સામાન્ય સભામાં તમામ સભ્યોએ અધિક જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી મિતેશ ભંડેરી સામે ગેરરીતિનાં આક્ષેપોનો મારો ચલાવ્યો: અધિકારી જિલ્લા પંચાયત કચેરીમાં હાજર હોવા છતાં સભામાં ગેરહાજર રહેતા તેઓને સભાખંડમાં બોલાવીને ખુલાસા પુછવાની સભ્યોએ માંગ કરી પરંતુ ડીડીઓએ ન સ્વીકારી
જિલ્લા પંચાયતની આજની સામાન્ય સભામાં ગેરરીતિનાં આક્ષેપો સાથે અધિક જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી મિતેશ ભંડેરીને સરકારમાં પરત મોકલવાનો ઠરાવ પસાર કરવાની સભ્યોએ તૈયારી બતાવી હતી જેમાં તમામ સભ્યો સહમત થયા હતા પરંતુ ડીડીઓ આ ઠરાવથી અસહમત થયા હતા. વધુમાં સામાન્યસભા વખતે આ અધિકારી જિલ્લા પંચાયત કચેરીમાં હાજર હોવા છતાં સભામાં ગેરહાજર રહેતા તેઓને સભાખંડમાં બોલાવીને ખુલાસા પુછવાની સભ્યોએ માંગ ઉઠાવી હતી પરંતુ ડીડીઓએ આ માંગ ફગાવી દીધી હતી.
જિલ્લા પંચાયતની આજરોજ સામાન્યસભા મળી હતી જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન ખાટરીયા, ધારાસભ્યો બ્રિજેશભાઈ મેરજા અને લલિતભાઈ કગથરા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા, જિલ્લા વિકાસ અધિકારી મકવાણા તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. શરૂઆતનાં દિવંગત મહાનુભાવોને મોન પાડીને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી ત્યારબાદ ગઈ સામાન્યસભામાં સામાજીક ન્યાય સમિતિનાં સભ્યોની જે નિમણુક કરી હતી તેને રદ કરવા હરીફ જુથે પોતાની વાત મુકી હતી પરંતુ ખાટરીયા જુથે વરણીની સમગ્ર પ્રક્રિયા નિયમોને આધીન થઈ હોવાનું જણાવીને તેને યથાવત રાખવાનું જણાવ્યું હતું. વરણીને યથાવત રાખવી કે નહીં તેનો નિર્ણય વિકાસ કમિશનર ઉપર છોડીને આગળની કાર્યવાહી ચાલુ કરી હતી ત્યારબાદ સભ્ય ચંદુભાઈ દ્વારા એવો પ્રશ્ર્ન રજુ કરવામાં આવ્યો હતો કે, સામાન્ય સભા પૂર્વે અનેક સભ્યોનાં હજુ એજન્ડા પણ મળ્યા નથી ત્યારે ડીડીઓએ આ એજન્ડા વોટસએપમાં પણ સેન્ડ કરવાનો આદેશ કર્યો હતો. સભ્ય વિનુભાઈ ધડુકે સિંચાઈનાં ૫૦ ટકાથી વધુ કામો બાકી હોવાનો પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો ત્યારે ડીડીઓએ સ્ટાફની અછતનું કારણ દર્શાવીને જલ્દીથી કાર્યવાહી થાય તેવા પગલા લેવા અધિકારીઓને સુચના આપી હતી ત્યારબાદ સભ્ય પરસોતમભાઈ લુણાગરીયા દ્વારા પશુપાલન શાખાની કામગીરી વિશેનો પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો તેના જવાબમાં પણ ડીડીઓએ સ્ટાફની અછતનું કારણ દર્શાવ્યું હતું. વધુમાં તેઓએ કહ્યું હતું કે, જિલ્લા પંચાયતની સતામાં ડ્રેસર અને પટ્ટાવાળાની જ ભરતી થઈ શકે છે માટે એક મહિનામાં તેની ભરતી કરવાની આ કામગીરી હાથ ધરાશે બાકીનાં સ્ટાફની ભરતી કરવા માટે સરકારને દરખાસ્ત કરાશે.
આ પ્રશ્ર્નો બાદ સામાન્ય સભામાં હેતલબેન ગોહેલે અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મિતેશ ભંડેરી સામે ગેરરીતિનાં આક્ષેપો શરૂ કરતા હરીફ અને ખાટરીયા બંને જુથે એક જુથ થઈને અધિકારીઓ સમક્ષ હોબાળો મચાવ્યો હતો. હેતલબેન ગોહેલે જણાવ્યું હતું કે, જસદણ અને વિંછીયા તાલુકાની એકમાત્ર હોસ્પિટલમાં ચિંરજીવી યોજના ચાલતી હતી ત્યાં ડો.મિતેશ ભંડેરીએ આવીને વહિવટ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ જે શકય ન બનતા આ હોસ્પિટલમાંથી ચિરંજીવી યોજના બંધ કરાવી દીધી હતી. આ ઉપરાંત પૂર્વ પ્રમુખ નિલેશ વિરાણીએ પણ કહ્યું હતું કે, સરધાર ગામે પણ આવી જ રીતનાં મિતેશ ભંડેરીએ તોડનો પ્રયત્ન કર્યો હતો પરંતુ જે શકય ન બનતા ત્યાંની હોસ્પિટલમાંથી પણ ચિરંજીવી યોજના બંધ કરાવી દીધી હતી. આ સાથે જ બધા સભ્યોએ એક સાથે તેની સામે ગેરરીતિ, અપમાનજનક વર્તન સહિતનાં આક્ષેપો કરીને તેને સરકારમાં પરત મોકલવા માટે ઠરાવ પસાર કરવાની તૈયારી કરી હતી જેમાં બધા સભ્યોએ પોતાના હાથ ઉંચા કરી સહમતી દર્શાવી હતી પરંતુ સામે ડીડીઓએ અસહમતી દર્શાવી હતી બાદમાં સભ્યોએ એવી પણ માંગ કરી હતી કે, હાલ ભંડેરી જિલ્લા પંચાયત કચેરીમાં હાજર છે પરંતુ સભામાં ગેરહાજર રહ્યા છે જેથી તેને અહીં સભાખંડમાં બોલાવીને તેની પાસેથી ખુલાસા પુછવામાં આવે પરંતુ આ માંગ ડીડીઓએ સ્વિકારી ન હતી અને તપાસ કરવાનું રટણ કર્યું હતું.
સ્વભંડોળમાંથી શહીદનાં પરિવારોનેરૂ.૧ લાખની સહાય અપાશે
સામાન્ય સભામાં આજે એવો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે રાજકોટ જિલ્લાનાં જે જવાન શહિદ થાય તેનાં પરીવારને રૂ.૧ લાખની સહાય સ્વભંડોળમાંથી આપવામાં આવે. આ ઠરાવ સર્વાનુમતે પસાર થયો હતો જેથી હવે રાજકોટ જિલ્લામાં વસતા અને પેરામિલિટ્રી કે આર્મીમાં ફરજ બજાવતા જે જવાન શહિદ થશે તેને જિલ્લા પંચાયતનાં સ્વભંડોળમાંથી રૂ.૧ લાખની સહાય આપવામાં આવશે.
સભ્યો દ્વારા પ્રશ્ર્નોનો ખડકલો, ડીડીઓનો એક જ જવાબ ‘સ્ટાફની અછત’
સામાન્ય સભામાં સભ્યો દ્વારા વિવિધ શાખાને લગતા પ્રશ્ર્નોનો રિતસરનો મારો ચલાવવામાં આવ્યો હતો સામે ડીડીઓ સહિતનાં અધિકારી તરફથી સ્ટાફની અછત છે તેઓ એકમાત્ર જવાબ તેઓને અપાતો હતો. સિંચાઈ-પશુપાલન સહિતની શાખાઓમાં પુરતો સ્ટાફ ન હોવાથી વિકાસ કામોને આડે બાધા આવતી હોવાનું ખુદ ડીડીઓએ કબુલ્યું હતું.
કેશડોલ્સ ચુકવવામાં તા.પં. અને જિ.પં. દ્વારા એકબીજાને ‘ખો’
પડધરીનાં જિલ્લા પંચાયતનાં સદસ્યો ભાનુબેન તળપદાવતી ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ તાજેતરમાં પડેલા ભારે વરસાદને પગલે પડધરીનાં આંબેડકરનગર વિસ્તારમાં ૧૧૬ પરીવારની ઘરવખરી નાશ પામી હતી. આ પરીવારોને કેશડોલ્સ ચુકવવા માટે ગત તા.૧૯ ઓગસ્ટનાં રોજ દરખાસ્ત થઈ હતી. તેમ છતાં હજુ સુધી તેઓને કેશડોલ્સ ચુકવવામાં આવી નથી. આ પ્રશ્ર્નનાં જવાબમાં ડીડીઓએ કહ્યું હતું કે, તેઓએ કેશડોલ્સની કાર્યવાહી તમામ ટીડીઓને સોંપી દીધી છે. ડીડીઓના મોઢેથી આ નિકળેલા શબ્દોને માત્ર પાંચ કે સાત મિનિટ બાદ એક સભ્યએ ટીડીઓનો ટેલીફોનિક સંપર્ક સાધતા ટીડીઓએ કહ્યું હતું કે, કેશડોલ્સની કાર્યવાહી તો જિલ્લા પંચાયતમાંથી જ થઈ શકે છે આમ કેશડોલ્સ ચુકવવામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એકબીજાને ખો આપી રહી હોવાનું જોવા મળ્યું હતું.