આર.કે. યુનિવર્સિટી દ્વારા હોકાથોન અને ઝુમ્બાનું કરાયું આયોજન
વર્લ્ડ ફિઝીકલ થેરાપી ડે અનુલક્ષી રાજકોટ ખાતે આર.કે.યુનિવર્સિટી દ્વારા ફિઝીયોથેરાપી ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે આર.કે. યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ તથા શિક્ષક મિત્રો ખાસ ઉપસ્થિત રહી વહેલી સવારે આવતા રાહદારીઓને ફિઝીયોથેરાપીનું મહત્વ સમજાવ્યું હતું અને શરીરને સ્વસ્થ કઈ રીતે રાખી શકાય તે માટે સુચનો પણ આપ્યા હતા.
આ તકે રાજકોટ શહેર ટ્રાફિક બ્રિગેડનાં જવાનો માટે આર.કે.યુનિવર્સિટી દ્વારા એક વિશેષ ઝુમ્બા સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જે રાજકોટ સીટી પોલીસ હેડકવાર્ટરનાં પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયું હતું જેમાં ટ્રાફિક બ્રિગેડનાં અનેકવિધ ટ્રાફિક જવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ઝુમ્બામાં સહભાગી પણ થયા હતા. આ તકે આર.કે.યુનિવર્સિટીનાં ફેકલ્ટી ઓફ મેડીસીનનાં ડીન ડો.પ્રિયાંશુ રાઠોડે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ૨૧મી સદીમાં લોકોએ વેલનેસ ઉપર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જો લોકો આ કાર્ય કરવામાં સફળ થશે તો લોકોને જે સ્વાસ્થ્યને લઈ તકલીફો ઉદભવિત થઈ રહી છે તે નહીં થાય અને તેઓ સ્વાસ્થ્યપૂર્વક તેનું જીવન જીવી શકશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, લોકોનાં મગજમાં શારીરિક સ્વાસ્થ્ય તે એક જવાબદારી માનતા હોય છે અને તેઓ વેલનેસ થકી આગળ વધવાના બદલે ખોટી પઘ્ધતિ અપનાવી કાર્ય કરે છે પરંતુ જો યોગ્ય રીતે તેની સાર સંભાળ લેવામાં આવે તો લોકોનું સ્વાસ્થ્ય સારામાં સારી રીતે જળવાય રહેશે. આ તકે ઈવેન્ટ કોર્ડીનેટર ડો.નીધિ વૈદએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ફિઝીયોથેરાપી તે માત્ર શારીરિક સ્વસ્થતા નહીં પરંતુ શરીરને માનસિક રીતે સ્વસ્થ રાખવાનું કાર્ય કરે છે. રાજકોટનાં લોકોને વધુને વધુ સ્વાસ્થયપૂર્ણ રહેવા માટે આર.કે.યુનિવર્સિટી દ્વારા આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરનો ટ્રાફિક બ્રિગેડ દિન-પ્રતિદિન તેની જવાબદારી નિભાવવામાં પોતાનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતા નથી ત્યારે તેઓને સ્વસ્થ રાખવા માટે એક વિશેષ ઝુમ્બા સેશનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડાન્સ સાથે એકસસાઈઝ કરવાથી તેઓનું શરીર હળવું થશે અને તેઓ તેમની કામગીરીમાં પણ ચુસ્તપણે કાર્ય કરી શકશે. દર વખત આર.કે.યુનિવર્સિટી એક નવતર પ્રયોગની સાથે વર્લ્ડ ફિઝીકલથેરાપી ડે મનાવતું હોય છે ત્યારે આ વખતે વોકાથોન અને ઝુમ્બાનું આયોજન કરવામાં આવ્યું છે.