કસ્તુરબા ધામ-ત્રંબામાં ભાદરવી અમાસના મેળાનું ઉદ્ઘાટન કરતા મંત્રી કુંવરજીભાઇ બાવળિયા: ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે શિશ ઝૂકવતા મંત્રી
ત્રંબકેશ્ર્વર મહાદેવ મંદિર અને ત્રિવેણીધાટના વિકાસ માટે વિવિધ કામો યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા હાથ ધરાયા છે
રાજકોટ તાલુકાના કસ્તુરબાધામ ત્રંબા ખાતે ભાદરવી અમાસ નિમિત્તે ત્રંબ્કેશ્વર મહાદેવના સાનિંધ્યમાં યોજાયેલ મેળાનું ઉદઘાટન રાજ્ય પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ કર્યુ હતું.
કસ્તુરબાધામમાં મેળાના આયોજકો અને ગ્રામજનોનો મેળાના સુંદર આયોજન માટે અભિનંદન પાઠવી મંત્રીએ જણાવ્યું હતું. કે, ભાદરવી અમાસના પિતૃઓના તર્પણ માટે ભાવિકો ત્રંબા આવીને મેળાની મજા માણે છે. આ ઐતિહાસિક-પૌરાણિક સ્થળમાં ૩૦ વર્ષથી મેળાનું આયોજન થઇ રહ્યું છે. આ મેળા થકી ભાઇચારો-બંધુત્વ એકતાનો ભાવ દર્શાવે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સૌરાષ્ટ્ર માટે સૌની યોજનાનું નર્મદાનું પાણી અહીં રાજકોટ સુધી પહોંચાડયું છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની રાહબરી હેઠળ આ ત્રિવેણી ઘાટમાં સતત પાણી વહેતુ રહેશે. અને આ સ્થળને વધુને વધુ વિકસાવવામાં આવશે. ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયાએ જણાવ્યું હતું. કે, આ મેળા થકી લોકો ભગવાન મહાદેવના સાનિધ્યમાં આનંદ પ્રાપ્ત કરી રહ્યા છે. તેમને માર્ગ માટે રૂા.૫ લાખ તેમની ગ્રાન્ટમાંથી ફાળવ્યા હતા. ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ જણાવ્યું હતું કે, ત્રંબાના આ મેળામાં મોટી સંખ્યામા ભાવિકો ઉમટયા છે. આ મેળો આપણી સંસ્કૃતિને જીવંત રાખી રહયાં છે.
ભાજપ પ્રવક્તા અને ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડના પૂર્વ વાઈસ ચેરમેન રાજુભાઇ ધ્રુવએ કહ્યું હતું કે, રાજ્ય સરકારે કસ્તુરબાધામમાં ત્રિવેણી સંગમમાં સુંદર ઘાટ બનાવ્યો છે. યાત્રાધામ બોર્ડ દ્વારા આ સ્થળને વધુ રમણિય અને મનોહર બનાવવામાં આ રહ્યું છે. પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયાએ કહ્યુ હતું કે આ જગ્યાએ પાંડવોએ વસવાટ કરી મહાદેવની પૂજા કરી હતી. ત્રિવેણી સંગમ થાય છે એવા આ ત્રંબા ગામમાં નર્મદાના નીર પણ રાજ્ય સરકારે પહોંચાડયા છે. આ મેળામાં આયુર્વેદીક અને હોમિયોપેથિક નિદાન કેમ્પ બી.જી.ગરૈયા હોસ્પિટલ દ્વારા યોજાયેલ હતો. આ પ્રસંગે વલ્લભભાઇ ચીખલિયા, મનહરભાઇ બાબરિયા, ડો.પુલકીત બક્ષી, મનુભાઇ એલ.ત્રાપસીયા, પી.ડી.ભાઇ બારસિયા, સરપંચ નિતિનભાઇ રૈયાણી તથા મોટીસંખ્યામાં લોકો ઉમટયા હતા.
વધુમાં મંત્રી બાવળિયાએ વિછિંયા તાલુકાના ગુંદાળાના બિલેશ્વર મહાદેવ મંદિર અને ધેલા સોમનાથ મહાદેવ મંદિરે યોજાયેલ મેળાની મુલાકાત લીધી હતી. અમરાપુરમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સાથે વિછિંયા તાલુકાના વિકાસ કામો અંગે મીટીંગ કરી હતી. જસદણ તાલુકાના બોઘરાવદરમાં પંચાયત ઘરનું લોકાર્પણ પણ મંત્રીએ કર્યુ હતું.