ન્યાયમૂર્તિ કુરેશીને મધ્યપ્રદેશનાં બદલે અન્ય હાઈકોર્ટમાં નિમણુક આપવા કેન્દ્રનો કોલેજીયમને પત્ર
ગુજરાત હાઈકોર્ટમાંથી હાલ બોમ્બે હાઈકોર્ટમાં જસ્ટીસ અકિલ કુરેશીને મધ્યપ્રદેશનાં ચીફ જસ્ટીસ બનાવવામાં થઈ રહેલા વિલંબનાં મામલે કેન્દ્રનાં કાયદા મંત્રાલય તરફથી ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયાને પત્ર પાઠવવામાં આવ્યો છે જેથી હવે આ પત્રનાં આધારે સુપ્રીમ કોર્ટનાં કોલેજીયમ દ્વારા વિચારણા હાથ ધરવામાં આવશે. જસ્ટીસ કુરેશીનાં મામલે ગુજરાત હાઈકોર્ટ બાર એસોસીએશનને કરેલી પીટીશન સુનાવણી દરમિયાન બુધવારનાં રોજ ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ જાણકારી આપી હતી કે, જસ્ટીસ કુરેશીનો મુદ્દો પુન: સુપ્રીમ કોર્ટની કોલેજીયમ પાસે આવ્યો છે. અગાઉ કોલેજીયમે જસ્ટીસ કુરેશીને બઢતી આપવાની ભલામણ કેન્દ્રનાં કાયદા મંત્રાલયને મોકલી હતી.
મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે પાઠવેલા પત્ર કોલેજીયમ સમક્ષ મુકી આ મુદ્દે નિર્ણય કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ૨૦૦૪માં જસ્ટીસ અકિલ કુરેશીની પ્રથમ નિમણુક ગુજરાત હાઈકોર્ટમાં થઈ હતી. હાલ હવે તેઓ હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે ૨૦૨૨ સુધી સેવા આપશે. કોલેજીયમે સરકારને ૧૦ મેનાં રોજ કુરેશીને મધ્યપ્રદેશ હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે અન્ય ૩ હાઈકોર્ટ જેમાં તેલંગણા, હિમાચલપ્રદેશ અને દિલ્હીની કોર્ટોમાં નિમણુકની હિમાયત કરવામાં આવી હતી તેમ છતાં સરકારે ન્યાયમૂર્તિ કુરેશી સિવાય ૩ બીજા ન્યાયમૂર્તિઓની નિમણુક કરી દીધી છે. જયારે જસ્ટીસ અકિલ કુરેશીની નિમણુક હજુ પણ બાકી છે.
મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં અત્યારે કાર્યવાહક ન્યાયમૂર્તિ તરીકે રવિશંકર પોતાની કામગીરી કરી રહ્યા છે ત્યારે સરકારે ન્યાયમૂર્તિ કુરેશીની નિમણુક અંગેનો નિર્ણય હજુ બાકી રાખ્યો છે ત્યારે બાર એસોસીએશન ગુજરાત હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટમાં ન્યાયમૂર્તિઓની નિમણુક અંગે દિશા-નિર્દેશ માટે જાહેર હિતની અરજી કરી હતી. સરકારે સુપ્રીમ કોર્ટમાં જવાબ ભર્યો હતો કે સંસદનાં સત્રની સમાપ્તી બાદ સરકાર આ અંગે નિર્ણય લેશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ આ મુદ્દે કેન્દ્ર સરકાર તરફથી સોલીસીટર જનરલ તુષાર મહેતાએ ચીફ જસ્ટીસની અધ્યક્ષતા ધરાવતી ખંડપીઠ સમક્ષ વધુ સમયની માંગ કરી હતી કે, સંસદનું સત્ર પૂર્ણ થયા બાદ આ મુદ્દે નિર્ણય લેવાશે ત્યારબાદ સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારને આ મુદ્દે લીધેલા નિર્ણયને કોર્ટ સમક્ષ રજુ કરવા માટે આદેશ પણ કરશે. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસીએશનને સુપ્રીમ કોર્ટમાં કરેલી પીટીશનમાં એવી રજુઆત કરવામાં આવી હતી કે, સુપ્રીમ કોર્ટ કોલેજીયમે જસ્ટીસ અકિલ કુરેશીને મધ્યપ્રદેશ હાઈકોર્ટનાં ચીફ જસ્ટીસ તરીકે નિયુકત કરવાની ભલામણ દેશનાં કાયદા મંત્રાલયને પૂર્ણત: કરવામાં આવી છે. આ સાથે અન્ય કોર્ટોનાં જજોની નિયુકિત અંગે ભલામણ કરી હતી. જસ્ટીસ કુરેશી અંગેની ભલામણ સિવાય તમામને કાયદા વિભાગે મંજુરી આપી છે ત્યારે જસ્ટીસ કુરેશીની નિયુકિતમાં બિનજરી વિલંબ શું કામ થઈ રહ્યો છે ? તે અંગે એડવોકેટ એસોસીએશનમાં પ્રશ્ર્નાર્થ ઉભો થયો છે. તેનાથી દેશનાં બંધારણનાં મુળભુત સિઘ્ધાંતોનો ભંગ થઈ રહ્યો છે. આ રીટ પરની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ બાબતે અંગે જણાવ્યું હતું.
જસ્ટીસ કુરેશીની નિયુકિત અંગે પ્રેસિડેન્સીયલ રેફરન્સ લેવો જરૂરી: અભયભાઈ ભારદ્વાજ
લો-કમિશનનાં પૂર્વ મેમ્બર અભયભાઈ ભારદ્વાજે અબતક સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, જસ્ટીસ કુરેશીની ચીફ જસ્ટીસ તરીકેની નિયુકિત અંગેનો મુદ્દો પ્રેસીડેન્સીયલ રેફરન્સથી લેવો જોઈએ. દેશમાં સર્વોપરી કેબિનેટ માનવામાં આવે છે. કારણકે કેબિનેટમાં રહેલા મંત્રીઓની નિયુકિત અને તેને ચુંટવાનો અધિકાર ભારતનાં નાગરિકોને છે. જેથી તેઓ ચુંટાયેલા પ્રતિનિધિઓને દેશ ચલાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જે રીતે સુપ્રીમ કોર્ટનાં જજો દ્વારા જસ્ટીસ કુરેશી અંગે જે નિર્ણય લેવા માટે વિચારધારા ચાલી રહી છે તે યોગ્ય નથી ત્યારે ન્યાયમૂર્તિ અકિલ અબ્દુલહમીદ કુરેશીને ચીફ જસ્ટીસ બનાવવા માટે પૂર્ણત: પ્રેસીડેન્સીયલ રેફરન્સ લેવો જરૂરી છે. હાલ જે રીતે સુપ્રીમ કોર્ટ તેમનાં દ્વારા લેવાયેલા નિર્ણયને સર્વોપરી માની રહ્યું છે તે ૫ૂર્ણત: યોગ્ય નથી. કેબિનેટ કોઈપણ જજની નિયુકિત અનેકવિધ પરીબળોને જોઈ કરવામાં આવતી હોય છે અને તે ન્યાયમૂર્તિ તટસ્થ છે કે કેમ ? તે અત્યંત જરૂરી છે. કારણકે ન્યાયમૂર્તિ દ્વારા દેશ માટે જે કેસોનો નિકાલ યોગ્ય રીતે તો જ કરવામાં આવે જો તે તટસ્થતાથી નિર્ણય કરી શકતા હોય જેથી આ તમામ પરીબળોને ધ્યાનમાં લઈ કેબિનેટ ન્યાયમૂર્તિઓની નિયુકિત કરતી હોય છે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, જે રીતે ન્યાયમૂર્તિ અકિલ અબ્દુલહમીદ કુરેશીને લઈ જે મુદ્દો ચર્ચાયો છે તેની કોઈ જ આવશ્યકતા નથી માત્રને માત્ર પ્રેસીડેન્સીયલ રેફરન્સથી આ મુદ્દાનો નિકાલ થઈ શકે તેમ છે ત્યારે કાયદામંત્રી રવિશંકર પ્રસાદ દ્વારા જે રજુઆત કરવામાં આવી હતી કે તેઓ પોસ્ટ ઓફિસ નથી તે વાત પર સહમતી પણ દાખવવું છું.