પોંડીચેરી ૯૧.૩ ટકા, પંજાબ ૮૯.૧ ટકા, ગોવા ૮૮.૪ ટકાની નોંધાઈ છે રોગપ્રતિકારક શકિત જયારે ગુજરાતમાં ૫૦.૪ ટકાનો જ આંકડો આવ્યો સામે
ગુજરાત મેડિકલ ક્ષેત્રે અનેકવિધ કાર્યો કરી રહી છે ત્યારે ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે કે, રોગપ્રતિકારક શકિતમાં અન્ય રાજયોની સરખામણીમાં ગુજરાત સૌથી પાછળ છે. આંકડાકિય માહિતી લેવામાં આવે તો પોંડીચેરીમાં ૯૧.૩ ટકા, પંજાબમાં ૮૯.૧ ટકા તથા ગોવામાં ૮૮.૪ ટકાનો આંકડો સામે આવ્યો છે. જયારે ગુજરાતમાં ૧૨ માસથી ૨૩ માસનાં બાળકોમાં રોગપ્રતિકારક શકિત માત્ર ૫૦.૪ ટકાની રહી છે ત્યારે ગુજરાત રાજય માટે સૌથી મોટો પ્રશ્ર્ન એ છે કે, રાજયની રોગપ્રતિકારક શકિતમાં કેવી રીતે વધારો થઈ શકે અને લોકોનું જીવન ધોરણ સુધરે.
નીતિ આયોગનાં ડેટા અનુસાર નાગાલેન્ડ, અરૂણાચલ પ્રદેશ અને આસામની સરખામણીમાં ગુજરાતનું સ્તર સારું છે પરંતુ રાજસ્થાન, ઉતરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહારની સરખામણીમાં ગુજરાત પાછળ છે. હેલ્થ મંત્રાલયનાં વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત રોગપ્રતિકારક શકિતમાં ખુબ જ પાછળ છે જે દિશામાં રાજય સરકાર કાર્યવાહી પણ કરી રહી છે. ગુજરાત રાજયનાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવતા કહ્યું હતું કે, ૫૦ ટકાનો આંકડો જે ગુજરાતનો આવ્યો છે તે ખુબ જ ઓછો છે. જો યોગ્ય કાર્યવાહી અને યોગ્ય દિશામાં કામગીરી હાથ ધરવામાં આવે તો આંકડો સારી રીતે વધી પણ શકે છે. સરકારી સુત્રોનાં જણાવ્યા અનુસાર જે બાળકોની રોગપ્રતિકારક શકિત ઓછી છે તેમાં સૌથી વધુ ગ્રામ્ય લોકોનો સમાવેશ થાય છે. જેનાં માટે ગ્રામ્ય વિસ્તારોમાં તબીબોએ યોગ્ય સારવાર ઉપલબધ કરાવી પડશે.અમદાવાદ પીડીયાટ્રીક એસોસીએશનનાં ભૂતપૂર્વ પ્રેસીડેન્ટ ડોકટર ચેતન ત્રિવેદીએ જણાવતા કહ્યું હતું કે, લોકોમાં બાળકોને લઈ રોગપ્રતિકારક શકિત કેટલી હોવી જોઈએ અને તેનાં માટે શું કરવું જોઈએ તે અંગેની જાગૃતતા ન હોવાનાં કારણે ગુજરાતમાં જે આંકડો સામે આવ્યો છે તે સ્પષ્ટ થાય છે. મધ્યમ વર્ગનાં પરીવારો તેમનાં બાળકોને વેકસીનેશન આપવા માટેનો જે ખર્ચ થતો હોય તે નથી કરી શકતા. જેના કારણે બાળકોની રોગપ્રતિકારક શકિતમાં અનેકગણો ઘટાડો જોવા મળે છે.
હેલ્થ એન્ડ ફેમેલી વેલફેરનાં જયંતી રવિએ જણાવતા કહ્યું હતું કે, નીતિ આયોગનો જે આંકડો સામે આવ્યો છે તે સૌથી જુનો છે. રાજય સરકાર દ્વારા જે રોગપ્રતિકારક શકિતને લઈ સર્વે કરવામાં આવ્યા છે તેમાં આંકડો ૮૨ ટકા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજય આરોગ્યને લઈ સૌથી વધુ ચિંતાતુર રહેતી હોય છે અને તે દિશામાં યથાયોગ્ય કાર્ય પણ કરે છે.