નવરાત્રીનો ચોથો દિવસ માતા કૂષ્માન્ડાને પૂજવામાં આવે છે. એવી માન્યતા છે કે તેમની પૂજા કરવાથી સમસ્ત રોગોનો નાશ થાય છે.
નવરાત્રીના ચોથા દિવસે દેવી કૂષ્માન્ડાના રૂપની પૂજા કરવામાં આવે છે. માતાનું આ સ્વરૂપ અત્યંત શાંત, સૌમ્ય અને મોહક છે. તેમને આઠ ભુજાઓ છે, પરિણામે તેમને અષ્ટભુજા કહે છે. તેમના સાત હાથોમાં ક્રમશઃ કમળ, ધનુષ, બાણ, કમળ-પુષ્પ, અમૃત કળશ, ચક્ર તથા ગદા છે. આઠમાં હાથમાં તમામ સિદ્ધિઓ અને નિધિઓને દેનારી જપ માળા છે. આ દેવીનું વાહન સિંહ છે.
આ દેવીનો વાસ સૂર્યલોકમાં છે. પરિણામે તેમના શરીરની ક્રાંતિ અને પ્રભા સૂર્યની જેમ દૈદિપ્યમાન છે. તેમના જ તેજથી દશે દિશાઓ આલોકિત છે. બ્રહ્માંડની દરેક વસ્તુઓ અને પ્રાણીઓમાં તેમનું જ તેજ વ્યાપેલું છે.
માતા કૂષ્માન્ડાને પ્રસન્ન કરવા અને શુભફળ મેળવવા તેમની પૂજા નિમ્ન લિખિત મંત્ર દ્વારા કરવી જોઈએ.
या देवी सर्वभूतेषु मां कूष्माण्डा रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।
જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ ન્હોતુ, ત્યારે આ જ દેવીએ બ્રાહ્માંડની રચના કરી હતી. પરિણામે તેઓ જ સૃષ્ટિની આદિ-સ્વરૂપા, આદિશક્તિ છે. માતા કૂષ્માન્ડાની ઉપાસનાથી ભક્તોન તમામ રોગ-શોક મટી જાય છે. તેમની ભક્તિથી આયુ, યશ, બળ અને આરોગ્યમાં વૃદ્ધિ થાય છે.