પિતા-પુત્ર સામે ૪૦ ટકા વ્યાજ વસુલ કરવા કરેલી બળજબરીની ફરિયાદ નોંધાવતા લોહાણા વૃધ્ધના મકાનમાં ઘુસી માર માર્યો
લક્ષ્મીવાડીમાં રહેતા લોહાણા પ્રૌઢે પોતાના પાડોશી પાસેથી માસિક ૪૦ ટકા વ્યાજ વસુલ કરવા બળજબરી કર્યા અને ધાક ધમકી દીધા અંગેની ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા ઉશ્કેરાયેલા ગરાસીયા શખ્સે ફરિયાદ કેમ નોંધાવી તેમ કહી લોહાણા પરિવારના મકાનમાં ઘુસી મારામારી કરી ભાગી જતા લોહાણા પરિવાર વ્યાજખોરોના ત્રાસથી ફફડી રહ્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લક્ષ્મીવાડી શેરી નંબર ૪માં રહેતા અતુલભાઇ મનહરભાઇ મજીઠીયાએ બીપીન બુધ્ધદેવ પાસેથી રૂ.૧૫ લાખ માસિક ૩ ટકા, તેજશ વરૂ પાસેથી રૂ.૭.૫૦ લાખ માસિક ૫ ટકા, જયવીરસિંહ વાળા પાસેથી રૂ.૧૦ લાખ માસિક ૩ ટકા, દેવાંગ ભટ્ટ પાસેથી રૂ.૨૦ લાખ માસિક ૧૦ ટકા, લલિત પંડયા પાસેથી રૂ.૧ લાખ માસિક ૩૦ ટકા, રમેશ ગમારા પાસેથી રૂ.૬ લાખ માસકિ ૧૦ ટકા વ્યાજે, ઉમેશ શશીકાંત દતાણી પાસેથી રૂ.૬.૫૦ લાખ માસિક ૨ ટકા, લક્ષ્મીવાડીના સંજય ઉર્ફે ચિન્ટુ ઝાલા પાસેથી રૂ.૧૦ લાખ માસિક ૪૦ ટકા વ્યાજ અને તેના પિતા જગુભા ઝાલા પાસેથી રૂ.૫૦ લાક માસિક ૪૦ ટકા વ્યાજે લીધા હોવાની એક સપ્તાહ પૂર્વે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
અતુલભાઇ મજીઠીયા પાસેથી કમ્મર તોડ વ્યાજ વસુલ કરી ધાક ધમકી દેવા અંગેની એક સપ્તાહ પૂર્વે પોલીસમાં ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવવા છતાં એક પણ શખ્સની ધરપકડ ન કરી નિષ્ક્રીય રહેલી પોલીસના કારણે લક્ષ્મીવાડીના સંજયસિંહ ઝાલા ઉર્ફે ચિન્ટુ ઉશ્કેરાયો હતો અને ગતરાતે અતુલભાઇ મજીઠીયાના ઘરમાં ઘુસી બઘડાટી બોલાવી હતી.
સંજયસિંહ ઉર્ફે ચિન્ટુ ઝાલા અતુલભાઇ મજીઠીયાને માર મારતા કોઇએ ભક્તિનગર પોલીસમાં જાણ કરતા સંજયસિંહ ઉર્ફે ચિન્ટુ ભાગી છુટયો હતો.
ભક્તિગનર પી.એસ.આઇ. રવિભાઇ વાંક સહિતના સ્ટફે સંજયસિંહ ઉર્ફે ચિન્ટુ ઝાલા સામે ધાક ધમકી દીધા અંગેની ફરિયાદ નોંધી શોધખોળ હાથધરી છે.