મુળી નજીકથી રેઢી કારમાથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળ્યો: કાર ચાલક અને બુટલેગરની શોધખોળ
સુરેન્દ્રનગર પંથકમાં બુટલેગર પર પોલીસે ધોસ બોલાવાનું શરૂ કરતા દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ મચી ગયો છે. પોલીસે સાયલા પાસે આવેલી ફોરેસ્ટ વિભાગની વીડીમાંથી રૂ.૨૦ લાખનો વિદેશી દારૂ અને મુળી નજીક રેઢી મળી આવેલી કારમાંથી ૨૧૪ બોટલ દારૂ મળી આવતા પોલીસે કાર ચાલક અને બુટલેગરની શોધખોળ શરૂ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સાયલા નજીક ફોરેસ્ટ વિભાગની વીડીમાં વિદેશી દારૂનો જંગી જથ્થો બુટલેગરે છુપાવ્યાની બાતમીના આધારે એલ.સી.બી. પી.આઇ. ડી.એમ.ઢોલ અને પી.એસ.આઇ. વી.આર.જાડેજા સહિતના સ્ટાફે દરોડો પાડી રૂ.૨૦ લાખની કિંમતની ૬,૬૬૦ બોટલ વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવતા કબ્જે કરી બુટલેગરની શોધખોળ હાથધરી છે.
જ્યારે મુળી તાલુકાના લીંમલી ગામ પાસે જી.જે.૧૩એબી. ૭૬૭૯ નંબરની અલ્ટ્રોકારમાં વિદેશી દારૂ હોવાની બાતમીના આધારે પોલીસે રૂ.૪૭ હજારની કિંમતના દારૂ-બિયરના જથ્થા સાથે કાર કબ્જે કરી તપાસ હાથધરતા કાર ધર્મેન્દ્રસિંહ ઉર્ફે શંભુ કિરીટસિંહ અન નરેન્દ્રસિંહ જુવાનસિંહની હોવાનું બહાર આવતા પોલીસે તેની શોધખોળ હાથધરી છે.
પોલીસે વિદેશી દારૂની સાથે દેશી દારૂ પર દરોડા પાડવાનો દોર જારી રાખી સુરેન્દ્રનગર પાસે દુધરેજ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ કાંઠે વાડી ધરાવતા ગોરધન પુંજા કોળીએ પોતાની વાડીએ દેશી દારૂની મીની ફેકટરી શરૂ કરી હોવાની બાતમીના આધારે એલસીબી સ્ટાફે દરોડો પાડી ૯,૩૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો આથો, દારૂ બનાવવાની ભઠ્ઠીના સાથનો સાથે ગોરધન પૂંજા, મુન્ના પૂંજા, મોહન મકા ચૌહાણ, કરમશી અમરશી દેત્રોજા અને રતા લાખા ચૌહાણ સામે ગુનો નોંધી મોહન ચૌહાણ, દેત્રોજા અને રતા ચૌહાણની રૂ.૩૦ હજારના મુદામાલ સાથે ધરપકડ કરી છે.