ભારત ‘યુદ્ધ’માં નહીં ‘બુદ્ધ’માં માનતું હોવાનું જણાવીને મોદીએ વિકાસશીલ રાષ્ટ્ર હોવા છતાં દેશે કરેલા વિકાસ કાર્યોને ગણાવ્યા: પર્યાવરણ બચાવ સહિતના ક્ષેત્રે નક્કર કામગીરી કરવામાં ભારત વિકસિત દેશો કરતા આગળ હોવાનો દાવો કર્યો
ભારતને આઝાદીકાળથી આતંકવાદ સહિતના મુદ્દાઓ પર પીડતી બંધારણની કલમ ૩૭૦ને હટાવીને મોદી સરકારે જમ્મુ-કાશ્મીર રાજ્યને અપાયેલો વિશેષ દરજ્જાને નાબુદ કર્યો હતો. જેથી આતંકવાદના આકા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું હતું. જેને લઈને પાકિસ્તાનના અટકચાળાની અનેક વખત ભારત-પાક. સામસામે આવી ગયા હતા અને બન્ને વચ્ચે યુદ્ધ ફાટી નીકળે તેવી સંભાવના ઉભી થવા પામી હતી. આવા ગરમીભર્યા માહોલ વચ્ચે ગઈકાલે યુનોમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના પ્રવચનો યોજાયા હતા. મોદીએ આતંકવાદ સામે આક્રોશ વ્યકત કરીને ભારત યુદ્ધમાં નહીં બુદ્ધમાં માનતું હોવાનું જણાવીને વિકાસશીલ રાષ્ટ્ર તરીકે દેશે કરેલી વિકાસગાથાને વર્ણવી હતી તો ઈમરાન ખાને બફાટ કરતા જણાવ્યું હતું કે, મુસ્લિમોને તરછોડવાની આતંકવાદીઓ પેદા થાય છે. આ બફાટ દ્વારા ઈમરાને આડકતરી રીતે સ્વીકારી લીધું હતું કે મુસ્લિમો આતંકવાદ ફેલાવે છે.
સંયુક્તરાષ્ટ્રની ૭૪મી મહાસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિન્દીમાં ભાષણ કરતાં બુદ્ધ, ગાંધી અને વિવેકાનંદના ઉલ્લેખ સાથે પાકિસ્તાનનું નામ લીધા વિના આતંકવાદ ઉપર જબરદસ્ત હુમલો બોલાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભારતે દુનિયાને યુદ્ધ નહીં પણ બુદ્ધ આપ્યા છે. અમારા અવાજમાં આતંકવાદ વિરુદ્ધ દુનિયાને સતર્ક કરવાની ગંભીરતા સાથે આક્રોશ પણ છે. આતંકવાદ માનવતા અને દુનિયા સામે સૌથી મોટો પડકાર છે. આ મુદ્દે વિભાજિત દુનિયા સંયુક્ત રાષ્ટ્રનું ગઠન જે આધાર ઉપર થયું હતું તેને જ નુકસાન પહોંચાડે છે. વડાપ્રધાને કહ્યું હતું કે, આતંકવાદ સામે આખી દુનિયાએ એક જૂથ બનવું આવશ્યક છે.
વિખેરાયેલી દુનિયા કોઈના હિતમાં નથી. આપણી પાસે આપણી હદમાં જકડાઈ રહેવાનો વિકલ્પ છે. આપણે સંયુક્ત રાષ્ટ્રને નવી શક્તિ અને દિશા આપવી પડશે. આ સાથે જ તેમણે સ્વામી વિવેકાનંદનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, સ્વામી વિવેકાનંદે વિશ્ર્વ ધર્મ સંસદમાં દુનિયાને શાંતિ અને સદ્ભાવનો સંદેશો આપ્યો હતો. ભારત આજે પણ એ સંદેશો જ દુનિયાને આપી રહ્યું છે.
મોદીએ આગળ કહ્યું હતું કે, આજથી ત્રણ હજાર વર્ષ પહેલા તમિળ કવિએ કહ્યું હતું કે, અમે તમામ સ્થાન માટે પોતીકાપણું દાખવીએ છીએ. બધા અમારા પોતાનાં જ છે. ભારતે વિશ્વબંધુત્વની એ મહાન પરંપરાને આગળ ધપાવવાનું કાર્ય કર્યુ છે. ગાંધીનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, સમગ્ર વિશ્વ આ વર્ષે મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જયંતી મનાવી રહ્યું છે. સત્ય, અહિંસાનો તેમનો સંદેશ આજે પણ દુનિયાની શાંતિ અને સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે. પર્યાવરણ સંરક્ષણ માટે ભારતનાં પ્રયાસોનું બયાન આપતાં તેમણે કહ્યું હતું કે, અમારુ કાર્બન ઉત્સર્જન અને ગ્લોબલ વોર્મિંગમાં સૌથી ઓછું યોગદાન છે. પરંતુ પર્યાવરણ માટે અમારા પ્રયાસો એટલા જ મોટા છે. તેમણે ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ સીવાય સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે ભારતનાં અભિયાનને પણ ભારતે પ્રથમ પ્રારંભ કર્યાનું જણાવ્યું હતું.
ભારતનાં સ્વચ્છતા અભિયાન વિશે વાત કરતાં મોદીએ કહ્યું કે, અમે પાંચ વર્ષમાં ૧૧ કરોડ શૌચાલયો બનાવ્યા છે અને તે આખી દુનિયા માટે એક પ્રેરક સંદેશો છે. દુનિયાને ટીબી મુક્તિ માટે ૨૦૩૦નું લક્ષ્યાંક રાખ્યું છે પણ ભારતે ૨૦૨પ સુધીમાં તેને નાબૂદ કરવાં માટે પ્રયાસો હાથ ધર્યા છે. આ સીવાય મોદીએ જનધન ખાતા યોજના, આયુષ્માન યોજના સહિતનો અને ભારત સરકારની જનકલ્યાણકારી યોજનાઓને પણ પોતાનાં પ્રવચનમાં સામેલ કરી હતી.
કાશ્મીર મુદ્દે દુષ્પ્રચાર ઉપર ઉતરી આવેલા પાકિસ્તાનને આખી દુનિયામાં ક્યાંયથી ભાવ ન મળ્યા બાદ આખરે બેબાકળા પાક. વડાપ્રધાન ઈમરાન ખાને આજે સંયુક્તરાષ્ટ્રમાં ઉન્માદી ભાષણ ઠપકાર્યુ હતું. તેમણે કહ્યું કે, કાશ્મીરમાં જે થઈ રહ્યું છે તે હથિયાર ઉઠાવવા પ્રેરનારું છે. આટલું જ નહીં કાશ્મીરમાંથી ક્ફર્યુ હટતા જ ખૂનખરાબો થશે તેવી ભડકામણી ભાષા પણ તેણે વાપરી હતી. આ બધું ઓછું હતું તો તેણે પરમાણુ યુદ્ધનાં નામે સંયુક્તરાષ્ટ્રને પણ બ્લેકમેઈલ કરવાં હવાતિયા મારી લીધા હતાં. યુનોમાં ઈમરાનના ભાષણ બાદ ભારતે પણ રાઈટ ટુ રિપ્લાયના અધિકાર હેઠળ જવાબ આપવાનો નિર્ણય કર્યો હતો. ઈમરાને ભાષણમાં પોતાનાં કાશ્મીર દુષ્પ્રચારને ઈસ્લામિક દુનિયા સાથે જોડવાની કુચેષ્ટા કરતાં તેણે કહ્યું હતું કે, આની અસર ૧.૩ અબજ મુસલમાનો ઉપર પણ થશે. આ ઓછું હોય તેમ યુનોનાં મંચ ઉપરથી પણ પાકિસ્તાને પરમાણુ યુદ્ધની ધમકી ઉચ્ચારી નાખી હતી.
ઈમરાને કહ્યું કે, જો અમે પરમાણુ જંગ ભણી આગળ વધશું તો પછી સંયુક્તરાષ્ટ્ર તેનાં માટે જવાબદાર ગણાશે. સંયુક્તરાષ્ટ્રે જ તેને રોકવું પડશે. જો કોઈ દેશ પોતાનાં પાડોશી રાષ્ટ્ર કરતાં સાત ગણો નાનો હોય તો પછી તેની પાસે શું વિકલ્પ બચે છે. ઈસ્લામિક કાર્ડ ખેલતા તેણે કહ્યું કે, ભારતનાં ૧૮ કરોડ મુસ્લિમ કાશ્મીરનાં કારણે કટ્ટરતા તરફ વળશે. દુનિયાનાં મુસલમાનો પણ આ જોઈ રહ્યા છે. જો કોઈ સમુદાયનાં લોકોને બંધક બનાવી લેવાય તો એ સમુદાય શું વિચારશે? આ સંજોગોમાં તે પોતે જ હથિયાર ઉગામવા માંડે છે. તેમ જણાવીને ઈમરાને મુસ્લિમ સમાજને આતંકવાદનું આકા ગણાવ્યું હતું.
જ્યારે અમેરિકાએ ગુરૂવારે જણાવ્યું હતું કે, ભારત કાશ્મીરમાં શાંતિની પુન: સપના માટે પ્રયત્નશીલ છે. પરંતુ પાકિસ્તાનની હરકતોથી તેમાં અવરોધ ઉભો થાય છે. મુસ્લિમોની ચિંતા કરતા પાકિસ્તાનને જમ્મુ-કાશ્મીરમાં મુસ્લિમો પર કહેવાતા અત્યાચારની ચિંતા થાય છે. પરંતુ પાકિસ્તાનને મુસ્લિમો ઉપર ચીનમાં તથા ઝુલ્મો કેમ ધ્યાને નથી આવતા. પાકિસ્તાનની બે મોઢાંની વાતનું વલણનો જગત સમક્ષ ત્યારે ચિતાર આવ્યો જ્યારે અમેરિકાના એલીસવેલ્સે વ્યક્તિગત આ મુદ્દે નુકતેચીની કરી હતી. જ્યારે તેમને કાશ્મીરની સ્થિતિઅંગે પાકિસ્તનના વલણ અંગે પુછવામાં આવ્યું. ત્યારે એલિસ વેલ્સે જણાવ્યું હતું કે, અમેરિકા મુસ્લિમોને લઈને માનવ અધિકાર મુદ્દે સજાગ છે તે માત્ર કાશ્મીર જ નહીં તેનાથી પણ વધુ ચિંતા કરે છે અને અમેરિકાનો સતત પ્રયાસ રહેશે કે તે સમગ્ર ચીનમાં મુસ્લિમો પર તાથા અત્યાચારો અને માનવ અધિકારના ઉલ્લંઘન પર પ્રકાશ પાડતું રહે.