“પોલીસે પીક પોકેટરને મેળામાં પકડતા તે ધુણવા લાગ્યો, પણ ફોજદારે પીધેલા પીક પોકેટરને વગર ડાકલે તાંડવ નૃત્ય કરાવતા તેણે સોનાના મુદ્દામાલનો ઢગલો કરી દીધો ! “
આમ તો પોલીસ ખાતામાં અનેક કાર્યો મુશ્કેલી વાળા અને વિકટ હોય છે પણ ખાસ તો કોઈ ગુન્હામાં વોન્ટેડ એટલે કે ગુન્હો કરી નાસી ગયેલા આરોપીઓ શોધવા એ તે સમયે ખુબ મુશ્કેલ કાર્ય હતુ, માનો કે હવામાં તીર મારવા જેવુ હાલના સાયબર યુગમાં તો આરોપીને પકડવો એટલે દોડાદોડીની કોઈ ઝંઝટ નહિ તેને બદલે મોબાઈલ ફોનની કોલ ડીટેઈલોનો બુધ્ધી અને યુકિત પુર્વક ઉપયોગ કરી ટાવર લોકેશન દ્વારા તો છેલ્લી સેકંડે આરોપી કયાં બેઠો છે તે પણ જાણીને તેને મચ્છરની જેમ મસળી શકાય છે. પરંતુ તે સમયે આવી કોઈ સુવિધા ન હતી તેથી પોલીસે અનુમાને આશરે અને બાતમીના આધારે દોડતુ રહેવુ પડતુ વળી અમુક કિસ્સાઓમાં તો આરોપીઓને પકડવા પોલીસને ખુબ મુશ્કેલી પડતી જેમાં આરોપી સાવ કડકો હોય તો તે ગુન્હો કરી બીજી જગ્યાએ મજુરી કામે લાગી જાય એટલે વાત પુરી તે જ પ્રમાણે જો કડકો આરોપી દુરની કોઈ જગ્યાએ બાવો બનીને રહી જાય તો પણ પોલીસ દોડતી જ રહે. બીજુ રખડતી ભટકતી કોમ કે ટોળી હોય તો પણ મુશ્કેલી રહેતી. તે ઉપરાંત કોઈ ગામો સાવ એક જ જ્ઞાતિના અને સંપીલા હોય ફરીયાદી પણ આવા ગામે રહેતો ન હોય અને ઓળખનો કોઈ નામ સિવાય પુરાવો નહોય ત્યારે ખાસ મુશ્કેલી રહેતી સીમ વગડે રહેણાક ધરાવતા આરોપીઓ દિવસના ઘેર નહોય અને રાત્રીના પોલીસ દુર દુર વાહનો ઉભા રાખીને ઝુંપડા નજીક જાય એટલે તેમના પાલતુ કુતરા પોલીસની બાજી ભસીને બગાડી નાખે કુતરૂ ભસે એટલે આરોપી ગમે તે સ્થિતીમાં રફુ ચક્કર થઈ જાય અને પોલીસ ફીફા ખાંડતી રહે.
વળી અમુક આરોપીઓને પોલીસ સિવાય અન્ય હરીફો અને દુશ્મનો પણ વધારે હોય તો તેમના મકાન કે ઝુંપડા ફરતે ખુલ્લુ ઈલેકટ્રીક વાયરીગ કરી તેમાં રાત્રીના વિજ કરંટ પસાર કરતા હોય છે જો કે આવા કિસ્સામાં તો પોલીસ તેમનો તાગ મેળવી જલે. પણ જયાં ગામ આખુ એક સંપીલુ હોય ત્યારે પોલીસના હાથ હેઠા પડે કેમ કે પોલીસ સંબંધીત આરોપી અંગે પુછે તો જનતા જ સામેથી કહી દે કે તેઓ આરોપીને ઓળખતા ની કેટલીક વાર તો આરોપી જ સામે આવીને મળે અને તેને પુછો તો તે પોતે જ કહે આને હું ઓળખતો નથી અને પોતાનું નામ કાંઈક ભળતુ જ બતાવી છે કેટલીક જ્ઞાતિઓમાં તો આરોપીઓને સાચવવાના મહેમાનગતી કરવાનો સામાજીક જ રીવાઝ હોય છે આથી આરોપીઓ છ છ કે બારબાર મહિના પોતાના નજીકના કે દુરના સંબંધી કે કેટલીક વખત જ્ઞાતિ નામે ગુન્હો કર્યા પછી મહેમાન ગતીની મોજ માણતા હોય છે રહે ત્યાં ઓળખ તો જુદી જ આપતા હોય છે આવા કિસ્સામાં પોલીસદળને આરોપી પકડવા ખુબ મુશ્કેલી પડતી અને ન પકડાય કે મોડા પકડાય તો પોલીસ દળ ઉપર માછલા પણ બરાબર ઘોવાતા હતા.
તળાજા પોલીસ સ્ટેશનના આવા ગુન્હો કરી નાસતા ફરતા કે નહિ પકડાતા વોન્ટેડ આરોપીઓની યાદી ખુબ જ લાંબી હતી અને કેટલાક આરોપીઓ ખુબ લાંબા સમયથી પકડવાના બાકી હતા. જયદેવે જોયુ તો આરોપીઓ મોટાભાગે દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારના બોરડા કોદીયા ખારડી વિગેરે ગામોના રહીશ હતા. આ ગામો ‘બ’ વર્ગના નાના અને એક જ જ્ઞાતીની વસ્તીવાળા હતા. દાઠા પોલીસ સ્ટેશનના વોન્ટેડ ગુનેગારોની યાદી જોતા તો તે ખુબજ લાંબી યાદી હતી અને રાયોટીંગ જેવા ગંભીર ગુન્હાઓના આરોપીઓ પણ પકડવાના બાકી હતા. આથી જયદેવે જે તે ગામના તલાટી મંત્રીનો સંપર્ક કર્યો પણ તેઓ સરપંચ ઉપસરપંચ વિગેરે સિવાય કોઈને ઓળખતા ન હતા.
આથી જયદેવે યુકિત કરી કે આ ગામોના તમામ લોકો તાલુકા મથકે દવાખાનાના કામે કે હટાણુ કરવા તો આવવુ જ પડતુ હોય છે. આથી જયદેવે સવારના નવેક વાગ્યે અથવા પાછા ગામડે જવાના સમયે સાડાબાર એક વાગ્યાના સમયે આ ગામોના રસ્તાઓ ઉપર જીપમાં જઈ નાકાબંધી કરી ચેકીંગ ચાલુ કર્યુ. તે રોડ ઉપર જે પણ વાહનો નીકળે તેની કાયદેસર એમ વી એકટ ક. ૨૦૭ મુજબ વાહનો ડીટેઈન કરવાનું ચાલુ કર્યુ. છકડો રીક્ષાઓ બંધ થાય એટલે ગામડાના લોકોના હાથ પગ જ બંધાઈ જાય તેવી હાલત થાય. વળી મોટર સાયકલો તો વર્ષેાથી કોના નામે ચાલે છે તેની તો કોઈ ને ખબર જ ન હોય ! આમ તળાજા થાણામાં આ ગામડાઓના દ્વિચક્રી વાહનો, છકડા રીક્ષાઓ વિગેરે જમા થવા લાગ્યા. કહેવત છે ને કે ” નાક દબાવો એટલે મોઢુ ખુલે તે ન્યાયે જે તે ગામના નેતાઓ દોડયા જયદેવ પાસે અને વિનંતી કરી કે આ રહેવા દેયો બહુ મુશ્કેલી પડે છે જયદેવ જાણતો હતો કે “લોઢુ બરાબર તપે તો જ બરાબર ઘાટ આવે તેથી નેતાઓને તેમના ગામના વોન્ટેડ આરોપીઓની યાદી જ આપી દીધી અને કહ્યુ કે આ લોકોને લાવો અને તમામની મુશ્કેલી દુર કરો. પણ આ નેતાઓને જયદેવની શરત માન્ય ન હતી તેથી તેઓ દોડયા તાલુકા કક્ષાના નેતાઓ પાસે આથી તાલુકાના નેતાઓ આવ્યા પોલીસ સ્ટેશને જયદેવ પાસે અને મીટીંગ કરી મુશ્કેલી દુર કરવા જણાવ્યુ આથી જયદેવે કહ્યુ આતો જેવા સાથે તેવા નો ન્યાય છે આજદીન સુધી પોલીસ દોડી હવે લોકો દોડે. જયદેવે GIVE & TAKE ની ફોર્મ્યુલા રજુ કરી જણાવ્યુ કે આરોપીઓ રજુ કરો અને મુશ્કેલીઓ દુર કરો. પણ ગામડાના નેતાઓને આ શરત માન્ય ન હતી તેમને એમ હતુ કે પોલીસ થોડા દિવસ ઉથલઘડા કરી થાકીને બંધ થઈ જશે. પરંતુ જયદેવનો તો નિયમ હતો કે Arise awake & do not stop till the goal is reached જયદેવે તો હવે દિવસમાં ગમે ત્યારે સાંજના સાડા છ સાત વાગ્યે પણ આ ગામડાઓના રસ્તાઓ ઉપર કેલેન્ડેસ્ટાઈન ઓપરેશનો ચાલુ કરી દીધા.
આખરે તાલુકાના અગ્રગણીઓ જયદેવને મળ્યા અને સમાધાનની ફોર્મ્યુલા રજુ કરી કે ભલે અમે તળાજા પોલીસ સ્ટેશનના આરોપીઓ રજુ કરી દઈએ પરંતુ દાઠા થાણાનો વહિવટ અમે અમારી રીતે. બારોબાર કરી લઈશુ. જયદેવને ખ્યાલ હતો જ કે આટલા વર્ષોથી કોઈ આરોપીઓ તળાજા તો શું દાઠામાં પણ રજુ થયા નથી કે પકડાયા નથી કે દાઠા પોલીસ પકડી શકી નથી તો અત્યારે આ જ નાક દબાવવાનો બરાબર મોકો છે. તેથી તેણે આવી કોઈ શરતને બદલે દાઠા તળાજા બને બંને પોલીસ સ્ટેશનના આરોપીઓ રજુ કરવા મક્કમ રહેતા આ અગ્રગણીઓએ લગભગ આઠ-દસ નાસતા ફરતા આરોપીઓ તળાજા ખાતે રજુ કર્યા.જેમાં અમુક આરોપીઓ તો દાઠા પોલીસ સ્ટેશનમાં બાર તેર વર્ષ પહેલા દુષ્કાળ પડેલો તે સમયથી રાયોટીંગ જેવા ગંભીર ગુન્હામાં વોન્ટેડ હતા. બાર તેર વર્ષ પહેલા સમગ્ર રાજયમાં કારમો દુષ્કાળ પડેલો આથી સરકારે ગામડે ગામડે રાહત કર્યો શરૂ કરેલા તેમાં આ ગામડાઓમાં ચાલતા રાહત કાર્યો મામલતદાર, ટીડીઓ ચેક કરવા જતા ત્યાં રાહત કામમાં પણ જબરૂ કૌભાંડ ચાલતુ હતુ તે પકડી પાડી તેમણે રાહત કામ મજુરોના હાજરીના મસ્ટર રોલ વિગેરે કબ્જે કરતા આ આરોપીઓએ તેમની ઉપર પણ હુમલો કરી રાયોટીંગ ફુલ્લડ કરી રજીસ્ટરો વિગેરે આંચકી લઈ ફાડી નાખી ફરજ દરમ્યાન હુમલો ઈજા ફરજમાં રૂકાવટ વિગેરે કરેલ તે ગુન્હાઓમાં વોન્ટેડ હતા. જયદેવે તમામ આરોપીઓને ધોરણસર અટક કરી એેરેસ્ટ રજીસ્ટર સ્ટેશન ડાયરીમાં નોંધ કરી અને પોલીસ વડાને આ વોન્ટેડ આરોપીઓ પકડયાની બાબતથી વાકેફ કર્યા. ભાવનગર જિલ્લા પોલીસ વડાને નવાઈએ લાગી કે આટલા બધા લાંબા સમયના વોન્ટેડ આરોપીઓ એકી સાથે કેવી રીતે પકડયા ? જયદેવે વિગતવારની માહિતી આપી જણાવ્યુ કે યુકિતપુર્વક નાક દબાવતા આ લોકો રજુ થયા છે આથી પોલીસવડાએ જણાવ્યું કે તમામ ગુન્હાઓ માટે ઈનામ પત્રકો ભરી મોકલો આથી જયદેવે થાણામાં નિષ્ઠાપુર્વક કામ કરતા કર્મનિષ્ઠ જવાનોના નામ સાથે ઈનામ પત્રકો ભરી મોકલતા પોલીસવડાએ રોકડ ઈનામો અને પ્રશસ્તિ પત્રોની નવાજેશ કરેલી.
શ્રાવણ મહિનો એટલે ભગવાન મહાદેવ શિવનો પુજા આરાધનાનો મહિનો લગભગ આખા સૌરાષ્ટ્રના શિવાલયોમાં શ્રધ્ધાપુર્વક રૂદ્રાભિષેક અને પુજાનો ઘંટારવ સમગ્ર મહિના દરમ્યાન ચાલે છે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ એટલે કે ભાદરવી અમાસ આ દિવસે લગભગ તમામ શિવાલયો ખાતે લોકો ખાસ દર્શન પુજા માટે જતા હોય છે આથી તમામ શિવાલયો ઉપર મેળો યોજાય જતો હોય છે. શિવાલય આજુબાજુના વિસ્તારોમાં મેળાના વિવિધ સ્ટોલો, તંબુઓ, ફજેત ફાળકા, ચકરડીઓ લાગી ગાય અને અમુક મોટા પ્રસિધ્ધ શિવાલયો ખાતે તો દુર દુર ગામડેથી પણ લોકો ઉમટી પડે છે ભાવનગર વરતેજ પોલીસ સ્ટેશનના કોળીયાકના દરીયાકાંઠે તેમજ વરતેજ ગામે આખલોલ નદી પાસે ગંગનાથ મહાદેવનો મેળો યોજાય છે. જેમાં કોળીયાકનો નિષ્કલંક મહાદેવનો મેળો અદ્ધિતીય છે કેમકે આ મહાદેવનું શિવલીંગ દરીયાના પાણીમાં છે જયારે પુનમ અમાસની મોટી ભરતી ઓટ દરીયામાં આવે ત્યારે ઓટના સમય પુરતુ આ નિષ્કલંક મહાદેવનું શિવલીંગ પાણીની બહાર રહે અને લોકો તેના દર્શન કરી શકે ફરી ભરતી શરૂ થાય એટલે લીંગ પાછુ પાણીમાં ડુબી જાય ! વરતેજ આખાલોલ ખાતેનો મેળો શહેરીમેળો થઈ જાય છે.
તે પ્રમાણે મોટો ગ્રામ્યમેળો તળાજા તાલુકાના દરીયાકાંઠે આવેલા ગોપનાથ મહાદેવ ખાતે પણ ભરાય છે જયાં લોકોની ભીડ એકઠી થાય ત્યાં ભીડનો લાભ લેવા માટે ચોરો અને ઠગો પણ આવી જતા હોય છે. આમ તો મેળામાં ખાસ કરીને પીક પોકેટીંગના અને ચીલઝડપના ગુન્હા બનતા હોય છે પરંતુ તળાજા તાલુકાની તાસીર એવી હતી કે આવા જાહેર મેળામાં જ પક્ષકારો જુના વાંધા વચકા અને હિસાબો વેરઝેરના ચુકતે કરતા હતા. ભલે પછી તેઓ રહીશ કોઈ દુર ગામડાના હોય ! આ વેરઝેરના હીસાબની ચુકવણીમાં ભુતકાળમાં ગોપનાથ નાથ મેળામાં કેટલીક વખત ખુના મરકી પણ થયેલી. આ ગોપનાથ મંદિર આમ તો દાઠા ફોજદારનું જયુરીડીકશન હતુ પણ આવા સંજોગોને કારણે ખાસ તો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારના તોફાની ગામોના લોકો પણ મેળામાં આવતા હોય તળાજા ફોજદાર જયદેવને પણ ગોપનાથ મેળા બંદોબસ્તમાં આવવાનું થયુ.
જયદેવે તેની આગવી પધ્ધતી મુજબ જ મેળાના પ્રવેશ દ્વારા ઉપર મજબુત જવાનો ગોઠવી અને બાકીના જવાનોને સાથે લઈ મેળામાં ફરી તે હથીયારબંધી જાહેરનામાનો કડક અને ચુસ્ત અમલ કર્યો. મેળો મહાલવા આવેલ અમુક ઈસમો કાયદાની અજ્ઞાતાને કારણે અને અમુક ઈરાદાપુર્વક દેશી હથીયારો ધારીયા, કુહાડીઓ, લાકડીઓ, ડાંગો, ધોકોઓ, ચાકા, છરી-છરા વિગેરે ધારણ કરીને આવેલા તે આમ તો બી.પી. એકટ ક. ૧૩૫ મુજબ કે આઈ પી.સી. ક. ૨૮૮ મુજબ ફોજદારી ગુન્હો બને પરંતુ આવડા મોટા માનવ મહેરામણ સામે મર્યાદીત પોલીસ જવાનો થી કાયદેસર કાર્યવાહી વ્યવહારીક રીતે શકય બને નહિ તેથી તમામ પાસેથી આ શસ્ત્રો જ કબ્જે કરી ઢગલા કરી દીધા. આથી જે ઈસમો ગુંડા ગીર્દી કરવા કે મેળામાં રોલો પાડવા આવેલા તે નરમ ઘેંશ જેવા થઈ ગયા.
આ પ્રમાણે બપોરના એક વાગ્યા સુધી જયદેવે ઝુંબેશ કરતા મેળામાં પોલીસની બરાબર ધાક બેસી ગયેલી. બપોરનું જમવાનું મેળાથી એકાદ કિલોમીટર દુર આવેલ રાજાશાહી વખતનો ડાક બંગલો કે હવામહેલ કે જેની માલીકી ભાવનગર સ્ટેટની છે ત્યાં આ ડાકબંગલાનો ચોકીદાર જ દેશી ખાણુ સરસ અને સ્વાદિષ્ટ બનાવતો. આથી જયદેવે ડાક બંગલો કે જે દરીયાકાંઠે પર્વતની ભેખડ ઉપર હતો ત્યાંજ ભોજન લીધુ અને ત્યાં બેસીને દરીયાની હવા અને કુદરતી મનોરમ્ય વાતાવરણની મોજ માણતો બેઠો હતો. આથી દાઠા ફોજદારે જયદેવને કહ્યુ સાહેબ તમે થોડો વખત અહિં આરામ કરો. હું મેળામાં એક ચકકર મારતો આવુ છુ. પરંતુ જયદેવનો નિયમ હતો કે સંવેદનશિલ બંદોબસ્ત કે કાર્યક્રમમાં જરા પણ ગેરહાજરી હોવી નહિ જોઈએ. આથી તે પણ મેળામાં જવા તૈયાર થયો પરંતુ તળાજા ડીસ્ટાફના કોન્સ્ટેબલ વાળાએ કહ્યુ સાહેબ અમે બધા દાઠા ફોજદાર સાહેબ સાથે જ જઈએ છીએ તમે થોડો સમય અહિં આરામ કરો, જો એવુ કાંઈ હશે તો અમે તુરત જ તમને બોલાવી લઈશુ અને તેઓ ગયા.
ત્યાં મેળામાં રાજકોટ જિલ્લાની પીક પોકેટર ગેંગ આવી ગયેલી. આ ગેંગે જોયુ કે આ લોકોના ખીસ્સા કરતા ગળા વધારે ગરમ છે નાના નાના બાળકોને ગામડાના લોકો લાડકોડ અને ધાર્મિક દૃષ્ટિએ રક્ષા માટે ગળામાં ૐ કાર , ત્રિશુળ, માદળીયા અને ડોડીઓ જે સોનાની હોય છે તે કાળા દોરામાં પરોવી ને પહેરાવે છે જે સરકાવા સહેલા હતા અને કિંમતી પણ હતા તે સરકાવાનો શિકાર ચાલુ કર્યો પણ એક દસેક વર્ષના છોકરા ઉપર આ શિકારી ગેંગે હાથ નાખતા તેણે દેકારો કર્યો. મેળામાં તો ટોળુ જમા થતા શું વાર લાગે ? પરંતુ પોલીસ તુરત ત્યાં પહોંચી ગઈ અને આરોપીની ધોલાઈ થતી રોકી દીધી. પરંતુ ટોળકીના અન્ય સભ્યો ટોળાની ગીર્દીનો લાભ લઈ નાસી છુટયા એક બકરો હાથમાં આવી ગયો કોન્સ્ટેબલ વાળાએ બુધ્ધીનું કામ કર્યુ કે આારોપી પાસે શું હથીયાર છે તે ચેક કરવા ઝડતી કરતા તેના ખીસ્સામાંથી ખોબો જારીને સોનાના ૐ, ત્રિશુળ, માદળીયા, ડોડીઓ વિગેરે મળી આવ્યા. આથી વાળાએ તે કબ્જે કરી આરોપીને ટોળાથી દુર લઈ જઈ દાઠા ફોજદાર સમક્ષ રજુ કર્યો. દાઠા ફોજદારે આરોપીની કડકાઈ થી પુછપરછ કરવા તેની સામે હજુ હાથ જ ઉંચો કર્યો ત્યાં આ આરોપી ઘુણવા લાગ્યો અને પંડયમાં ઓતાર આવ્યો હોય તેમ હાંકલા પડકારી કરી તમામને ધાર્મિક અને ઈમોશનલી મનોવૃતિક દબાણ લાવવા પ્રયત્ન કર્યો કેમ કે છટકીને ભાગી જવાય કેમ કે વળતો હુમલો તો થઈ શકે તેમ નહતો. દાઠા ફોજદારને થયુ કે આ મેળામાં ધાર્મિક લોકો જ આવ્યા હોય નાહક બીજી લપમાં કયાં પડવુ તેમ વિચારીને તેમણે કોન્સ્ટેબલ વાળાને કહ્યુ કે આ આરોપીને તમારા ફોજદાર સાહેબ પાસે જ રજુ કરો અને બધુ રાવણુ, ફરીયાદી તથા ધુણતા આરોપીને લઈ ડાક બંગલે આવ્યુ.
આ ટોળુ દુરથી આવતુ જોઈને જ જયદેવ સમજી ગયો કે ચિલઝડપ થઈ લાગે છે આથી તે પણ ટટ્ટાર થઈને તૈયાર થઈ ગયો. દાઠા ફોજદારે જયદેવને ટુંકમાં વાત કરી આરોપીને તો ઓતાર ચડી ગયાનું જણાવ્યુ. જયદેવ આવા ધતિંગ, ઢોંગ, મેલી વિદ્યા, અંધ શ્રધ્ધા, લોકોની મનોવૃતિનો બરાબર જાણકાર હતો. પરંતુ જયાં સુધી જાહેર જનતાનું હિત જોખમાય નહિ ત્યાં સુધી કોઈની આસ્થા અને શ્રધ્ધા ને તે ડગાવતો નહિ.
જયદેવ એમ તો ઘણી વખત નાઈટ રાઉન્ડ દરમ્યાન તળાજાના ગેસ્ટ હાઉસો ચેક કરતો ત્યારે તેમાં સૈન્યના મોટા હોદ્ાવાળા અફસરો, અન્ય રાજ્યોના સચિવો, એક વખત તો ઉત્તરપ્રદેશના મેજીસ્ટ્રેટ પર ગેસ્ટ તરીકે આવેલા. આ તમામને તળાજા આવવાનું પ્રયોજન પુછતા તેઓ જે જવાબ આપતા તેના થી તે આશ્ર્ચર્ય ચકિત થઈ જતો. તલાજાના પાદરમાં જ એક નાનુ ગોરખી ગામ હતુ. તેમાં હજુ થોડા વર્ષ પહેલા જ એક ચમત્કારીક માજી થઈ ગયેલા આમ તો માજીએ જીંદગી ભર દાયણનું કામ કરેલ અરે તેઓ અભણ હતા પરંતુ જીંદગીના ઉત્તરાર્ધમાં તેઓ ચમત્કારીક તરીકે પ્રસિધ્ધ થયેલા કે તેઓ જે સ્ત્રીને સંતાન ન હોય તેને સંતાન આપે છે. આમ તો વાતમાં કોઈ દમ ન હતો પણ માજી આવા જરૂરીયાતવાળા લોકોને સાકર દુધ અને ઈલાયચી નાખીને પીવાનું સુચન કરતા જો કે માજીને ગુજરી ગયે ચાર-પાચ વર્ષ થયેલ છતા હજુ દુર દુરથી આવા મોટા અધિકારીઓ પણ સંતાનની લાલચે આવતા પણ જયદેવ તેમની આસ્થા કે શ્રધ્ધા ને દુ:ખ લાગે કે અપમાન લાગે તેવો કોઈ વ્યવહાર તેમની જોડે કરતો નહિ.
પરંતુ આ કિસ્સામાં તો જયદેવ માટે હવે પાર્થને કહો ચઢાવે બાણ હવે તો યુધ્ધ એ જ કલ્યાણ તે ન્યાયે આરોપી સાથે ભલાઈ થી કામ થઈ શકે તેમ ન હતુ. તેથી આરોપીને ઉંચકીને જયદેવે વગર ડાકલે તાંડવ નૃત્ય કરાવતા જ પાડો ખીલે આવી ગયો તેણે ભુલ કબુલ કરી લીધી. તેના મોઢામાંથી દારૂ પીધેલ ની વાસ પણ આવતી હતી. મોટાભાગના ખીસ્સા કાતરૂઓ દારૂ પીધા પછી જ ગુન્હા કરતા હોય છે. આરોપી એ કહ્યુ કે પોતે ભાવનગરથી તલાજા આવવા બસમાં ચડયો ત્યાં થી જ આ કળા ચાલુ કરી દીધી હતી. તળાજા બસ સ્ટેન્ડમાં થોડુ કામ ઉતારેલ પછી અહિં મેળામાં થોડુ કામ કર્યુ અને પકડાઈ ગયો.
જયદેવે દાઠા ફોજદારને આરોપી વિરૂધ્ધ ક્રીમીનલ પ્રોસીજર કોડ કલમ ૪૧(૧ ડી) મુજબ કાર્યવાહી કરી ક ૧૦૨ મુજબ તમામ મુદામાલ પંચનામુ કરીને કબ્જે કરવા કહેતા દાઠા ફોજદારે કહ્યુ સાહેબ મને આ લપ રહેવા દયો હું થાકેલો છું અને બંદોબસ્ત લાંબો ચાલવાનો છે આરોપી પાસેથી મુદામાલ લઈ ફરીયાદીને આપીને બંને ને રવાના કરી દઈએ. આથી જયદેવે કહ્યુ અરે તેમ કાંઈ ચાલતુ હશે ? પછી વિચારીને જયદેવે તેના રાયટર અડેલાજીને કહ્યુ આ આરોપીની ક્રીમીનલ પ્રોસીઝર કોડ ક. ૪૧(૧ ડી) ૧૦૨ મુજબની કાર્યવાહી તળજાા એસ.ટી. બસ સ્ટેન્ડની બતાવી દો અને આ ફરીયાદીની ફરીયાદ લઈ દાઠા પોલીસ સ્ટેશન તરફ મોકલી આપો, બાકીની કાર્યવાહી પછી જોયુ જાશે. રાયટર અડેલાજીએ તાત્કાલીક કાગળો બનાવ નાખ્યા અને જીપ તળાજા મોકલીને કાર્યવાહી પુરી કરી.
તળાજા પોલીસ સ્ટેશનમાં ત્યાંના બસ સ્ટેન્ડમાં બનેલ બે ચીલઝડપ માદળીયા, ત્રિશુળ,ૐ ની ફરીયાદો થયેલ જ હતી. આરોપીને તે ગુન્હામાં પકડી દાઠા પોલીસને પણ જાણ કરી અને બાકીના માદળીયાઓ અંગે ન્યુઝ પેપરમાં જાહેરાત આપી જો કોઈના
બાળકોના આવા માદળીયા ચોરીમાં ગયા હોય તો તળાજા પોલીસનો સંપર્ક કરવા જણાવતા થોડા દિવસોમાં બીજી પણ ફરીયાદો દાખલ થઈ અને આ ગુનેગાર ઠગ કે ભુવો લાંબો સમય જુદા જુદા પોલીસ સ્ટેશનોની હવા ખાતો રહેલો.