કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા અને કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં રાજકોટના આંગણે રાજ્યકક્ષાની રાસ-ગરબા સ્પર્ધાનો શુભારંભ: સમગ્ર ગુજરાતમાંથી ૧૨૩ ટીમો અને ૨૪૬૦ જેટલા ખેલૈયાઓએ સાંસ્કૃતિક કલા વારસાને જીવંત બનાવ્યો
રાજકોટ સ્થિત હેમુ ગઢવી હોલ ખાતે યોજાયેલ નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા-૨૦૧૯નો શુભારંભ રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા અને કુંવરજીભાઇ બાવળીયાની ઉપસ્થિતીમાં દિપપ્રાગટ્ય વડે કરાયો હતો.
ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ તેમજ યુવક સેવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર અને રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા રાજ્યકક્ષાની આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજયભરના જિલ્લાઓની અને મહાનગરપાલિકાની અંદાજે કુલ ૧૨૩ ટીમો અને કુલ અંદાજે ૨૪૬૦ ખેલૈયાઓ ભાગ લીધો હતો. જેમાં અર્વાચીન ગરબા, પ્રાચીન ગરબા અને રાસ જેવી વૈવિધ્યપૂર્ણ કૃતિઓ રજુ કરાઈ હતી.
ગુજરાતની ગૌરવપૂર્ણ લોક સંસ્કૃતિના જતન અને સંવર્ધન અર્થે આયોજીત આ સ્પર્ધામાં અર્વાચીન ગરબા, પ્રાચીન ગરબા અને રાસ જેવી વૈવિધ્યપૂર્ણ કૃતિઓ રજુ કરાઈ હતી. આ કૃતિઓની મૂળભૂતતા જળવાઈ રહે તે માટે કોઈ પણ પ્રકારના ઇલેકટ્રોનિક ઉપકરણોની મદદ વિના પરંપરાગત રીતે સાજીંદાઓ અને ગરબે ઘુમનાર ભાઈઓ-બહેનોએ જ રાસ-ગરબા રમતા રમતાં ગીતો પણ જાતે જ ગાયા હતા.
ગુજરાતની ગૌરવપૂર્ણ આ લોકસંસ્કૃતિની ધરોહર વિશે જણાવતા પાણી પુરવઠામંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે આવી સ્પર્ધાઓથી ખેલૈયાઓને પ્રોત્સાહન મળે છે. તેમજ તેમનું કલા-કૌશલ્ય બહાર આવે તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે. ગુજરાતનું યુવાધન ખેલ સાથે કલા ક્ષેત્રે પણ વિશ્વ-માં ગુજરાતનો ડંકો વગાડે તે માટે રાજય સરકાર પ્રયત્નશીલ છે. ગુજરાતનાં સાંસકૃતિક વારસાનું જતન અને સંવર્ધન થાય તે ઉદેશને પરીપુર્ણ કરવા છેવાડાનાં ગામડામાંથી માંડીને શહેરો સુધી કલાત્માક વાતાવરણનું નિમાર્ણ કરી પ્રતિભાશાળી કલાકારોને આગળ આવવાની તકોનું નિમાર્ણ કરવા અને કલાકારોની આંતરિક શકિતઓને ખિલવવાનો તથા પુરસ્કૃત કરવાનો રાજ્ય સરકારનો અભિગમ રહ્યો છે. રાસ ગરબામાં ભાગ લેનાર સૌ ખેલૈયાઓને મંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાસ-ગરબા એ ગુજરાતની લોકસંસ્કૃતિનું આગવું અંગ છે. રાસ અને ગરબાની પરંપરાની બાબતમાં ગુજરાતનો ઉજળો ઇતિહાસ અને સંસ્કૃતિની ભવ્યતા સહેજે ઉડીને આંખે વળગે તેવી છે. રાસના ઉલ્લેખ સાથે ભગવાન શ્રીકૃષ્ણ, રાધાજી અને ગોપીઓ આપણને સહેજે યાદ આવી જ જાય. આમ રાસ દ્વાપરયુગથી પ્રચલિત જોવા મળે છે. પારંપરિક રાસમાં માત્ર ભાઈઓ, બહેનો અને ક્યારેક ભાઈઓ-બહેનો સાથે રાસ રમે છે. ગરબાની વાત કરીએ તો ગુજરાતની પ્રાચીન સંસ્કૃતિમાં રાસ્ય અને લાસ્ય શબ્દો પ્રચલિત હતા. આમ રાસ્ય એટલે રાસ અને લાસ્ય એટલે ભગવાન શ્રીકૃષ્ણના પુત્રવધૂ ઉષા જેને આપણો લોક સમુદાય ઓખાજી તરીકે ઓળખે છે. એટલે કે ઉષાએ ગુજરાતમાં ગરબાની રીતને જાણીતી કરી છે. ગરબો એટલે ગર્ભદ્વિપ છિદ્રવાળી નાની મટકીમાં દીવો મૂકી માથે કોડિયું રાખી સ્ત્રીઓ હાથ તાળીના તાલે ગોળ ગોળ રમતી અને માતાજીના ગુણગાન ગાતી હોય એ પરંપરા, જે આજે પણ જીવંત છે. નવરાત્રીની ગરબીઓમાં આવી પરંપરા આજે પણ જીવંત છે.
સામાન્ય રીતે, ગરબાના બે પ્રકાર છે પ્રાચીન ગરબા અને અર્વાચીન ગરબા. પ્રાચીન ગરબામાં વલ્લભ મેવાડા અને દયારામનું વિશેષ પ્રદાન છે જ્યારે અર્વાચીન ગરબામાં અવિનાશ વ્યાસ જેવા અનેકાનેક કવિઓનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે.
આ નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા-૨૦૧૯માં પ્રાચીન ગરબાના નિર્ણાયક તરીકે જગતસિંહ ઝાલા, જગદિશ પંડ્યા, મુકેશ રાવલ, અર્વાચીન ગરબાના નિર્ણાયક તરીકે રૂપલબેન શાહ, સોનલબેન મજમુદાર, પરેશભાઈ વોરા તથા રાસના નિર્ણાયક તરીકે રાણાભાઈ સિડા, જે.સી.જાડેજા, તથા કે.વી.પરમાર સેવાઓ આપી રહ્યા છે.
આ કાર્યક્રમના ઉદઘાટન સમારંભમાં ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, અધિક નિવાસી કલેકટર પરિમલ પંડ્યા, અગ્રણી ગુણવંતભાઈ ડેલાવાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારી ડી.જે.વાધેલા, જિલ્લા રમત-ગમત અધિકારી જાડેજા સહિત વિશાળ સંખ્યામાં કલાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.