જીવદયાના પરોપકારી કાર્યને સાર્થક કરતી
યોજના હેઠળ જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી ગ્રામ્ય વિસ્તારમાં રખડતા, ભટકતા, બિમાર કે ઈજાગ્રસ્ત ગાય, બળદ જેવા પ્રાણીઓની સારવારની સાથે ગૌશાળા, પાંજરાપોળમાં મૂકીને જીવનદાન આપવામાં આવે છે
ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા, ભટકતા, પ્રાણીઆનું દેખરેખ રાખવાવાળુ કોઈ ન હોય આવા પ્રાણીઓ દયનીય હાલતમાં જીવતા હોય છે. તેમાં પણ આવા પ્રાણીઓને કોઈ બિમારી લાગુ પડે કે ઈજાગ્રસ્ત થાય ત્યારે તેની સારવાર કરવાવાળુ કોઈ ન હોય આવા પ્રાણીઓ રિબાઈ રિબાઈને મૃત્યુ પામે છે. જેથી ગ્રામ્ય વિસ્તારના આવા રખડતા ભટકતા બિમાર કે ઈજાગ્રસ્ત પ્રાણીઓને બચાવવા રાજકોટ જિલ્લા પંચાયતની પશુપાલન શાખા દ્વારા અનોખી યોજના બનાવવામાં આવી છે. આ યોજના પાછળ થનારા ખર્ચ માટે જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી ૧૦ લાખ રૂા.ની ગ્રાન્ટ ફાળવીને જીવદયાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરૂ પાડયું છે.
આ યોજનાનું અમલીકરણ સ્થાનિક ગ્રામ પંચાયત તંત્ર દ્વારા કરવાનું નકકી કરવામાં આવ્યું છે. ગામમાં રખડતા, રઝળતા, બિમાર કે ઈજાગ્રસ્ત, ગાય, બળદ સહિતના પ્રાણીઓને ગ્રામપંચાયત તંત્ર દ્વારા માણસો દ્વારા પકડીને વાહનો દ્વારા પાંજરાપોળ કે સરકારી પશુ દવાખાને મોકલવાના રહેશે જે માટે પ્રાણીઓને પકડવાનો મજૂરી ખર્ચ ઉપરાંત ૫૦૦ રૂા.ની મર્યાદામાં વાહન ખર્ચ આપવામાં આવશે. જે પ્રાણી બિમાર કે ઈજાગ્રસ્ત હશે તેનો સારવારનો ખર્ચ પણ આ યોજના હેઠળ આપવામાં આવનારો છે. બિમાર, કે ઈજાગ્રસ્ત પ્રાણીઓને ગૌશાળા કે પાંજરાપોળ રાખવાની જરૂર પડશે તો તે માટેનો નિભાવ ખર્ચ પણ આ યોજનામાં આપવામાં આવનારો છે.
આ યોજના હેઠળ નાયબ નિયામક જિલ્લા પશુપાલન વિભાગની કચેરી દ્વારા એક પશુ દીઠ મહત્તમ ૨૫૦૦ રૂા.ની સહાય કરવામાં આવનારી છે. જેમાં અકે ગ્રામ પંચાયત વર્ષ દરમ્યાન વધુમાં વધુ વખત અરજી કરીને ૧૦૦ પ્રાણીઓ માટે સહાયની ગ્રાન્ટ મેળવી શકશે. ગ્રામ પંચાયતે આ પ્રકારની કામગીરી તેના ફોટોગ્રાફસ સાથેના પૂરાવા પણ રજૂ કરવા પડશે. ઉપરાંત પંચરોજ કામ અને તલાટી કમ મંત્રીના અભિપ્રાય પણ મેળવવાનો રહેશે. જે બાદ ગ્રામ પંચાયત તંત્ર નિયત ફોર્મમાં અરજી કરીને આ યોજનાનો લાભ લઈ શકશે તેમાં ખર્ચના વાઉચરો, બીલો વગેરેની નકલો પણ જોડવાની રહેશે. ઉપરાંત પ્રાણીઓને પાજરાપોળકે ગૌશાળામાં મોકલ્યા બદલ આવી સરકારી રજીસ્ટર્ડ સંસ્થાની પ્રાણીઓ મળ્યા અંગેની પહોચ તથા નિભાવ ખર્ચની રસીદ પણ આ અરજીમાં જોડવાની રહેશે. જે બાદ પશુપાલન વિભાગને મળેલી અરજીઓની અગ્રતા યાદી બનાવીને ગ્રાન્ટની રકમ ફાળવવામાં આવનારી છે. આમ, ગ્રામ્ય વિસ્તારમાં રખડતા રઝળતા બિમાર કે ઈજાગ્રસ્ત પ્રાણીઓને ગૌશાળાના કે પાંજરાપોળમાં આશરો મળવાથી તેમને બચાવીને જીવદયાનું પરોપકારી કામગીરી થઈ શકશે.