વાદલળી…સરોવર છલી વળ્યા!!!
ચાલુ વર્ષે કચ્છમાં ૧૭૮ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૫૦ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૧૪૪.૫ ટકા જેવો અતિ ભારે વરસાદ પડયો
ચાલુ વર્ષે રાજ્યમાં મોડેથી આવેલા મેઘરાજાએ પાછોતરી રમઝટ બોલાવી હતી. જેના કારણે નવરાત્રિ સુધી વરસેલા વરસાદે રાજ્યભરમાં સવાયો વરસાદ વરસાવ્યો છે. સર્વત્ર ભારે વરસાદના કારણે રાજ્યભરના ડેમોમાં તેની અગ્રહ ક્ષમતાના ૯૭ ટકા સુધી પાણીથી છલોછલ ભરાઈ જવા પામ્યા છે. તમામ ડેમો છલકાઈ જવાથી આગામી વર્ષે વરસાદ ન પડે તો પણ પાણીની તંગી ન ઉદભવે તેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે. ગુજરાતની જીવાદોરી ગણાતા નર્મદા ડેમમાં પણ તેની સંગ્રહ ક્ષમતાના ૯૬.૬૪ ટકા જેટલું ૨૫,૨૨૪ મિલિયન ક્યુબિક મીટર ભરાયેલું છે. જ્યારે ભરાયેલા પાણી કરતા ચાર ગણું પાણી દરિયામાં વહી જવા પામ્યું હતું.
ભારતના હવામાન ખાતા (આઇએમડી) એ ગઈકાલે જાહેરાત કરી કે દક્ષિણ પશ્ચિમના ચોમાસાએ સમગ્ર ગુજરાત રાજ્ય અને ઉત્તર અરબી સમુદ્રમાંથી વિદાય લીધી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ છૂટાછવાયા વરસાદ નોંધાયા હોવા છતાં ચોમાસાઓ વિધિવત વિદાય થઈ છે. હવામાન ખાતાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૧૩ પછી, આ વર્ષમાં લાંબા ગાળાની સરેરાશ (એલપીએ)ની સરખામણીએ મહત્તમ વરસાદ અને સૌથી વધુ વરસાદની ટકાવારી નોંધાઈ છે. વર્ષ ૨૦૧૩ માં ૧,૧૭૫ મીમી વરસાદ નોંધાયો હતો અને તે એલપીએનો ૧૪૭% હતો. આ વર્ષે રાજ્યમાં ૧,૧૫૯ મીમી વરસાદ નોંધાયો છે અને તે એલપીએનો ૧૪૨% જેટલો છે.
આ વર્ષે જૂનમાં ૧૦૯ મીમી, જુલાઈ ૨૨૨ મીમી, ઓગસ્ટ ૪૪૬ મીમી, સપ્ટેમ્બર ૩૩૮ મીમી અને ઓક્ટોબરમાં ૪૩ મીમી વરસાદ નોંધાયો છે. રાજ્યના તમામ ૩૩ જિલ્લામાં ૧૦૦% કરતા વધારે મોસમી વરસાદ નોંધાયેલ છે જ્યારે ૨૫૧ તાલુકામાંથી માત્ર સાત જ તાલુકામાં ૨૫૧-૫૦૦ મીમી વરસાદ નોંધાયો છે. અન્ય તમામ તાલુકાઓમાં ૫૦૧ મીમી (૧૯.૭ ઇંચ) કરતા વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં કચ્છમાં સૌથી વધુ વરસાદ ૧૭૮%, ત્યારબાદ સૌરાષ્ટ્રમાં ૧૫૦% અને દક્ષિણ ગુજરાતમાં ૧૪૪.૫%, વરસાદ નોંધાયો છે. તેમ રાજ્ય કટોકટી કામગીરી કેન્દ્ર (એસઈઓસી) ના આંકડા જણાવવામાં આવ્યું છે.
રાજ્યની ૨૦૫ જળ સંગ્રહ યોજનાઓમાંથી ૧૧૯ સંપૂર્ણ રીતે ભરાઈ ગઈ છે. જેમાં ૨૫,૨૨૪.૧૬ મિલિયન ઘનમીટર અથવા કુલ ક્ષમતાના ૯૬.૬૪ ટકા જેટલા જળ સંગ્રહ યું છે. જ્યારે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૨૫,૨૨૪ મિલિયન ક્યુબિક મીટર પાણી છે. જે તેની સંપૂર્ણ ક્ષમતાના ૯૬.૬૪ ટકા છે.