કાશ્મીરી રુકૈયા મકબુલે મધુર સ્વરે જપ સાધના કરાવતાં લીન-તલ્લીન બન્યા કોલકતાના ભાવિકો
પ્રભુના નામસ્મરણ સાથે જીવનનો અંત અને અનંત ભવ સુધારી લેવાના બોધ તેમજ વિનયભાવ અને અવિનયભાવની આપણા જીવનમાં થતી ઘેરી અસરનો બોધ આપીને રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના છઠ્ઠા દિવસે કોલકાતાના હજારો ભાવિકોને પોતાનાં જીવનમાં વડીલો પ્રત્યે થઈ ગયેલાં અવિનય બદલ કાન પકડીને ક્ષમા પ્રાર્થના કરાવતાં અત્યંત સંવેદનશીલ દ્રશ્યો સર્જાયાં હતાં.
પારસધામ સંઘ કોલકાતાના ઉપક્રમે રાષ્ટ્રસંત પૂજ્ય ગુરૂદેવના સાંનિધ્યે ભાવ-ભક્તિ, તપ-ત્યાગ અને સાધના-આરાધના દ્વારા દીપી રહેલાં પર્વાધિરાજ પર્વના છઠ્ઠા દિવસે પૂજ્ય ગુરૂદેવની પ્રેરણાથી એક જ દિવસે, અનેક સ્થાન પર નમસ્કાર મહામંત્રની જપ સાધના દ્વારા વિશ્વશાંતિ પ્રસારણના અનુરોધ સ્વરૂપ આજના દિવસે કોલકાતા, રાજકોટ, અમદાવાદ, મુંબઈ આદિ અનેક અનેક ક્ષેત્રોમાં હજારો ભાવિકો દ્વારા નમસ્કાર મહામંત્રની જપ સાધના કરવામાં આવી હતી. વિશેષમાં રાષ્ટ્રસંત પૂજ્ય ગુરૂદેવના સાંનિધ્યે આ અવસરે કાશ્મીર નિવાસી એવા રુકૈયાજી મકબુલ જે કાશ્મીરની સેવાભાવી સંસ્થા ‘સરહદ’ સાથે જોડાયેલાં છે તેઓએ વિશેષ ભાવે ઉપસ્થિત રહીને અત્યંત મધુર સ્વરે, સૂફી રાગમાં નમસ્કાર મહામંત્રની જપ સાધના કરાવતાં વિશાળ જન સમુદાય સાધનામાં લીન-તલ્લીન બની ગયો હતો.
આ અવસરે બોધ વચન ફરમાવતાં પૂજ્ય ગુરુદેવએ સમજાવ્યું હતું કે, જીવનભર પ્રભુપાત્રને જેણે પ્રેમ કર્યો છે એનો અંત સુધરી જતો હોય છે અને જેનો અંત સુધરે છે એનો અનંતકાળ સુધરી જતો હોય છે. સ્વાર્થી સંબંધો હંમેશા મૃત્યુને બગાડી દેતાં હોય છે, પરંતુ પરમાર્થી સ્વજન હંમેશા મૃત્યુને સુધારી દેતાં હોય છે. બીજાનું મૃત્યુ બગાડનારા આ જગતમાં અનેક લોકો વચ્ચે જે આત્માઓ બીજાનો અંત સમય સુધારે છે, બીજાનું મૃત્યુ સુધારે છે એને મૃત્યુનું પણ મૃત્યુ એટલે કે નિર્વાણપદની પ્રાપ્તિ થતી હોય છે.
ઉપરાંતમાં પ્રેરણાત્મક નાટિકા સાથે આ અવસરે વિનય અને વર્તન ધર્મની સમજ આપતાં પૂજ્ય ગુરુદેવએ સમજાવ્યું હતું કે, આપણને મળતી દરેક અશાતા તે આપણી જ કરેલી અશાતનાનું પરિણામ હોય છે. જે પોતાના સ્વજનને કદી સુખી નથી કરતાં એને પરમાત્મા પણ કદી સુખી નથી કરી શકતાં. જે પોતાના વડીલોની વાતને સહન નથી કરતાં, જે અણગમો કરે છે, તે અશાતના કરતાં હોય છે અને જે આશાતના કરે છે તે સ્વયંની જ અશાતાને આમંત્રણ આપતાં હોય છે.
પર્વના છઠ્ઠા દિવસે સંઘપતિ રમેશ જ્વેલર્સના સોની પરિવારના રમેશભાઈ પારેખ પરિવાર દ્વારા માંગલિક પ્રતિકો સાથે ગુરુભગવંતના કરકમલમાં જ્ઞાનપોથી અર્પણ કરવાના અહોભાવભીના દ્રશ્યો તેમજ કોલકત્તાના ગરીબ પરિવારો માટે ભાવિકોએ કરેલાં રમકડાં અને ઘડિયાળ અનુદાન સાથે એક યાદગાર અવસર કોલકત્તાના ઇતિહાસમાં નોંધાયો હતો. આ અવસરે રાજકોટના શિલ્પા જ્વેલર્સ અને કોલકત્તાના રમેશ જ્વેલર્સના રમેશભાઈ પ્રભુદાસભાઈ તરફથી તેમના ભાઈ જયસુખભાઈની સ્મૃતિમાં એક એકર જગ્યા પાંજરાપોળ માટે જાહેર કરીને ૨૧ લાખ રૂપિયાનું અનુદાન અર્પણ કરતાં સર્વત્ર હર્ષોલ્લાસ છવાયો હતો.