બી.સી.સી.આઈ. વુમન્સ સિનિયર ટી.૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ
ગોવા, તામિલનાડુ, બેંગાલ અને મહારાષ્ટ્રને ચાર ચાર પોઈન્ટ મળ્યા
બીસીસીઆઈ દ્વારા વુમન્સ સીનીયર ટી.૨૦ ટ્રોફી ટુર્નામેન્ટ ૨૦૧૯-૨૦ના ઈલાઈટ ગ્રુપઈના રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના સ્ટેડિયમમાં ચાર મેચ રમાઈ હતી. જેમાં સૌરાષ્ટ્રનો ગોવા સામે પરાજય થયો હતો અને તેને કારણે ગોવાને ચાર પોઈન્ટ મળ્યા હતા જયારે અન્ય મેચોમાં તામિલનાડુ, બેંગાલ અને મહારાષ્ટ્રનો વિજય થયો હતો.
સૌરાષ્ટ્ર ગોવા વચ્ચેના મેચમાં ગોવાએ ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ લેવાનું નકકી કરતા સૌરાષ્ટ્રનો પ્રથમ દાવ શરૂ થયોહતો. અને સૌરાષ્ટ્રની ટીમે પાંચ વિકેટના ભોગે ૨૦ ઓવરમાં ૧૦૦ રન કર્યા હતા. જેમાં જયશ્રી જાડેજા ૪૨ અને મૃદુલા જાડેજાના ૨૭ રન મુખ્ય હતા જોવા તરફથી સન્જુલા નાયકે બે વિકેટ લીધી હતી. ૧૦૦ રનના લક્ષ્યાંકને સિધ્ધ કરવા મેદાને પડેલી ગોવાની ટીમે માત્ર બે વિકેટ ગુમાવી ૧૬.૪ ઓવરમાં ૧૦૧ રન કરીલેતા તેનો વિજય થયો હતો. જેમાં સન્કલા નાયક ૩૨ રન અણનમ કર્યા હતા. ગોવાનો આઠ વિકેટે વિજય થતા ચાર પોઈન્ટ મળ્યા હતા બીજી મેચ મિઝોરમ અને તામિલનાડુ વચ્ચે રમાઈ હતી. જેમાં તામિલનાડુએ ટોસ જીતી પ્રથમ દાવ લેવાનું નકકી કર્યુ હતુ નિર્ધારિત ૨૦ ઓવરમાં બે વિકેટના ભોગે ૧૯૩ રન બનાવ્યા હતા તેમાં નિરંજના નાગરાજને ૧૦૫ રન અણનમ ફટકાર્યા હતા.
એસ.બી. કીર્થનાએ ૮૧ રન કર્યા હતા. જેની સામે મિઝોરમની ટીમ માત્ર ૧૬.૪ ઓવરમાં માત્ર ૩૪ રન ઓલ આઉટ થઈ જતા તામિલનાડુનો વિજય થયો હતો. અને તેને ચાર પોઈન્ટ મળ્યા હતા. અરૂણાચલ પ્રદેશ અને બેંગાલ વચ્ચે રમાયેલ મેચમાં અરૂણાચલ પ્રદેશે ટોસ જીતી પ્રથમ દાવ લઈને ૨૦ ઓવરમાં ૬ વિકેટના ભોગે માત્ર ૨૪ રન કર્યા હતા. જે સામે બેંગાલે ૨.૨ ઓવરમાં ૨૭ રન કરી લેતા તેનો વિજય થયો હતો.
અન્ય એક મે દિલ્હી અને મહારાષ્ટ્રની ટીમો વચ્ચે રમાયો હતો અને મહારાષ્ટ્ર ટોસ જીતી પ્રથમ દાવ લેતા ચાર વિકેટના ભોગે ૧૩૮ રન કર્યા હતા. જે સામે દિલ્હીની ટીમ ૬ વિકેટના ભોગે ૧૨૮ રન ૨૦ ઓવરમાં બનાવી શકતા મહારાષ્ટ્રનો વિજય થયો હતો. અને તેને ચાર પોઈન્ટ મળ્યા હતા.