રાષ્ટ્રસંત પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.નાં સાંનિઘ્યમાં
‘દીક્ષા આજ્ઞા અર્પણવિધિ’ અવસરે એક સાથે ૩૬ સંત-સતીજીઓની સાથે સમસ્ત કોલકતા સ્થા.જૈન સંઘ તેમજ વિશાળ સંખ્યામાં ભાવિકો આ ક્ષણનાં સાક્ષી બન્યા
છેલ્લા ચાર મહિનાથી કોલકાતાના હજારો ભાવિકોને ધર્મનાં અમીટ રંગે રંગીને ચાતુર્માસ કલ્પ વ્યતિત કરી રહેલા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં ચરણ શરણમાં બે મુમુક્ષુ આત્માઓને માતા-પિતા દ્વારા આપવામાં આવેલી દીક્ષાની મંજુરીનો દીક્ષા આજ્ઞા અર્પણ વિધિ અવસર અત્યંત હર્ષ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવતા સમગ્ર ચાતુર્માસ પર એક સુવર્ણ કળશ સ્થાપિત થતાં હવે કોલકતામાં ત્રણ મુમુક્ષુનો ૧૮ નવેમ્બર સોમવારે દીક્ષા મહોત્સવ યોજાશે.
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવનાં શરણમાં સત્ય ધર્મથી ભાવિત પ્રભાવિત થઈને, સમગ્ર સંસારનો ત્યાગ કરી સંયમ ગ્રહણ કરવા થનગની રહેલા ઝરિયાનાં મુમુક્ષુ કુમારી ચાર્મીબેન દેવેન્દ્રભાઈ સંઘવી (૨૮ વર્ષ) તેમજ કોલકાતાનાં મુમુક્ષુ કુમારી ક્રિષ્નાબેન વિશાલભાઈ હેમાણી (૧૯ વર્ષ)નાં દીક્ષા આજ્ઞા અર્પણવિધિ આયોજીત કરવામાં આવેલા આ અવસરે એક સાથે ૩૬ સંત-સતીજીઓની સાથે સમસ્ત કોલકાતા સ્થાનકવાસી જૈન સંઘ તેમજ વિશાળ સંખ્યામાં ભાવિકો આ કલ્યાણકારી ક્ષણોનાં સાક્ષી બન્યા હતા.
દશેરાનાં શુભ દિને મંગલ મુહૂર્તે કોલકાતાનાં અવંતિભાઈ કાંકરિયાનાં આવાસ કાંકરીયા પાર્કનાં પ્રાંગણમાં ઉપસ્થિત સર્વનાં હૃદયની ઉત્સુકતાના વાતાવરણ વચ્ચે મુમુક્ષુ કુમારી ચાર્મીબેન અને ક્રિષ્નાબેનનાં પ્રવેશ વધામણા તેમજ અત્યંત અહોભાવપૂર્વકનાં દીક્ષા આજ્ઞા પત્રના વધામણાનાં અનેરા દ્રશ્યો સહુને અહોભાવિત કરી ગયા હતા.
મુમુક્ષુ આત્માઓની સંયમ ભાવના તેમજ દીકરીનું કલ્યાણ દાન કરવા સહમત થયેલા માતા-પિતાનાં ત્યાગભાવની પ્રશસ્તિ કરીને રાષ્ટ્રસંત પૂ.ગુરુદેવનાં શ્રીમુખેથી બોધ વચન સર્યા હતા કે, સંસારમાં કદાચ માત્ર ૩૫ ટકાથી વધુ પણ પાસ થઈ જવાતું હોય છે પરંતુ જિન શાસનમાં પાસ થવા માટે ૧૦૦ ટકા માર્કસની જરૂર પડતી હોય છે.
કેમ કે આ દુનિયાની દરેક ડિગ્રી અંતે તો રાખ બની જતી હોય છે પરંતુ સંયમની ડિગ્રી અંતે સિદ્ધત્વમાં પરિવર્તિત થઈ જતી હોય છે.
પરમ ગુરુદેવનાં આ હૃદયસ્પર્શી બોધ વચનની સાથે જ, એ ધન્યાતિધન્ય ક્ષણ આવી પહોંચી હતી જયારે માતા-પિતા શીલાબેન દેવેન્દ્રભાઈ સંઘવી તેમજ હેમાબેન વિશાલભાઈ હેમાણીએ પોતાની વહાલસોયી દીકરીને સંયમ પંથે પ્રયાણ કરવા અર્થે દીક્ષા આજ્ઞા પત્ર પર અત્યંત અહોભાવ સાથે મંજુરીનાં હસ્તાક્ષર કર્યા હતા.
આ બે મુમુક્ષુઓની સાથે ગત માસમાં જેમની દીક્ષા આજ્ઞા અર્પણ વિધિનો અવસર ઉજવાઈ ગયો એવા મુમુક્ષુ કુમારી હિરલબેન જસાણી મળીને ત્રણ મુમુક્ષુઓની ભાગવતી જૈન દીક્ષા મહોત્સવનું શુભ મુહૂર્ત ૧૮ નવેમ્બરે ઉદઘોષિત કરવામાં આવ્યું હતું. આનંદ, ઉલ્લાસ અને અનુમોદનાના આવા વાતાવરણ વચ્ચે મુમુક્ષી ક્રિષ્નાબેને અંતરનાં સંયમ ભાવોની અભિવ્યકિત કરતા કહ્યું હતું કે, સંસારમાં હોત તો કદાચ ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં માસ્ટર બની ગઈ હોત પરંતુ મને ઈન્ટરનલ ટેકનોલોજી વધારે મહત્વની લાગી રહી છે. માટે જ આ સંસાર ત્યજી સંયમ ગ્રહણ કરી રહી છું.
ચાર્મીબેને અત્યંત સરળ શૈલીમાં સ્વયંનાં વૈરાગ્યવાસિત ભાવોને દર્શાવતા જણાવ્યું હતું કે, આ સંસારમાં ન કોઈ કોઈનું હતું, ન કોઈ કોઈનું છે અને ન કોઈ કોઈનું થવાનું છે આ પરમ સત્ય મને સમજાઈ ગયું અને હું સંયમ પંથને ગ્રહણ કરવા જઈ રહી છું. ગુજરાતી શ્ર્વેતાંમ્બર સ્થાનકવાસી જૈન સંઘ (પોલોક સ્ટ્રીટ), કામાણી જૈન સંઘ, પારસધામ, ટોલીગંજ સંઘ, લીલવા સંઘ તેમજ હાવડા સંઘનાં પદાધિકારીઓ દ્વારા દીક્ષાર્થી બહેનોનાં કરકમલમાં શ્રીફળ અર્પણ કરવામાં આવ્યા હતા. કાંકરીયા પરિવાર દ્વારા દીક્ષાર્થીઓનાં માતા-પિતા તેમજ સ્વજનોનું ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું.