ચાનું નામ આવતાજ ચા રસિકોના મોમાં પાણી આવી જાય છે. એવામાં જો તમને કોઈ એમ કહી દે કે વધુ ગરમ ચા ન પીશો તો કેવું લાગે. તમે એમ વિચારતા હશો કે ચા તો ગરમ જ પીવાય ને. ઠંડી તો છાશ પીવાતી હોય છે જો ચા પણ ઠંડી કરીને જ પીવાની હોય તો તેના કરતા તો છાશ પી લઈએ. પણ હા વાત ખરેખર વિચારવા જેવી છે કે તમને ખૂબ જ ગરમ ચા પીવાની ટેવ હોય તો ધ્યાન રાખજો થઈ શકે છે અન્નનળીનું કેન્સર.
ગરમ “ચા” પીવી હાનિકારક છે :
દરરોજ આપણે ચા પીતા હોઈએ છીએ. કદાચ દિવસમાં બે વાર, અને જો તે ખૂબ જ ગરમ હોય તો તે તમારી માટે થઈ શકે છે હાનિકારક. આમ તો ગરમ ચા પીવાની પોતાની એક આગવી મજા હોય છે પણ જો આ મજા સજામાં પરિવર્તે તો? ચા પીવી જીવલેણ બીમારી ન બની જાય તે માટે રાખો કેટલીક બાબતોનું ધ્યાન. જેમ કે વધુ ગરમ ચા ન પીવી, અને ચા ગરમ હોય તો તેને થોડી રાહ જોયા બાદ પીવી.
થઈ શકે છે અન્નનળીનું કેન્સર :
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં થયેલ રિસર્ચ મુજબ, ખૂબ જ ગરમ ખોરાક લેનારાઓને ઈસોફેગલ એટલે કે અન્નનળીનું કેન્સર થવાની શક્યતા વધી જાય છે. દરરોજ 75 ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી વધુ ગરમ ચા પીનારાઓમાં ઈસોફેગલ કેન્સરનું જોખમ બેગણું વધી જાય છે. તો બીજી બાજુ ચા પીતા પહેલા 4 મિનિટની રાહ આ જોખમ ઘટાડવાનું કામ કરે છે.