાવતા માસુમ બાળકી અને તેણીના દાદીએ ઓળખી બતાવ્યો છે. પોલીસે ૧૪ દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટ હવાલે કરાયો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ એરપોર્ટ રોડ પર ગરબીની લાણી લઇને જઇ રહેલી આઠ વર્ષની બાળકી અને તેણીના દાદીને બાઇકમાં લિફટ આપવાના બહાને બાળકીને બાઇકની ટાકી ઉપર બેસાડી દાદીમાં પાછળ બેસે તે પહેલાં બાળકી સાથે બાઇક સવાર ફરાર થઇ ગયો હતો.

બાળકીના અપહરણ અંગે દાદીમાંએ પરિવારને જાણ કરતા પોલીસને ગુમ નોંધ કરાવી શોધખોળ કરી રહ્યા હતા તે દરમિયાન આઠ વર્ષની બાળકી રૈયા સ્મશાન પાછળ અવાવરૂ જગ્યાએથી રોડ પર આવતા રાહદારીએ તેણીના પરિવારને સોપી દીધી હતી. પરિવારજનોએ અપહરણ અને તેણી પર થયેલા દુષ્કર્મના પ્રયાસ અંગેની પોલીસને જાણ કરતા પોલીસે રાતભર દોડધામ કરી અપહરણ અને બળાત્કારના પ્રયાસના ગુનામાં સંડોવાયેલા રાણીમાં રૂડામાં ચોકના બાબુ દેવા બાંભવાને ઝડપી આકરી પૂછપરછ કરી હતી.

બાબુ બાંભવા આ પહેલા ચોરી અને દારૂના ગુનામાં ઝડપાયો હોવાનું અને તેની સામે પાસાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેલમાંથી તાજેતરમાં જ છુટેલા બાબુ બાંભવાએ નશો કરેલી હાલતમાં બાળકીનું અપહરણ કરી દુષ્કર્મના કરેલા પ્રયાસ અંગે પોલીસે એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ સમક્ષ ઓળખ પરેડ કરાવતા બાબુ બાંભવાને આઠ વર્ષની બાળકી અને તેણીની દાદીએ ઓળખી બતાવ્યા હતા.

બાબુ બાંભવા સાથે અન્ય કોઇ સંડોવાયું છે કે કેમ અને અન્ય કોઇ તરૂણીને હવસનો શિકાર બનાવી હોવાની શંકા સાથે પોલીસે વિશેષ પૂછપરછ માટે ૧૪ દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.