આધુનિક સાઉન્ડ સિસ્ટમ, વિશાળ એલઈડી સ્ક્રીન અને શ્રેષ્ઠ બેઠક વ્યવસ્થા સાથે ખોડલધામ ઈસ્ટ ઝોન ઝુમી ઉઠયું
ખોડલધામ ટ્રસ્ટનાં નેજા હેઠળ દર વર્ષે રાજકોટનાં અલગ-અલગ ૪ ઝોનમાં નવરાત્રી મહોત્સવનું જાંજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પારીવારીક વાતાવરણમાં સર્વ સમાજની બેઠક ગરબે રમી શકે તે માટે ખોડલધામ ઈસ્ટ ઝોન દ્વારા સતત છઠ્ઠા વર્ષે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ ૪૦૦૦થી વધુ બહેનો ગરબા રમે છે.
બહેનોનાં આ રાસોત્સવમાં અતિઆધુનિક સાઉન્ડ સિસ્ટમ, વિશાળ એલઈડી સ્ક્રીન અને શ્રેષ્ઠ બેઠક વ્યવસ્થા સાથે નોરતાનાં નવે નવ દિવસ ખોડલધામ ઈસ્ટ ઝોન માં જગદંબાની આરાધનામાં ઝુમી ઉઠે છે. ખોડલધામ ઈસ્ટ ઝોનનાં આયોજકો દ્વારા ૨૦ મહિલા સ્વયંસેવકો સહિત ૭૦ સ્વયંસેવકોની ટીમ અને સિકયોરીટીની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ આયોજન સમિતિનાં સભ્યોમાં ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, દિલીપભાઈ લુણાગરીયા, પરેશભાઈ પીપળીયા, અરવિંદભાઈ મુંગરા, ધીરૂભાઈ બજાણી, જીજ્ઞેશભાઈ લુણાગરીયા, ડેનીશભાઈ લુણાગરીયા, દિવ્યેશભાઈ રામાણી, સી.ટી.પટેલ, રજની મહાકાલ સહિતનાંઓએ જહેમત ઉઠાવી રહ્યા છે.
ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા ૬ વર્ષથી રાજકોટ ખોડલધામ ઈસ્ટ ઝોન નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ઉપલાકાંઠા વિસ્તારમાં રણછોડદાસબાપુનાં આશ્રમનાં વંડામાં ફકતને ફકત સર્વ સમાજની દિકરીઓ માટે આ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. લગભગ ૨૦૦ લોકોની સ્વયંસેવકની ટીમ દ્વારા ખોડલધામ ઈસ્ટ ઝોન ગરબાનું સંચાલન કરવામાં આવે છે. ખુબ જ સારી અલાયદી વ્યવસ્થા અને પારીવારીક માહોલમાં દરરોજ ૪૦૦૦થી વધુ દિકરીઓ રાસ રમે છે.