“સમાજમાં રહેવુ હોય તો સમાજના આદર્શ નિયમો, રૂઢીઓ, સંસ્કારોના ધારા ધોરણો મુજબ જ ચાલવું પડે અન્યા સહકારની અપેક્ષા અસને છે”
ફોજદાર જયદેવે માંડવાળી ગામમાંથી આરોપી ડોસો ઉર્ફે મુન્નાના પુત્રોના ટેલીફોન નંબર મેળવી લીધા તથા નજીકના ગામોમાં રહેતા તેના સગાસંબધીઓના નામ સરનામાં પણ મેળવી લીધા. જયદેવ જેને મળતો તેને વાત ખાનગી રાખવાની શરતે મુન્નાનો પુર્વ ઈતિહાસ પુછતો તમામ વ્યકિત કાંઈક નવીન પ્રકરણ મુન્નાનું જણાવતા પરંતુ તે દરેકમાં એક વાત સામાન્ય હતી કે ગામના ટીખળી જુવાનીઆઓએ ડોસાને આપેલ ઉપનામ મુન્નો બરાબર જ હતુ. ડોસાને ખાઈ પીને ઐયાશી અને મોજ કરવા સિવાય કોઈ કામ ધંધો હતો નહિ. કમાવાની કોઈ ચિંતા નહિ રૂપીયા ઘટે તો સુરતથી મનીઓર્ડર આવી જતુ. ગામના કોઈ સારા અને સજજન માણસ તેની સાથે જરૂરી કામ સિવાય વાત કરતા નહિ અને સાથે બેસવા તો કોઈ તૈયાર હતુ નહિ પછી ઘરનું આંગણું કોણ બતાવે ? લોકો કહેતા તમે ભલે તેના સગાસંબંધીના નામ સરનામા લઈ જાવ પણ આડોસાને કોઈ આશરો આપે તેમ નથી.
જયદેવે ડોસાના જે સંબંધીઓ આજુબાજુના ગામો રહેતા હતા તેમને પુછપરછ કરી તો ઉપર જણાવેલ હકીકત સાચી ઠરી તમામે કહ્યુ અમારે ડોસા સાથે કોઈ વ્યવહાર છે જ નહિ.એ હકીકત છે કે સમાજમાં રહેવુ હોય તો સમાજના આદર્શ નિયમો, રૂઢીઓ, સંસ્કારોના ધારાધોરણે મુજબ ચાલવુ જ પડે અન્યથા સમાજ અને સગાસંબંધીઓ પણ જે તે સમયે કાંઈ બોલે નહિ પણ વખત આવ્યે સાથ સહકારની અપેક્ષા રહે નહિ. તેવુ જ આ મુન્નાના કિસ્સામાં પણ થયુ. મુન્ના પાસે પુષ્કળ ધન દોલત હોવા છતા તેને આશરો આપવા તો શું એક ટાઈમ જમવા ઘેર લઈ જવા કોઈ તૈયાર ન હતુ, તેની હાલત હવે ઉપર આભ અને નીચે ધરતી જેવી થઈ હતી ગામમાં ઘરતો હતુ પણ ત્યાં પોલીસ વાધ દીપડાની જેમ ફરતી હતી.
સાંજના જીભી અને તેની છોકરી કેરી માંડવાળી આવી ગયા પણ પોલીસને મુન્નાનો કોઈ પતો મળતો ન હતો. જયદેવે સુરત ટેલીફોન કરી ડોસાના છોકરાઓને તેના બાપા આવે તો પોલીસને જાણ કરવા સુચના કરી દીધી પણ માંડવાળીના અમુક લોકોએ કહ્યુ સાહેબ આ ડોસાને તેના છોકરા પણ સાથે રાખવા રાજી નથી આ ડોસો એવો છે કે જે થાળીમાં જમે તેમાંજ થુંક તેવો છે ડોસાને તેના છોકરાઓએ જતા જતા કહ્યુ છે કે પોલીસ કાર્યવાહી પુરી થયે કેસ કોર્ટમાં ચાલે ત્યારે અમે વકીલ રાખી દઈશુ હવે તે સિવાય અમારી પાસે કાંઈ અપેક્ષા રાખતા નહિ. તમારા કારણે ગામ અને સમાજમાં હેઠા જોણુ તો થયુ જ પણ કુટુંબની આબરૂનું પણ લીલામ થયુ અમારે સમાજમાં શું મોઢું લઈને જવુ એ પ્રશ્ર્ન થઈ ગયો છે જો ડોસો સોના ના હાડકાનો હોત તો સાથે સુરત લેતા જ ગયા હોત.
બીજી બાજુ મત માટે નુ જ્ઞાતિ આધારીત રાજકારણ ધગવા માંડયુ હતુ. આક્ષેપો થવા લાગ્યા કે આરોપીને તાત્કાલીક પકડી જાહેરમાં ફુલેકુ ફેરવી ખાસ સરભરા કરી સબક શિખવો વિગેરે માંગણી કરવા લાગ્યા અને અલ્ટીમેટમ પણ આપ્યુ કે જો પોલીસ તે પ્રમાણે નહિ કરે તો જલદમાં જલદ આંદોલન કરવામાં આવશે. આ માંગણી કરનાર તમામ લોકો નવા આવેલા માનવ અધિકાર(ગુનેગારનો)કાયદા વિશે બરાબર માહિતગાર હતા છતા આ તો બારોબાર કાકાથી વિંછી મરાવવાની માંગણી કરતા હતા કેમ કે મારખાય તો આરોપી અને જેલ જાય તો પોલીસ પોતાને તો બંને બાજુ ફાયદા જ હતા. પરંતુ લોકશાહીમાં તો આવુ ચાલ્યા જ કરે જનતાના જુદા-જુદા વર્ગો ચિત્રવિચિત્ર માંગણીઓ આક્ષેપો કર્યા કરે અને પોલીસ પણ મારી નાખુ, તોડી નાખુ, લાદ કાઢી નાખવાની વાતો કરે વળી આ જનતાની માંગણીઓ અને પોલીસના આ હાંકલા પડકારાના સમાચારો પણ છાપાઓમાં છપાય જો કે પીઠ બળવાળો (પૈસા અને રાજકરણનુ) આરોપી હોય તો આ વાંચી સાંભળી મનમાં હસે પણ આ ડોસો ઉર્ફે મુન્ના જેવા લાવારસી આરોપી આવા સમાચાર સાંભળી માનસીક રીતે ભાંગી જ પડે અને મુન્નાના કિસ્સામાં આવુ જ બન્યુ.
મુન્નો સિમ વગડે રખડતો રહ્યો કોઈએ આશરો તો શું આવકાર કે આશ્ર્વાસન પણ આપ્યા નહિ. સિમ વગડે રસ્તામાં મળતા લોકોથી મુન્નાને વિગત મળતી કે શ્રમજીવીની જ્ઞાતિએ જબ્બર આંદોલન છેડેલ છે પોલીસ પણ દિવસ રાત પકડવા માટે હડીયાપાટી કાઢે છે અને પોલીસ તો આ વખતે લાદ કાઢી જ નખાવવાની છે તેવી વાતો વધારી વધારીને મુન્નાને કરતા જો કે મુન્નો આમેય મુંઝાયેલો તો હતો હવે ગભરાયો તેથી ભુખ્યા તરસ્યા રખડતો રહ્યો.
જયદેવ તેના જવાનોને લઈને મુન્નાને પકડવા માટે પુરી તાકાતથી પ્રયત્નો કરતો હતો પણ મુન્નાના કોઈ વાવડ જમળતા ન હતા. મુન્નાના પણ કોઈક તો ખબરી હશે જ, છાપામાં જે મુન્નાની ટીકા થતી હતી અને પોલીસની પકડવાની કાર્યવાહીના સમાચારો ભયાનક રીતે જ મુન્નાને આપતા હતા. તેથી મુન્નાનો હવે કોઈ આધાર રહ્યો નહિ.
માંડવાળી ગામ પ્રમાણમાં નાનુ તેથી રહેવાની સગવડ દીહોર ગામે સારી હોય જયદેવ તેના જવાનોને લઈને દીહોર ખાતે જ મુકામ કરીને ” ઓપરેશન મુન્નાભાઈ ની અમલવારી કરતો હતો છતા પોલીસને મુન્ના ના કોઈ વાવડ કે સગડ મળતા ન હતા. તેથી જયદેવ પણ મુઝાયો હતો. ત્રીજે દિવસે બપોરના સમયે જમીને થોડો તડકો ઓછો થાય ત્યાં સુધી આઉટપોસ્ટ પોલીસચોકીમાં બેઠો હતો ત્યારે કોન્સ્ટેબલ અડેલાજી એ કહ્યુ કે બાજુ માંજ સ્ટેટ બેંક છે તેના પટ્ટાવાળાએ સમાચાર આપ્યા છે કે બેંકમાં એક ગ્રાહક આવ્યા છે તેઓ જણાવે છે કે દિહોરથી માંડવાળી જતા રસ્તામાં એક લાશ પડેલ છે તેથી તે ખરેખર શું છે તેની ખાત્રી બેંકમાં કરતો આવુ જયદેવે કહ્યુ “ભલે જઈ આવો.
જયદેવે બાકીના તમામ જવાનોને ઝટપટ તૈયાર થઈ જવા સુચના કરી. તેવામાં અડેલાજીએ પાછા આવીને કહ્યુ કે તે ભાઈ તો શિહોર તાલુકાના કોઈ ગામડા ના હતા અને હું ત્યાં પહોંસ્યો તે પહેલા તેઓ બેંકમાંથી નિકળી ગયા હતા. તેમણે બેંકમાં એવુ કહેલુ કે માંડવાળી અને દિહોર વચ્ચેના કાચા રસ્તા ઉપર એક વ્યકિતની લાશ પડેલ છે જયદેવને થયુ એક પ્રકરણ તો હજુ ધગે છે ત્યાં આ બીજી તેનાથી પણ મોટી બબાલ આવી કે શું ? જયદેવ જીપ લઈને કાચા રસ્તે છેક માંડવાળી ગામ સુધી જઈ આવ્યો. પણ કોઈ લાશ દેખાઈ નહિ. આથી વળી પોલીસનું કામ વધ્યુ કે ખરેખર લાશ હતી કે કેમ ? હતી તો કયાં ગઈ ? ન હતી તો આવી વાત કરવાની શું જરૂર ? આથી જયદેવે તપાસ સધન પણે ચાલુ રાખી.
ભરબપોરે બે એક કલાકની દોડધામ ને અંતે માંડવાળી અને દીહોર વચ્ચેના કાચા રસ્તાથી થોડે દુર એક વૃક્ષોનું ઝુંડ દેખાતુ હતુ. ત્યાં થોડો સમય છાંયે આરામ કરવાનું નકકી કરી જીપને વૃક્ષો તરફ લેવડાવી. આઝુંડમાં અંદર એક નાનુ મંદિર અને ઓટલો પણ દેખાતા હતા. જીપ વૃક્ષોમાં અંદર લઈ પાસે જતા ત્યાં ઓટલા પાછળ એક માનવ લાશ પડેલી દેખાઈ. તમામ દોડીને ત્યાં પહોંચી ગયા.લાશ ૬૫ થી ૭૦ વર્ષની વયના પુરૂષની હતી. શરીરનો બાંધો મજબુત હતો અને પહેરવેશ ગામડાની વ્યકિત જેવો જણાતો હતો. જયદેવને તુર્તજ થયુ કે મુન્નો ગયો કે શું ? પરંતુ હાજર પોલીસના જવાનો પૈકી કોઈ મુન્નાને કે આ લાશ વાળી વ્યકિતને આળખાતા ન હતા. તેથી અડેલાજીને જીપ લઈ માંડવાળી મોકલ્યા. ગામના ચાર પાંચ પ્રતિષ્ઠિત વ્યકિતને બનાવ સંબંધે અડેલાજીએ વાત કરતા ચાર પાંચ જણા માનવતાના ધોરણે બનાવ વાળી જગ્યાએ આવ્યા.
જયદેવ વૃક્ષોના ઝુંડમાં અનેક શંકાઓ અને વિચારો કરતો ઉંચા જીવે ઠંડો છાંયો હોવા છતા પરસેવે રેબઝેબ બેઠો હતો. તેને થતુ હતુ કે જો આ લાશ ડોસા ઉર્ફે મુન્નાની જ હોય તો ! ભુતકાળમાં એવા બનાવો બનેલા કે મરનાર ગમે તેટલો નાલાયક હોય પણ પેલી કહેવત જેવુ મરેલો હાથી સવા લાખનો માફક તેના કુટુબીજનો અથવા જે તે જ્ઞાતિના લોકો ઉશ્કેરાઈને હલકુ નામ હવાલદારનું તે ન્યાયે આક્ષેપોની ઝડી પોલીસ ઉપર જ વરસાવતા હોય છે તે સમયે મરનારનો ભયંકર ભુતકાળ અદૃશ્ય થઈ જાય છે સ્વેચ્છીક સંગઠન સંસ્થાઓ અને માનવઅધિકારવાળાઓ પોતપોતાના ઘોડા લઈ લાચાર પોલીસ ઉપર હુમલા ચાલુ કરી દે છે સદ્નસીબે હજુ સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં તે કળીયુગ આવ્યો ન હતો અને માનવતા તથા સાંસ્કૃતિક શરમ હજુ જીવંત હતી. બાકી તો જો માનવ હકકના ઠેકેદારો એક વખત પોતાની પીપુડી લઈને મેદાનમાં આવી જાય અને જો મરનારના કુંટુબીજનો, જ્ઞાતિજનો જો તેમને સહકાર આપે તો આંદોલનનો રંગ જામે પણ જો હરીફ રાજકીય પક્ષ પરોક્ષ રીતે આમાં ઝંપલાવે તો તો આંદોલન આગ બબુલા બની જાય. એવી માંગણીઓ શરૂ થાય કે પોલીસ વિરૂધ્ધ ગુન્હો દાખલ કરો પછી જ લાશ ઉપાડીએ વિગેરે નાટકો ચાલુ અને પછી તો જેવી જ્ઞાતિ જેવુ બળ લગાવે એટલે પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ ઉપર પણ ચારે બાજુથી દબાણ આવે એટલે બીચારા ફોજદાર (સીપાઈ સપરા) ની તાત્કાલીક બદલી કરી ગુન્હો દાખલ કરી તપાસ ચાલુ થઈ જાય પછી તપાસમાં છેલ્લે ભલે ઢેફુ ભાંગીને ધુળ માફક કાંઈ થાય નહિ પણ એક વખત તો ફોજદાર કે પોલીસનું મનોબળ તો ભાંગી જ નાખે પછી ભવિષ્યે આવા પોલીસ અધિકારી પાસે કાયદેસરની કડક કાર્યવાહીની અપેક્ષા શું રહે ? પછી “દૂધનો દાઝયો જેમ છાસ ફૂંકીને પીવે તેમ તે દરેક જગ્યાએ નોકરી સાચવવા ભાઈસાબી કરતો રહે અને તે પછી તો ગુનેગારો પણ તેને ગાંઠે નહિ. તે પછી જયાં આવા અધિકારી હોય ત્યાં છાપાવાળા સમાચારો ચગાવે કે હવે પોલીસની કોઈ ધાક રહી નથી. પોલીસ તાબોટા પાડે છે વિગેરે વિગેરે છાપી બળાપો ઠાલવે. તેમ છતા આવા સંજોગોમાં પણ પોલીસ કામ કરી રહી છે. તે પણ એક મોટુ આશ્ર્ચર્ય છે.
સદ્ભાગ્યે માંડવાળીના કિસ્સામાં આવુ કાંઈ બન્યુ નહિ. માંડવાળીના ચાર પાંચ આગેવાનોને લઈને અડેલાજી જીપમાં આવ્યા. આગેવાનો એ જોઈ ને જ કહ્યુ હા બરાબર આ લાશ ડોસો ઉર્ફે મુન્નાની જ છે એક બટક બોલો બોલ્યો પણ ખરો કે આખરે પાપનો ઘડો ભરાઈ ગયો એમને ? તેમ બોલીને પોતાનું માથે બાંધેલુ પનીયુ ઉતારીને મુન્નાની લાશ ઉપર ઓઢાડી દીધુ.
જયદેવે પંચો રૂબરૂ લાશનું ઈન્કવેસ્ટ પંચનામું શરૂ કર્યુ. સ્થળ ઉપર જ મરનારે ઝેરી ટીકડીઓ ખાધા પછી અડધી પડી રહેલ તે ટીકડીઓ કબ્જે કરી. પોસ્ટમોર્ટમ કરવા માટે લાશને તળાજા સરકારી દવાખાને મોકલી આપી.
બીજે દિવસે ભોગ બનનાર શ્રમજીવીનો વધારાનો જવાબ લેવાનું જયદેવે શરૂ કર્યુ. જયદેવે તેને કહ્યુ મુન્નો તો ગયો આથી શ્રમજીવીએ ડુસકુ મુકયુ. ડોસાના મોતના કારણે દુ:ખને હિસાબે નહિ પણ શ્રમજીવીએ કહ્યુ “સાહેબ મારે તો ગોળો ને ગોફણ બેય ગયા. છોકરીની આબરૂય ગઈ અને જે ભવિષ્યની કાંઈ આશા હતી તેના ઉપર પણ પાણી ફરી વળ્યુ મુન્નો જ મરી ગયો. જો જીવનનિર્વાહ માટે ગામ છોડુ તો રહેવાનો આશરોય ન રહે ગામમાં જીભી કે કેરીને કામ પણ કોણ આપશે ? તેમ કહી નિ:સાસો નાખી રડી પડયો. જયદેવે તેને હિંમત અને આશ્ર્વાસન આપીને કહ્યુ જો કુદરત કીડીને કણ અને હાથીને હારો આપી જ રહ્યો છે. કુદરત ભુખ્યા ઉઠાડે પણ ભુખ્યા સુવાડે નહિ. દુ:ખનું ઓસડ દાડા વિગેરે વાતો કરી આશ્ર્વાસન આપ્યુ. પણ શ્રમજીવીને ધોખો તો પેલા તેની જ્ઞાતિના રાજકીય કાર્યકરોનો હતો કે તેના હાથમાં જ બાજી આવી ગઈ હતી અને રાતના તેની છોકરી કેરી અને પત્નીને ઉપાડીને ભાવનગર લઈ ગયા અને બાજી ઉંધી વળી ગઈ.
બીજી તરફ મામલો સુપેરે પુરો થતા જયદેવ ચિંતા મુકત થયો કે સંભવીત પોલીસની અતિશયોકતી ભરી અને અત્યાચાર ભરી કાર્યવાહીના આક્ષેપોની ઘાત ટળી.
મુન્નો ડોસો તો ગયો તેના છોકરાઓએ સુરતથી આવી અંતીમ વિધી કરી નાખી બારમાં ની વિધિ પણ પુરી કરી ખેતી બીજાને ભાગવી આપી દઈ ડેલાને અલીગઢી તાળા મારી હળવા ફુલ થઈ સુરત રવાના થઈ ગયા. પરંતુ માંડવાળીના અમુક ટીખળીયા જુવાનો કહેતા હતા કે મરણોતર અને ધાર્મીક વિધિ તો મુન્નાની બાકી રહી ગઈ ! છોકરાઓએ મુન્નાની ઘરઘરણાની લીલ પરણાવી દીધી હોત તો પાછળથી ગામને તેના પ્રેતાત્માનો પણ ભય ન રહેત !
એક બાજુ તળાજા પોલીસ સ્ટેશનમાં આવા વિચિત્ર અને માથાના દુ:ખાવા જેવા બનાવો બનતા હતા અને જયદેવ હવે પ્રમોશનના આરે હોય જો આવા કિસ્સામાં કાંઈક આડુ ચાલે અને બબાલ થાય તો પ્રમોશન લટકી પડવાનો સતત ભય રહેતો હતો. વળી સમૃધ્ધ તાલુકો ગમે તે વ્યકિત તેના વાડી ખેતરમાં એક બે ટીપડાના ગોળનો આથો નાખી દે તો પણ રૂપીયા દસ હજારની રેઈડ તો બની જ જાય અને તે કવોલીટી કેસ બને તો વળી ઈન્કવાયરી અને પ્રમોશન લટકતુ રહે તેવો સતત ભય જયદેવને રહેતો તેથી તે અને તેના જવાનો દિન રાત આવી કોઠા કબાડા જેવી તપાસો ઉપરાંત સતત સકરા બાજની જેમ દારૂ જુગારની પ્રવૃતિ ઉપર વોચ રાખતા હતા.
આ રીતે જયદેવે એક દિવસ કામરોળની સીમમાં જીણકુભાની ભઠ્ઠી ઉપર બાવળની કાંટયમાં રેઈડ કરી ચાલુ ભઠ્ઠી તૈયાર દારૂ અને આથાનો મોટો કેસ કર્યો. જોગાનું જોગ તળાજાના નવા થતા એક પત્રકારને દારૂની રેઈડ નજરો નજર જોવી હોય તે સાથે આવેલ અને જયદેવે જે રેઈડ કરી તેના જુદા જુદા ફોટોગ્રાફ લીધા. જયદેવે કાયદેસર નું પંચનામુ કરી કબ્જે કરવા લાયક મુદામાલ કબ્જે કરી ભઠ્ઠીના ટીપડા ડબ્બાઓ વિગેરે નો કાયદા મુજબ લોખંડના અણીદાર સળીયાથી કાણા પાડી નાશ કર્યો. જેના પણ ફોટોગ્રાફ થયા તે જોગાનું જોગ જ બન્યુ હતુ.
બીજી તરફ નવા પોલીસવડાનું આગમન થતા કોન્સ્ટેબલ ફૌજી જે ભાવનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં હતો તેના તો નસીબ જ ખુલી ગયા તેણે સિધ્ધી જિલ્લા ક્રાઈમ બ્રાંચમાં છલાંગ લગાવી દીધી અને લગભગ પીઆઈ ક્રામઈ બ્રાંચ તેના ખીસ્સામાં આવી ગયા. જયદેવને મનમાં જે શંકા હતીતે પ્રમાણે જ ફૌજીના ૨૦ મુદાના કાર્યક્રમ પૈકી એક ખાસ મુદો તળાજામાં સાચો કે ખોટો દારૂનો કવોલીટી કેસ કરી દઈને જયદેવના પ્રમોશનના વાજા વગડાવી દેવાનો પણ હતો. પરંતુ તળાજા પોલીસની સક્રિયતા અને તાલુકાની આમ જનતા સોના જયદેવના સારા તાલમેલને કારણે ફૌજીના તે મુદાનો મેળ પડતો ન હતો.
તેમ છતા ફૌજીની પોલીસવડા સાથેની નિકટતાથી અંજાઈ ગયેલા ક્રાઈમ બ્રાંચના પીઆઈએ ફૌજીની રાહબરી અને માર્ગદર્શન તળે તળાજા વિસ્તારમાં દોડધામ અને રઝળપાટ કરી પણ કાંઈ મળ્યુ નહિ પરંતુ હજુ ચાર-પાંચ દિવસ પહેલા જયદેવે કામરોળની કાંટયમાં જયાં રેઈડ કરેલી તે જગ્યા મળી આવી ત્યાં કાણા પાડી દીધેલા ડબ્બા ટીપડા વેરણ છેરણ પડયાહતા. દારૂ આથો તો કાંઈ મળ્યુ નહિ પણ તેમની ગાડીમાં વધારાનું આથાનું કેન રહેતુ જ હતુ. ફૌજીને ખુશ કરવા પીઆઈ ક્રાઈમ બ્રાંચે તે જગ્યાનું પંચનામુ કરી આથાનો કેસ કર્યો બંધ ભઠ્ઠીનું પંચનામુ કરી કાણાવાળા ડબ્બા ટીપડા કબ્જે કરી કવોલીટી રેઈડ અને કેસ બનાવી તળાજા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવી દીધો.
આથી જયદેવની શંકા તો સાચી જ પડી પણ પીઆઈ કક્ષાના અધિકારીએ ક્રાઈમ બ્રાંચમાં ચીટકી રહેવા ફૌજીની માખણ પટ્ટી કરવા આવુ ખોટુ કર્યાનું દુ:ખ થયુ. જોગાનું જોગ જયદેવે રેઈડ કરેલી તેના ફોટોગ્રાફજે નવા પત્રકારે લીધેલા તે સ્થાનીક છાપાઓમાં છપાયેલા તે વાત જવાનોએ જયદેવના ધ્યાને મુકતા જ જયદેવે તે નકલ મેળવી નવા પોલીસ વડાને ટેલીફોન કરી ક્રાઈમ બ્રાંચે ઉપજાવી કાઢેલી ખોટી રેઈડ અને ગુણવતાવાળા કેસ અંગે રજુઆત કરી છાપામાં અગાઉ છપાયેલ ફોટોગ્રાફ અંગે પણ જણાવતા તેઓ તુરત જયદેવ સાથે સહમત થયા અને મહુવા ડીવાયએસપીને આ રેઈડ અને કેસ બાબતે સ્ટેશન ડાયરી ઉપર પણ ચેક નહિ લેવા જણાવી દીધુ. ધાત તો ટળી પણ હવે જયદેેવ કોઈ જોખમ લેવા માગતો ન હતો.તેને હવે ભાવનગર જિલ્લામાંથી બદલાવુ જ હતુ. અને પોલીસવડાને તેને અહિં જ રાખવો હતો.
તળાજાના ડોકટર આર્ય જયદેવના મિત્ર હતા જયદેવ ગાયત્રી મંદિર પાસે ભાડાના મકાનમાં એકલો જ રહેતો હતો અને કોન્સ્ટેબલ સાથે ટીફીન લોજમાંથી મંગાવીને ઘેર જ જમતો. આ રીતે એક વખત રાત્રીના સમયે જયદેવ પોતાના ઘેર વાળુ પાણી કરતો હતો અને ડોકટર આર્ય ત્યાં આવી ચડયા. તેમને બેસાડીને જયદેવે જમવાનું પુરૂ કર્યુ અને બાથરૂમમાં હાથ ધોવા ગયો ત્યાં પાછળથી રૂમમાં ટેલીફોનની ઘંટડી વાગી તેથી ડોકટરે જ ફોન ઉપાડયો. સામે છેડે રાજકોટના જસદણ પોલીસ સ્ટેશનના આટકોટ આઉટપોસ્ટના જમાદાર રણજીતસિંહ ઝાલા હતા બંને એ વાતો ચાલુ કરી ડો. આર્યએ કહ્યુ શું કામ છે ? તો રણજીતસિંહે કહ્યુ તાલુકાના વિરનગરના રહીશ અને રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્ય અરજણભાઈ રામાણી સાહેબ સાથે વાત કરવા માગે છે.આથી ડો. આર્ય એ રામાણીને કહ્યુ બોલો સાહેબનું શું કામ છે ? રામાણીએ કહ્યુ અમારે સાહેબને બદલીને જસદણ પોલીસ સ્ટેશનમાં લાવવા છે તે અંગે તેમની સહમતી લેવી છે આથી ડોકટરે કહ્યુ તેમાં તેમને શુ પુછવાનુ હું કહ્યુ છુ ને તમે તેમની જસદણ બદલી કરાવી જદો તેમનું કુંટુબ તો રાજકોટ જ છે તેથી આ લોજના રોટલા તો ખાતા બંધ થાય. તેમ કહી ટેલીફોન મુકી દીધો.