ધોળકિયા સ્કુલની પરંપરા અને સંસ્કૃતિને ઉજાગર કરતી ગરબી, રવિરત્ન પાર્કમાં ૧૦થી વધુ રાસ સાથે ગરબાની રમઝટ, અંબિકા પાર્કની ગરબી જોવા દુર-દુરથી લોકો ઉમટે છે
રાજકોટમાં નવલી નવરાત્રીનાં પર્વમાં શહેરની વિવિધ ગરબીઓમાં માં આદ્યશકિતની આરાધના પરંપરાગત પ્રાચીન ગરબામાં બાળાઓ અવનવી સ્ટાઈલથી ગરબે ઘુમી માતાજીનાં ગુણગાન કરે છે જેને નિહાળવા મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉમટી પડે છે. શહેરમાં ધોળકિયા સ્કુલની પરંપરા અને સંસ્કૃતિને ઉજાગર કરતી, રવિરત્ન પાર્કમાં ૧૦થી વધુ રાસ સાથે ગરબાની રમઝટ અને અંબિકા પાર્કની ગરબી જોવા દુર-દુરથી લોકો ઉમટી પડે છે.
ધોળકિયા સ્કુલ રાજકોટ દ્વારા છેલ્લા ૭ વર્ષથી માં નવદુર્ગા પ્રાચીન રાસ-ગરબાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આયોજન કરવામાં આવે છે. બાળકોની અંદર વિદ્યાર્થીકાળથી જ દેશપ્રેમ, દેશદાઝ, સંસ્કૃતિ પ્રેમ અને ધાર્મિક ભાવનાઓનું બીજારોપણ કરવામાં આવે છે. આકર્ષક અને ભવ્ય રંગમંચની સજાવટ સાથે નવરંગ વેશભુષા ઉચ્ચ કક્ષાનું આધુનિક સાઉન્ડ સિસ્ટમ અને આકર્ષક કલરફુલ લાઈટીંગથી ૫૫થી પણ વધારે પ્રાચીન રાસ ગરબાની રમઝટ વડે માં આદ્યશકિતની પૂજા-અર્ચના કરવામાં આવે છે. તેમાં ૩૫૦ બાળાઓ ભકિતમાં લીન થઈને ગરબા રમે છે.
શહેરની યુનિવર્સિટી રોડ પર આવેલી રવિરત્નપાર્ક સોસાયટીની ગરબીમાં ૪૦થી વધુ બાળાઓ વિવિધ રાસોની રમઝટ બોલાવે છે. દુર-દુરથી લોકો આ ગરબી નિહાળવા આવે છે અને દરરોજ બાળાઓને વિવિધ લ્હાણીઓ તેમજ નાસ્તો આપવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ જળવાય અને હજુ પણ વધુને વધુ પ્રાચીન ગરબીઓનું મહત્વ લોકોને થાય તે માટે રવિરત્ન સોસાયટી દ્વારા આ ગરબીનું આયોજન કરાવવામાં આવે છે.
શહેરની રૈયા રોડ સ્થિત આવેલી અંબિકા પાર્કની ગરબી છેલ્લા ૩૨ વર્ષથી કરવામાં આવે છે. જેમાં ૩૦થી વધુ બાળાઓ માં જગદંબાની નવે-નવ દિવસ આરાધના કરે છે. જેમાં મન મોર બની થનગાટ કરે, મોગલ છેડતા કાળો નાગ, ઘોર અંધારી રે, આસમાનનાં રંગની ચુંદડી રે, અઠીગો રાસ, તાલી રાસ સહિતનાં વિવિધ રાસ જોઈ લોકો મંત્રમુગ્ધ બની જાય છે. નવલા નોરતે શહેરમાં વિવિધ સ્થળે હજુ પણ પ્રાચીન ગરબીઓ થાય છે અને જે જોવા ભારે જનમેદની ઉમટી પડે છે.