છેલ્લા ર૪ કલાક દરમિયાન રાજયના રર જીલ્લાના પ૦ તાલુકાઓમાં વરસાદ
સૌરાષ્ટ્રમાં ગુરુવારે મેધ વિરામ જેવો માહોલ રહ્યો હતો. હળવાથી મઘ્યમ ઝાપટા પડયા હતા. છતાં જળાશયોમાં નવા નીરની આવક થવા પામી હતી. ભાદર અને આજી સહીતના નવા જળાશયોમાં પાણીની આવક થવા પામી છે.
રાજકોટ સિંચાઇ વર્તુળ પુર એકમના સૂત્રોના જણાવ્યાનુસાર આજે સવારે પુરા થતાં છેલ્લા ર૪ કલાક દરમિયાન નવ જળાશયોની સપાટીમાં વધારો થયો હોવાનું નોંધાયું છે. ભાદર ડેમમાં નવું ૦.૨૦ ફુટ પાણી આવ્યું છે. ૩૪ ફુટે ઓવર ફલો થતા ભાદર ડેમની સપાટી હાલ ૨૬ ફુટે પહોંચી જવા પામી છે. ડેમમાં ૩૫૨૮ એમસીએફટી જળ જથ્થો ઉપલબ્ધ છે. હવે ડેમ ઓવર ફલો થવામાં માત્ર ૮ ફુટ જ બાકી રહ્યું છે. આજી-૧ માં નવુ ૦.૧૩ ફુટ પાણી આવ્યું છે. ડેમની સપાટી ૨૬.૬૦ ફુટે પહોંચી ગઇ છે અને ડેમ ઓવર ફલો થવામાં માત્ર ૨.૪૦ ફુટ જ બાકી રહ્યું છે. ન્યારી-ર ડેમમાં નવુ ૦.૧૩ ફુટ પાણી આવ્યું છે. આ ઉ૫રાંત ફાડદેગ બેટીમાં ૦.૩૩ ફુટ, ખોડાપીપરમાં ૦.૨૩, ઇશ્ર્વરીયા ૦.૩૩ ફુટ, કરમાળમાં ૦.૩૩ ફુટ, મોરબી જીલ્લાના બ્રાહ્મણી-ર ડેમમાં ૦.૮૨ ફુટ પાણીની આવક થવા પામી હતી. લીંબડી ભોગવો-૧ માં ૦.૧૦ ફુટ પાણી આવ્યું છે.
ગુરુવારે રાજયમાં મેધ વિરામ જયો માહોલ રહ્યો હતો રર જીલ્લાના પ૦ તાલુકાઓમાં સામાન્ય વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌરાષ્ટ્રમાં મેંદરડામાં ૧૦ મીમી, સુત્રાપાડામાં ૧૮ મીમી, શિહોરમાં ૧૨ મીમી, લાઠી અને લીલીયામાં ૭ મીમી, વરસાદ પડયો હતો આજે ઉતર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠામાં વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધીમાં ૭ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. જેમાં અમદાવાદના વિરમગામમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. સૌરાષ્ટ્રમાં ભાવનગરના મહુવા, જૂનાગઢના કેશોદ, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા, જૂનાગઢના માળિયા અને પોરબંદરમાં સામાન્ય ઝાપટા પડયા હતા.