સૌથી વધારે જિદ્દ એક બાળકમાં જ જોવા મળતી હોય છે. સમય જતા જેમ જેમ બાળકને વસ્તુની સમજ આવે ત્યારે તેની જિદ્દ પણ વધતી જતી હોય છે અને આવી પરિસ્થિતિમાં માતા-પિતા માટે બાળકની સારસંભાળ કરવી મુશ્કેલ બની જતી હોય છે. તેને દરેક વસ્તુ સમજાવવા માટે ખુબ સમસ્યાઓ ઉદ્દભવતી હોય છે અને બાળકો ક્યારેક તેના માટે હાનીકારક હોય તેવી વસ્તુની ખોટી જીદ્દો પકડીને બેસી જતા હોય છે. તેવામાં તેને મનાવવું ખુબ જ અઘરું પડી જાય છે.
કોઈ કારણસર જો માત-પિતા આ જિદ્દનો યોગ્ય ઈલાજ ન કરે તો બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ તેની જિદ્દમાં વધારો થતો જાય છે અને એક સમય એવો આવે છે જ્યારે બાળક માતા-પિતાના નિયંત્રણમાં રહેતું નથી. આજે અમે આ લેખમાં એવા ઉપાયો જણાવશું જેને અનુસરવાથી તમારા બાળકનું જીદ્દીપણું દુર થશે અને તે સમજદાર બની જશે.
સૌથી પહેલા તો બાળક જ્યારે કોઈ ખરાબ વર્તન કરે કે ખોટી જિદ્દ કરે તો તેને બિલકુલ નજરઅંદાજ ન કરો. પરંતુ પહેલા તેને શાંતિથી સાંભળો. કારણ કે જો બાળક તમને કંઈક કહે અને તમે તેની વાત પર ધ્યાન જ ન આપો તો બાળક તમને ટાળવાનું શરૂ કરી દેશે અને તેમની જિદ્દ પણ વધતી જશે. માટે સૌથી પહેલા તો બાળકની કોઈ પણ વાત શાંતિથી સાંભળવી, તેમની વાતને વચ્ચેથી અટકાવી તેને ચુપ ન કરાવવા. બધી વાત પૂરી થાય પછી તેના પર કોઈ એક્શન લેવા.
ત્યાર બાદ બાળક સાથે ક્યારેય જબરદસ્તી ન કરવી જોઈએ. તમે જબરદસ્તી કરીને તે સમયે તો તેમની જિદ્દનું નિવારણ લાવી શકો છો. પણ, તમારી આ બાબતનું આગળ જતા ખરાબ પરિણામ આવી શકે છે. બાળક સાથે બળજબરી પૂર્વકનું વર્તન કરવાથી બાળક મીંઢા તેમજ વિદ્રોહી સ્વભાવનું થઇ જાય છે અને જે વસ્તુ તમે જબરદસ્તી કરીને નહિ કરવા દો તેઓ તે જ કરવાનું વિચારશે. એટલા માટે બાળકને હંમેશા પ્રેમથી સાંભળો. એ તમારી દરેક વાતનું માન જાળવશે.
બાળકની એક પ્રકૃતિ હોય છે કે તેઓ હંમેશા એ જ કરવાનું પસંદ કરતા હોય છે જે વસ્તુની તેને ના પાડવામાં આવતી હોય. જો તમે તેને કોઈ પણ વસ્તુને એક ઓર્ડરની જેમ કહેશો તો તે દરેકમાં ના જ પાડશે. જેમ કે તમે તેને કહેશો કે રાત્રે 10 વાગ્યા પહેલા સુઈ જવાનું છે ગેમ નથી રમવાની તો તે ના જ પાડશે. પરંતુ તમે તેને કહો કે રાત્રે તને નવી નવી સ્ટોરીઓ સાંભળવી ગમે છે કે નહિ ? તને કેવી વાર્તાઓ ગમે ? ચાલ હું તને આજે તે વાર્તા કહીશ વગેરે જેવા વિકલ્પો આપો.
બાળકને કોઈ પણ વસ્તુ કરવા માટે હંમેશા પ્રેમથી કહો. તેની અસર ખુબ જ સારી પડશે અને બાળક તમે કહ્યું હોય એ પ્રમાણે કરશે. આ રીતે તમારા આદેશને તમારે બાળકની પસંદગીમાં ફેરવી નાખવા જોઈએ.