ગરબીની બાળાઓનો સળગતી ઈંઢોળી રાસ જોવા શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટી પડે છે
નવરાત્રીમાં પ્રાંચીન ગરબીનું મહત્વ હજુ અકબંધ છે ત્યારે ૫૭ વર્ષથી થતી દિવાનપરાની ગરબી મંડળની બાળાઓ સળગતી ઈંઢોળી સાથે ગરબે રમે છે.
આ ગરબા જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. કોઠારીયા નાકા પાસે થતી આ ગરબીમાં નાની નાની બાળાઓ સળગતી ઈંઢોળી રાસ, તલવાર રાસ, ત્રીસુલ રાસ, બેડા રાસ સહિતના અનેક રાસો રજૂ કરે છે.
દિવાનપરા ખીજડા શેરી મામા સાહેબ ગરબી મંડલના સભ્ય મોહિલભાઈ મકવાણાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા ૫૭ વર્ષથી દિવાનપરા ખીજડા શેરી મામા સાહેબની ગરબીનું વિશેષ આયોજન કરવામાં આવે છે. જેમાં ૫૪ થી વધુ નાની-મોટી બાળાઓ માં જગદંબાની આરાધના કરીને રાસ-ગરબે ઘુમે છે. અમારા વિવિધ પ્રચલીત રાસોમાં સળગતી ઈંઢોળી રાસ, મામા સાહેબ રાસ, ચંડમુંડનો રાસ, ખોડીયાર રાસ, સાત બહેનોનો રાસ, ગોકુલ રાસ, મસાલ રાસ જોવા દૂર દૂરી લોકો ઉમટી પડે છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ૫૪ બાળાઓમાંથી અમારે ત્યાં ૧૨ બાળાઓ મુસ્લિમ સમાજની છે અને આ ૧૨ બાળાઓ દર વર્ષે ગરબીમાં ભાગ લે છે. હિન્દુ-મુસ્લિમની બાળાઓ સાથે રમીને એક એકતાનું પ્રતિક જાળવે છે.
નવરાત્રીના નવે નવ દિવસ તમામ બાળાઓને વિવિધ લ્હાણી તેમજ નાસ્તાનું વિતરણ પણ કરવામાં આવે છે.