વૃક્ષોને કપાતા રોકવા બોમ્બે હાઈકોર્ટે સ્ટે આપવાનો ઈન્કાર કર્યા બાદ સુપ્રીમના ચીફ જસ્ટીસને લખેલા પત્રનો જાહેર હિતની અરજી ગણીને ખાસ ખંડપીઠ પાસે આજે સુનાવણી કરવાના હુકમથી પર્યાવરણવાદીઓમાં રાહત
વિશ્ર્વમાં અત્યારે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. ત્યારે પર્યાવરણમાં હરિયાળી ખાસ કરીને વૃક્ષોના જતનની આવશ્યકતા ઉભી થઈ છે. જગત અત્યારે ભાવી આફતોની કગાર અને એવા ભય સ્થાને આવીને ઉભુ છે કે જો હવે સહેજ પણ ગફલત થશે તો આવનારી પેઢીને ખૂબજ મોટી કિંમત ચૂકવવી પડશે. આવાજ એક કિસ્સામાં સુપ્રીમ કોર્ટે એક ખાસ ખંડપીઠ બનાવીને મહારાષ્ટ્રના આરીજંગલમાં વૃક્ષો ન કાપવા મુદે લખાયેલા પત્રને જાહેરહિતમાં ગ્રાહ્ય કરીને આજે તાત્કાલીક સુનાવણીનો આદેશ આપ્યો છે.
પર્યાવરણવાદી ઋષિરંજને દેશના મુખ્ય ન્યાય મૂર્તિને પત્ર પાઠવીને વૃક્ષો કાપવા સામે વિરોધ નોંધાવ્યો હતો. જેની રવિવારની રજા હોવા છતાં એપેક્ષ કોર્ટે સ્પેશ્યલ બેંચમાં આ પત્રની સુનાવણીનો નિર્ણય લીધો હતો. સુપ્રીમ કોર્ટે આ પત્રને જાહેરહિતની આવશ્યકતાને ધ્યાને લઈ સુનાવણી માટે ગ્રાહ્ય રાખ્યો હતો. પર્યાવરણવાદીએ મુંબઈ મેટ્રો રેલવે કોર્પોરેશન લીમીટેડ દ્વારા ઉ.મુંબઈના આરી વસાહતમાં વૃક્ષ કાપવાની કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો છે.મેટ્રો રેલવે પ્રોજેકટના રસ્તા પર આવતા વૃક્ષો કાપવાની તજવીજ સામે પર્યાવરણવાદીએ પત્ર પાઠવી વૃક્ષોના જતન માટે મુખ્ય ન્યાયમૂર્તિને પર્યાવરણનું જતન થાય તેવી માંગ કરી હતી મુંબઈ હાઈકોર્ટે શુક્રવારે જ મુંબઈમાં વૃક્ષો કાપવાની પ્રક્રિયા સામે નારાજગી વ્યકત કરી હતી અને શનિવારે વૃક્ષો કાપવાની કામગીરી સામે સ્ટેનો ઈન્કાર કરી દેતા પર્યાવરણ વાદીએ સુપ્રીમકોર્ટના ન્યાયધીશને પત્ર પાઠવી આ મુદે ન્યાયનો પ્રયાસ કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે ઋષિરંજનના પત્રને જાહેરહિતમાં સુનાવણી માટે ગ્રાહ્ય રાખવાનો નિર્ણય લેતા પર્યાવરણ વાદીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.સુપ્રીમ કોર્ટના કાર્યાલય તરફથી સૂચના મલી છે કે ઋષિરંજન તરફથી ૬ઠ્ઠી ઓકટોમ્બરે આ પત્ર લખવામાં આવ્યો હતો. અને તેમાં જણાવવામાં આવ્યું છે કે મુંબઈની ફેફસુ ગણાતા આરીના જંગલમાંથી વૃક્ષો કપાઈ રહ્યા છે અને ફરિયાદ કરી છે કે મુંબઈ પ્રશાસન શહેરના ફેફસા કહી શકાય તેવા વૃક્ષો કાપી રહ્યા છે અને એટલું જ નહી પરંતુ તેનો શાંતિપૂર્ણ વિરોધ કરનારા પર્યાવરણ પ્રેમી મિત્રો સામે જેલમાં નાખી દેવાય છે. અમારી પાસે જનહિતની અરજી કરવાનો સમય નથી તેથી સુપ્રિમ કોર્ટે પોતાના અધિકારોને ઉપયોગ કરી આ મામલે દરમિયાનગીરી કરવી જોઈએ.
મુંબઈમાં વૃક્ષો કાપવા સામેનો વિરોધ વધુ ઉગ્ર બનતો જાય છે. રવિવારે પોલીસે આરી કોલોની તરફજવાનો પ્રયસા કરતા પ્રકાશ આંબેડકર સહિતના નેતાની ધરપકડ કરી હતી હવે આ મમલો કોર્ટમાં ન્યાયની એરણે ચઢશે.