ગોંડલ સરસ્વતી શિશુમંદિરમાં પૂ. ભાઈ રમેશ ઓઝાનો વાલી પ્રબોધન કાર્યક્રમ યોજાયો
ગોંડલના રામજીમંદિરે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલી રહી છે. પૂજ્ય ભાઈશ્રી એ આધ્યાત્મિક જગતમાં તપોનિષ્ઠ, ભારતીય સંસ્કૃતિ સંવર્ધકની સિદ્ધિ પ્રસિદ્ધિ તો મેળવી જ છે, સાથે સાથે શિક્ષણની નવી દિશાનું નિદર્શન કરતા શિક્ષણ શિલ્પી પણ તેઓ છે.શિશુમંદિર પણ ભારતીય સંસ્કૃતિનાં સંરક્ષક અને સંવર્ધન માટે કામ કરતી અખિલ ભારતીય સંસ્થા છે. શિશુમંદિરમાં અભ્યાસ કરતા બાળકોનાં માતાપિતાનાં શૈક્ષણીક માર્ગદર્શન માટે પૂજ્ય ભાઈશ્રીનો વાલી પ્રબોધન નો કાર્યક્રમ કડવા પટેલ સમાજ ગોંડલ ખાતે યોજાઈ ગયો. કાર્યક્રમની શરૂઆત પાર્થભાઈ અને વિદ્યાર્થીઓની સંગીતમય સરસ્વતી વંદનાથી થઇ. ત્યારબાદ, પૂજ્ય ભાઈશ્રી નું ફૂલહારથી સ્વાગત ટ્રસ્ટનાં પ્રમુખશ્રી ઉમેદસિંહ હેરમા તથા પ્રધાનાચાર્ય શ્રી યોગેન્દ્રસિંહ ઝાલાએ કર્યું. પૂજ્ય ભાઈશ્રીએ પોતાના પ્રબોધનમાં વિદ્યાર્થીઓને નાસીપાસ થયા વગર આત્મવિશ્વાસ અને એકાગ્રતાથી અભ્યાસ કરવાનું આહવાન કર્યું. શિક્ષકોને અપડેટ રહેવાનું આહવાન કર્યું. તેમણે વાલીઓને કહ્યું કે, બાળક મોબાઈલનાં મેમરીકાર્ડ જેવું છે. મેમરીકાર્ડ અલગ અલગ જી.બી. નું આવે, અને એ જી.બી. પ્રમાણે તેનામાં માહિતીનો સંગ્રહ કરી શકાય. જો જી.બી. કરતા વધારે માહિતી નાખવાનો પ્રયત્ન કરીએ તો મોબાઇલ હેન્ગ થાય. તેથી દરેક બાળકની ક્ષમતા પ્રમાણે તેની પાસેથી કામ લેવું.
આ સાથે દરેક વ્યક્તિએ પર્યાવરણની જાળવણી માટે ૬ વૃક્ષોનું વાવેતર કરવું તે પણ ટકોર કરી. અંતમાં, તેમણે કહ્યું કે, વર્તમાન સમયમાં શિક્ષણની સાથે ભારતીય સંસ્કૃતિનાં સંરક્ષણ અને સંવર્ધન માટે કામ કરતી સાંદિપની વિદ્યા નિકેતન તેમજ શિશુમંદિર જેવી સંસ્થાઓની સમાજમાં ખાસ જરૂર છે. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શ્રી સંજયસિંહ ઝાલા એ કર્યું.
આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે ગોંડલનાં જાણીતા મનોચિકિત્સક ડો.ચિરાગભાઈ સાતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમનું સ્વાગત મહેશભાઈ ચવાડીયા દ્વારા થયું. અંતમાં શાંતિમંત્ર બાદ વાલી પ્રબોધન કાર્યક્રમ પૂર્ણ થયો.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર શિશુમંદિર પરિવારની ટીમે ખુબજ જહેમત ઉઠાવી.