બંગાળી કલ્ચરલ એન્ડ સોશિયલ એસોસીએશન રાજકોટ દ્વારા દુર્ગા પૂજા ઉત્સવનું દર વર્ષની જેમ આ વર્ષે પણ બાલભવન ખાતે આયોજન કરવામાં આવ્યું છે. શનિવારે બંગાળી સમાજનાં લોકોએ ર્માં દુર્ગાની આરાધના, ઉપાસના અને આરતી સાથે જુદા-જુદા સાંસ્કૃતિક, ધાર્મિક સહિતનાં કાર્યક્રમો યોજાયા હતા. બંગાળી પરિવાર દ્વારા માં દુર્ગાની ઉપાસના સાથે દેવી બોધન, સંધી પુજાથી માંડીને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં માઈભકતો ઉમટી પડયા હતા. વિજયા દશમી સુધી બંગાળી લોકો માં દુર્ગાની આરાધના, ઉપાસના કરશે.
રાજકોટ બંગાળી કલ્ચરલ એન્ડ સોશિયલ એસોસીએશનનાં વાઈસ પ્રેસીડેન્ટ અતાનુ દત્તાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બંગાળી એસોસીએશન દ્વારા છેલ્લા ૪૭ વર્ષથી ર્માં દુર્ગાની આરાધના-ઉપાસના કરવામાં આવે છે. ૪૭ વર્ષ પૂર્વે ગુજરાતી અને બંગાળી લોકોએ આ ઉત્સવની શરૂઆત કરી હતી. નવરાત્રીમાં છઠ્ઠથી પુજા શરૂ કરવામાં આવે છે અને આજ દિવસ સુધી માં દુર્ગાની આરાધના-અર્ચના કરવામાં આવે છે. ર્માં દુર્ગાની પુજા, વિવિધ કલ્ચર ફંકશન તેમજ ડ્રોઈંગ સ્પર્ધા સહિત અનેકવિધ સ્પર્ધાઓ યોજવામાં આવે છે જેમાં મોટાભાગનાં બંગાળી સમાજનાં લોકો ઉમટી પડે છે.