સાંસદ, ધારાસભ્ય અને નગરપાલિકા તંત્ર દ્વારા રાજ્ય સરકારમાં અનેકવાર ધારદાર રજૂઆત કરવામાં આવી હતી
ગોંડલ શહેરના ઉત્તર દિશાએ નેશનલ હાઇવે પાસે ૨૮ વર્ષ પહેલા ટીપી સ્કીમ નંબર ૧ દાખલ થવા પામી હતી અને ટીપી સ્કીમ કાયદાકીય આંટીઘૂંટી માં ફસાતા ૭૦ જેટલા ખેડૂતોની હાલત કફોડી થવા પામી હતી રાજ્ય સરકારમાં અનેકો રજૂઆત બાદ આજે તેનું નિરાકરણ આવતા ખેડૂતો દ્વારા સાંસદ, પૂર્વ ધારાસભ્ય અને નગરપાલિકાના સત્તાધીશોનું સન્માન કરાયું હતું.
ગોંડલના ઉમવાળા ફાટકથી આશાપુરા ચોકડી સુધીના વિસ્તારમાં વર્ષ ૧૯૯૧ની સાલમાં ટીપી સ્કીમ નંબર-૧ દાખલ થવા પામી હતી અને ટીપી સ્કીમનો પ્રશ્ન કાયદાકીય આંટીઘૂંટીમાં ફસાતા ખેડૂતોની જમીનનો વિકાસ થઇ શકયો ન હતો. નવા નિયમ મુજબ ખેડૂતોની જમીન ૩૫% કપાતમાં જતી હોય આ નિયમ લાગુ પડે તો ખેડૂતોની હાલત કફોડી થઈ જાય ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈ સાંસદ રમેશભાઈ ધડુક, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા અને રાજેન્દ્રસિંહ જાડેજા સહિતનાઓ દ્વારા રાજ્ય સરકારમાં વારંવાર રજૂઆત કરતા રાજ્ય સરકારે આગેવાનોની રજૂઆતને ધ્યાને લઈ ટીપી સ્કીમના જુના નિયમ મુજબ ૧૭ થી ૨૨ ટકા ખેડૂતોની જમીન કપાત નો નિયમ અંજુર રાખતા ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાવા પામી હતી. આશરે આ વિસ્તારના ૭૦ ખેડૂતો દ્વારા પરિવાર સાથે નગરપાલિકા કચેરીએ આવી સાંસદ પૂર્વ ધારાસભ્ય અને નગરપાલિકાના સત્તાધીશો નું સન્માન કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ૨૮ વર્ષ જુના આ કેસ નું નિરાકરણ આવતા ખેડૂતો પોતાની જમીનનો વિકાસ કરી શકશે અને બાંધકામ સાથે જોડાયેલ લોકો પણ વિકાસ કરી શકશે તેવા ઉજળા સંજોગો ઉદભવ્યા છે.