૫૦ લોકો ઘાયલ: બે પ્રચંડ વિસ્ફોટ થયા જેનાં અવાજથી સમગ્ર વિસ્તાર ફફડી ઉઠયો
મહારાષ્ટ્રના ધુલેમાં આજે મોટી દુર્ઘટના ઘટી છે. ધુલેમાં એક કેમિકલ ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો જેમાં ૨૦ લોકોના મોત થયા અને ૫૦થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.
હાલ બચાવ કામગીરી હજુ પણ ચાલી રહી હોવાનાં અહેવાલો મળી રહ્યા છે.
મળતી માહિતી મુજબ આ ભીષણ વિસ્ફોટ ધુલે જિલ્લાના શિરપુરમાં થયો છે.
જ્યાં એક કેમિકલ ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થવાના કારણે ૨૦ જેટલા લોકોના મોત થયા છે.
૫૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ ફેક્ટરીમાં હજુ પણ ૭૦ જેટલા લોકો ફસાયેલા છે. ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરાઈ રહ્યાં છે. વિસ્ફોટ બાદ ફેક્ટરીમાં આગ લાગી ગઈ જેના કારણે લોકો ફસાયા છે.
ઘટનાની જાણકારી મળતા જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ત્યાં પહોંચી છે અને રાહત કાર્ય માટે પણ પ્રશાસન તરફથી ટીમો મોકલવામાં આવી છે.
ફાયરની ગાડીઓ આગ કાબુમાં લેવા માટે તનતોડ મહેનત કરી રહી છે.
જાણકારી મુજબ વિસ્ફોટ એટલો ભીષણ હતો કે તેનો અવાજ અનેક કિલોમીટર સુધી સંભળાયો હતો. આ વિસ્ફોટના કારણે વિસ્તારમાં દહેશત અને અફરાતફરીનો માહોલ છે.
સ્થાનિકોના મતે આ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો ત્યારે ૧૦૦થી વધુ લોકો તેમા કામ કરી રહ્યા હતા. જેથી મૃત્યુઆંક વધે તેવી સંભાવના છે.
૧૦૮ની ૨૫ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે રાહત કામગીરીમાં જોડાઈ છે. ત્રણ જિલ્લા ધુલે, જલગાંવ અને નંદુરબાર તથા મધ્યપ્રદેશની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે છે. અત્યાર સુધી બે પ્રચંડ વિસ્ફોટ થયા છે.