૧લી જુલાઈ, ૨૦૧૯થી કેન્દ્રીય કર્મચારીઓનો મોંઘવારી ભથ્થાનો વધેલો દર લાગુ: મોંઘવારી ભથ્થામાં વધારાથી બજારમાં રોકાણકારો વધુ રોકાણ કરે તેવી આશા
કેન્દ્ર સરકારે પોતાનાં ૫૦ લાખ કર્મચારી અને ૬૫ લાખ પેન્શનરોને દિવાળીની ભેટ અગાઉથી આપી છે. કેન્દ્રીય કેબિનેટે બુધવારે તેમનું મોંઘવારી ભથ્થુ ૫ ટકા વધારી દીધું છે. મોંઘવારી ભથ્થાનાં વધેલા દર ૧લી જુલાઈ, ૨૦૧૯થી લાગુ થશે. આ નિર્ણયથી સરકારી તિજોરી પર આશરે રૂ.૧૬ કરોડનો બોજ વધશે. ભથ્થાનાં દરમાં આ ઈજાપો સાતમાં પગારપંચનાં સુચનો પ્રમાણે કરાયો છે. કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં એક વખત કરાયેલા વધારામાંથી સૌથી મોટો વધારો છે. કેન્દ્રીય કર્મચારીઓનો મોંઘવારી ભથ્થાનો વધારો બજારમાં તરલતા લઈ આવશે કે કેમ ? તે એક મોટો સવાલ છે.
આ વર્ષે જાન્યુઆરીમાં કેન્દ્રએ તેનાં કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ ૯ ટકાથી વધારીને ૧૨ ટકા કર્યું હતું. કેન્દ્ર સરકારનાં કુલ કર્મચારીઓની સંખ્યા ૪૯.૯૩ લાખ છે જયારે ૬૫.૨૬ લાખ પેન્શનરો છે. જયારે મોંઘવારી ભથ્થામાં દર વર્ષે ૧ જાન્યુઆરી અને ૧ જુલાઈએ સુધારો કરવામાં આવે છે. ગઈકાલે કેન્દ્ર સરકારે કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કર્યા બાદ ઈકવીટી શેર ધારકોને ભારે લાભ થયા. સેન્સેકસ ૬૫૦ પોઈન્ટનો ઉછાળો લઈ ૩૮,૧૮૮ પર બંધ થયો હતો ત્યારે નિફટીએ ૧૮૭ પોઈન્ટનાં ઉછાળા સાથે ૧૧,૩૧૩ની સપાટી પર બંધ થયું હતું.
રોકાણકારોએ બીજા કવાર્ટરનાં કોર્પોરેટ ટેકસની કમાણીની તૈયારી કરી લીધી છે. સરકારે ગયા મહિને કોર્પોરેટ ટેકસ ઘટાડયા પછી ૩૦ ટકાથી ઘટાડીને ૨૨ ટકા કર્યા બાદ કંપનીની આવકમાં વધારો થવાની ધારણા છે. બીએસસીનાં શેરવાળા પ્લેટફોર્મમાં મોટા લાભમાં ઈન્ડ.બેંક, ભારતી એરટેલ, સ્ટેટ બેંક ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક અને ટાટા સ્ટીલનો શેર ૫.૭૨ ટકા જેટલો વઘ્યો છે. જોકે ગઈકાલે સરકારે ૫ ટકા ભથ્થુ વધારવાની જાહેરાત કરતા ૧૨ ટકાથી ૧૭ ટકાએ ભથ્થુ પહોંચી ગયું છે. આ ભથ્થુ જુલાઈ ૨૦૧૯થી ચુકવવામાં આવશે અને ડીએ વધારો રૂ.૧૬ હજાર કરોડનો થશે.
ભારતીય શેરબજારમાં આજે મંદી જોવા મળી હતી. સેન્સેકસ ૧૪૭ અંક ઘટીને હાલ ૩૮,૦૩૦ પર કારોબારી કરી રહ્યો છે જયારે નિફટી ૪૬ અંક ઘટીને ૧૧,૨૬૬ ઉપર કારોબારી કરી રહી છે. ગઈકાલે મોંઘવારી ભથ્થાની જાહેરાત થયા બાદ સેન્સેકસ અને નિફટીમાં ખુબ જ વધારો થયો હતો. જોકે આજે સવારે મંદી જોવા મળી છે અને સેન્સેકસ અને નિફટી બંને ગગડી ગયા છે.
સેન્સેકસ પર ભારતીય એરટેલ, રિલાયન્સ ઈન્ફોર્સીસ, પીસીએસ અને એચસીએલ ટેક સહિતનાં શેરમાં વધારો જોવા મળ્યો છે. ભારતીય એરટેલ ૪.૩૬ ટકા વધીને ૩૭૪ પર કારોબારી કરી રહ્યો છે. જયારે રિલાયન્સ ૨.૩૯ ટકા વધીને ૧૩૫૭ પર કારોબારી કરી રહ્યો છે.
આ સિવાય યશ બેંક, એસબીઆઇ, ટાટા સ્ટીલ, ટાટા મોટર અને આઇસીઆઇસીઆઇ બેંક સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. યશ બેંક ૩.૧૩ ટકા ઘટી ૪૧ પર અને એસબીઆઇ ૨.૩૬ ટકા ઘટી ૨૫૪ પર કારોબાર કરી રહ્યો છે. કેન્દ્રીય કર્મચારીઓનાં પાંચ ટકા મોંઘવારી ભથ્થાનો વધારો બજારમાં તરલતા લઈ આવશે કે કેમ તે હવે આગામી દિવસોમાં ખબર પડશે.