૨૦ દિવસ પહેલા આંગડીયાની ઓફીસમાં કર્મચારીને બંધક બનાવી બંદુકનાં નાળચે લુંટને અંજામ આપ્યો હતો: એક શખ્સોની રીવોલ્વર કાર્ટીસ અને મોબાઈલ સાથે ધરપકડ
સાયલા નજીક ૨૦ દિવસ પહેલા આંગડીયા પેઢીનાં કર્મચારીને બંધક બનાવી બંદુકનાં નાળચે રૂા.૬.૯૪ લાખની લુંટનો એલસીબીએ સીસીટીવી ફુટેજનાં આધારે ભેદ ઉકેલી બીશ્નોઈ ગેંગનાં સાગ્રીતને ઝડપી લઈ પીસ્તોલ અને મોબાઈલ સહિતનો મુદામાલ કબ્જે કરી ગેંગનો સુત્રધાર સહિત શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ પ્રાપ્ત વિગત મુજબ સાયલા શહેરમાં આવેલ સંતોષ કોમ્પ્લેકસમાં આર.કે.આંગડીયા પેઢીનાં બે કર્મચારીને ગત તા.૧૬/૯ નાં રોજ બંધક બનાવી બંદુકનાં નાળચે રોકડ અને ઘરેણા મળી રૂા.૬.૯૪ લાખની લુંટ ચલાવી કારમાં ૪ શખ્સો નાસી ગયાની સાયલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.
આ બનાવની ગંભીરતા લઈ જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ જીલ્લાની મહત્વની બ્રાંચોને કામે લગાડી હતી જેમાં એલસીબી, એસઓજી અને સ્થાનીક પોલીસએ લુંટારુઓનુ પગેરું દબાવવા સીસીટીવી ફુટેજ અને મોબાઈલ લોકેશનનાં આધારે નંબર વગરની કાર સાયલાથી વઢવાણ થઈ સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા તરફ જતી હોવાનુ માલુમ પડતા એલસીબીનાં સ્ટાફે નંબર કારનાં આરટીઓમાંથી નંબરનાં આધારે માંડવીનાં રહેવાસી સાગર પ્રવિણભાઈની માલીકીનુ કાર હોવાનુ ખુલતા જેમાં કાર માલીકનાં ભાઈ આનંદગીરીની પુછપરછ કરતા જે કાર તેનો મીત્ર પાંચોટીયા ગામનો ખુશાલ ઉર્ફે દેવરાજ ગઢવી અને બીદડા ગામનાં મયુરસિંહ હરીસિંહ જાડેજા મીત્રનાં દાવે કાર લઈ ગયાનુ ખુલતા પોલીસે બંને શખ્સોને ઉઠાવી પ્રાથમીક પુછપરછ કરતા જેણે હરીયાણાનાં વિકાસ સાંગવાન, હર્ષ ઉર્ફે ચીમો અને દિલીપ તેમજ એક અજાણ્યા શખ્સની મદદથી કાર લઈ સાયલા ખાતે આવી આંગડીયા પેઢીમાં બંધુકની અણીએ લુંટ ચલાવ્યાની કબુલાત આપી હતી. પોલીસે લુંટમાં વપરાયેલ પીસ્તોલ કાટરીસ અને મોબાઈલ કબ્જે લઈ બીશ્નોઈ ગેંગનાં સુત્રધાર સહિત ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી અને મુદામાલ કબજે કરવા કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની તપાસ એલસીબી પી.આઈ. ડી.એમ. ઢોલ, પી.એસ.આઈ. વી.આર. જાડેજા, એ.એસ.આઈ. એન.બી. ચુડાસમા અને કોન્સ્ટેબલ વાજસુરભાઈ તેમજ જુવાનસિંહ સહિતનાં સ્ટાફે લુંટનો ભેદ ઉકેલ્યો હતો.