રાજકોટમાં રાજ્યભરના એફએમસીજી ડિસ્ટ્રીબ્યુટર્સના સંમેલનમાં લેવાયો નિર્ણય: સરકાર મધ્યસ્થી કરી સમસ્યા હલ નહીં કરે તો દેશની ૫૦ ટકા વસતી જેના પર નભે છે તે એફએમસીજી અને ફાર્માસી ઉદ્યોગનો મૃત્યુઘંટ વાગી જશે
ફેડરેશન ઓફ ગુજરાત એફએમસીજી ડિસ્ટ્રીબ્યુટર્સ એસો. તા રાજકોટ ક્નઝયુમર પ્રોડકટ ડિસ્ટ્રીબ્યુર્સ દ્વારા રાજકોટમાં એફએમસીજી ડિસ્ટ્રીબ્યુટર્સનું એક મહાસંમેલન યોજાયું હતું. જેમાં એક સુરે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, જો કંપનીઓ મોલ અને ડિસ્ટ્રીબ્યુટર્સ વચ્ચે ભાવફેરની નીતિમાં ફેરફાર નહીં કરે અને બન્નેને એક ભાવે માલ સપ્લાય નહીં કરે તો દેશભરમાં કંપનીઓ સામે અસહકાર આંદોલન ચલાવવામાં આવશે જેની શરૂઆત ગુજરાતી કરવામાં આવશે. રાજકોટમાં એફએમસીજી ડિસ્ટ્રીબ્યુટર્સના સંમેલન બાદ પત્રકાર પરિષદ સંબોધતા ફેડરેશન ઓફ ગુજરાત એફએમસીજીના ડિસ્ટ્રીબ્યુટર્સના એસો.ના પ્રમુખ અરૂણભાઈ પરીખ, સેક્રેટરી દિપકભાઈ પટેલ, રાજકોટ ક્ધઝયુમર ડિસ્ટ્રીબ્યુટર્સ એસો.ના પ્રમુખ જીતુભાઈ અદાણી અને સેક્રેટરી નલીનભાઈ શાહ સહિતનાએ જણાવ્યું હતું કે, દેશમાં અંદાજે ૫૦ ટકાથી વધુ વસ્તી એફએમસીજી અને ફાર્માસી ક્ષેત્ર સાથે સંકળાયેલ છે અને તેના થકી રોજગારી મેળવે છે. ડિસ્ટ્રીબ્યુટર્સ પોતાનું લોહી રેડી કોઈપણ કંપની માટે નવું માર્કેટ બનાવે છે અને કંપનીને સફળતા અપાવે છે. આ માટે કરોડો રૂપિયાનું રોકાણ પણ કરે છે પરંતુ હવે મોલ કલ્ચરના કારણે કંપનીઓ ડિસ્ટ્રીબ્યુટર્સ સાથે હળાહળ અન્યાય કરી રહી છે. મોલને જે ભાવે વસ્તુ આપવામાં આવે છે તેનાથી ખુબજ ઉંચા ભાવે ડિસ્ટ્રીબ્યુટર્સ ને વસ્તુ આપે છે. જેના કારણે ડિલરો કે ડિસ્ટ્રીબ્યુટર્સ માર્કેટમાં ટકી રહેવું ખુબજ મુશ્કેલ બન્યું છે.
કંપનીઓ ઉંચા ભાવની એમઆરપી વાળો માલ આપવામાં આવે છે જ્યારે ડિસ્ટ્રીબ્યુટર્સને આવી યોજનાનો લાભ આપવામાં આવતો નથી. મોલ કલ્ચરના કારણે વેંચાણ વધતા ડિસ્ટ્રીબ્યુટર્સ વેંચાણ વધારવા માટેનું પણ દબાણ કરવામાં આવે છે અને કોઈપણ ક્ષણે એવું કહી દેવામાં આવે છે કે તમારે હવે કંપનીનું કામ કરવાનું નથી. ડિસ્ટ્રીબ્યુટર્સ આપઘાત કરવા સુધી મજબૂર બન્યા છે. આખી જીંદગી એક જ વ્યવસાય સાથે સંકળાયેલ હોવાના કારણે ડિસ્ટ્રીબ્યુટર્સ હવે બીજુ કોઈપણ કામ કરી શકે તેમ નથી. માત્ર નામી કંપનીઓને ફાયદો કરાવવા માટે જ આ ષડયંત્ર ચાલતુ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જે રીતે સરકાર પાંચ ટ્રીલીયન ઈકોનોમીના સપના જોઈ રહી છે તેને સાકાર કરવા માટે એફએમસીજી અને કેમીસ્ટ ઉદ્યોગને બચાવવો ખુબજ જરૂરી છે. આ માટે સરકારે પણ એક ચોક્કસ પ્રકારની પોલીસી બનાવવી પડશે.
આ અંગે મુખ્યમંત્રી, કલેકટરને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. છતાં કોઈ વાતને ધ્યાનમાં લેવામાં આવી નથી. કંપની પાસે પણ માંગણી કરવામાં આવશે. અમે તંદુરસ્ત હરિફાઈને આવકારીએ છીએ પણ મોલને નીચા ભાવે વસ્તુ આપવી અને રિટેલરોને ઉંચા ભાવે વસ્તુ આપવી તે નીતિ અયોગ્ય છે. વિદેશી હુડીયામણ સાથે રોજગારી પણ આ નીતિના કારણે છીનવાઈ રહી છે. રેઈટ કોમન કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કંપનીઓ સામે અસહકાર આંદોલન કરવામાં આવશે જેની શરૂઆત ગુજરાતી કરાશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.