સુવર્ણ જયંતિ મહોત્સવ અંતર્ગત બે દિવસીય આયોજન
રવિવારે સંયમનાં માર્ગે વળેલ બ્રહ્માકુમારી બહેનોનું સન્માન: દિલ્હી ઝોન ડાયરેકટર આશાદીદી અને બ્રહ્માકુમારીઝનાં સેક્રેટરી મૃત્યુંજયભાઈ ઉપસ્થિત રહેશે: બ્રહ્માકુમારીઝની બહેનો અબતકનાં આંગણે
છેલ્લા ૫૦ વર્ષોથી સૌરાષ્ટ્રમાં આઘ્યાત્મિકતાના ઓજસ પાથરનાર આંતરરાષ્ટ્રીય સંસ્થાન બ્રહ્માકુમારીઝ તેના સુવર્ણ જયંતિનાં અવસરને અનેરા ઉમંગ-ઉત્સાહ સાથે મનાવી રહી છે. સન ૨૦૧૯નાં વર્ષમાં અનેક સામાજીક સેવાઓની સાથે ૧૨, ૧૩ ઓકટોબર, ૨૦૧૯ ભવ્ય ઉજવણીની તૈયારીઓમાં કરવામાં આવી રહી છે. સુવર્ણ જયંતિનાં સ્વર્ણિમ અવસરે રાજયોગીની ભારતીદીદીનાં સાનિઘ્યમાં રાજકોટની ધરામાંથી છેલ્લા ૫૦ વર્ષમાં ત્યાગ, તપસ્યાનાં બળે સંયમનાં માર્ગે અપનાવનાર બ્રહ્માકુમારીઝ બહેનોનું ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. તા.૧૩ ઓકટોબરનાં રોજ સાંજે ૪:૩૦ વાગ્યે કલ્યાણમ પાર્ટી પ્લોટ, સીનર્જી હોસ્પીટલ સામે, રાજકોટ ખાતે સામૈયા તથા સાંસ્કૃતિક કલાકૃતિઓ દ્વારા રાજકોટથી સંયમનાં માર્ગે વળનાર ૫૩ બહેનો, ૩ ભાઈઓનું ભવ્ય સન્માન કરાશે. આ અવસરે બ્રહ્માકુમારીઝના દિલ્હી ઝોન ડાયરેકટર આશાદીદી તેમજ માઉન્ટ આબુથી બ્રહ્માકુમારીઝના સેક્રેટરી મૃત્યુંજયભાઈની વિશેષ ઉપસ્થિતિ રહેશે. કાર્યક્રમનું દિપપ્રાગટય વજુભાઈ વાળા તથા રાજકોટનાં ગણમાન્ય મહાનુભાવોનાં હસ્તે કરવામાં આવશે.
૧૯૪૧માં મુંબઈમાં ધાર્મિક પરિવારમાં જન્મ લેનાર ભારતીદીદી ૧૯૫૨માં બ્રહ્માકુમારી સંસ્થાનાં સંપર્કમાં આવ્યા. અભ્યાસમાં તેજસ્વીતા, દયાળુ, કૃપાળુ વ્યકિતત્વ ધરાવનાર તેઓને બચપણથી જ ડોકટર બની દુ:ખીઓના દુ:ખ દુર કરવાનું સ્વપ્ન હતું જે આજે ખરેખર તન-મનના ડોકટર બની સાર્થક થયું. માતા-પિતાની મંજુરી લઈ ૧૯૫૪માં ભારતીદીદી તથા તેમના સગા અન્ય ૨ બહેનોએ આજીવન બાલ બ્રહ્માચારી જીવનનો નિર્ણય લઈ સંસ્થામાં સમર્પણ થયા જે મુંબઈ જેવી માયાવીનગરીમાં પ્રથમ ઉદાહરણ હતું. ૧૯૫૪ થી ૧૯૬૮ સુધી ભારતીદીદી ભારતભરમાં ભ્રમણ કરી દિલ્હી, કાનપુર, કલકતા વગેરે અનેક શહેરોમાં શાંતિનો સંદેશ ફેલાવતા અનેક બ્રહ્માકુમારી સેવા કેન્દ્રોની સ્થાપના કરી. અનેકોનાં જીવન માટે પ્રેરણારૂપ બન્યા. સૌરાષ્ટ્રની ધરામાં શ્રેષ્ઠ સંસ્કારો દ્વારા સંસ્કૃતિનાં નવસર્જન અર્થે પિતા બ્રહ્માબાબાની પ્રેરણાથી ૧૯૬૯માં ભારતીદીદીએ શુરવીરોની ભૂમિ સૌરાષ્ટ્રની ધરામાં રાજકોટ ખાતે આઘ્યાત્મિકતાનું બીજ રોપ્યું. જે આજે ૫૦ વર્ષમાં વટવૃક્ષ બની ગયું છે.
સેવાધારી તન-મનથી સશકત હોય તો જ સેવામાં પોતાનું યોગદાન આપી શકે તે લક્ષ્યથી બ્રહ્માકુમારીઝ-જયોતિદર્શન ખાતે ૧ જાન્યુઆરીથી ૩ જાન્યુઆરી ૨૦૧૯ લગાતર ૫૦ કલાકની યોગ તપસ્યાથી સુવર્ણ જયંતિનો ભવ્ય શુભારંભ કરવામાં આવેલ. જેમાં અંદાજે ક્રમાનુસાર ૫૦૦થી વધારે ભવ્ય બહેનોનો લાભ લીધો. બ્રહ્માકુમારીઝનાં સર્વ સેવા કેન્દ્ર તથા ભાઈ-બહેનોનાં ઘરોમાં પ્રતિ ગુરુવારે વિવિધ થીમ પર આબેહુબ, મુલ્યલક્ષ્યી રંગોળી બનાવાઈ રહી છે. બ્લડ ડોનેશન તથા સર્વ રોગ નિદાન કેમ્પનું વિશાળ આયોજન કરવામાં આવેલ. ખુશી માનવ જીવનનો સાચો ખજાનો છે. ખુશ રહેવું અને ખુશ રાખવા તે સ્વાભાવિક પ્રકૃતિ છે પરંતુ ફાસ્ટ લાઈફમાં ખુશનુમા જીવનની ચાવી ખોવાઈ ગઈ છે. જેનું મુખ્ય કારણ માનવ મન છે. આ વિષય પર સેમીનાર સશકત મનથી ખુશનુમા જીવન પર તા.૧૨ ઓકટોબરનાં રોજ સાંજે ૪:૩૦ થી ૬:૩૦ અટલ બિહારી બાજપાઈ હોલ, પેડક રોડ, રાજકોટ ખાતે યોજાશે. બ્રહ્માકુમારીઝ દ્વારા ફ્રી સેમીનારનું આયોજન કરેલ છે. જેમાં બ્રહ્માકુમારીઝ દીલ્હી ઝોન ડાયરેકટર આશાદીદી અનેક યુકિતઓ બતાવશે જેનો લાભ લેવા રાજકોટનાં પ્રબુઘ્ધ નાગરિકોને બ્રહ્માકુમારીઝ દ્વારા અનુરોધ કરાયો છે.