જન્માષ્ટમી-પર્વ પછી પણ આપણી માતૃભૂમિને હરખાવે અને સવા અબજ પ્રજાજનોને થનગનાવે એવા તહેવારો આવી રહ્યા છે.
ભારતભૂમિ તો પ્રત્યેક જન્માષ્ટમી પર્વને અવસરે હર્ષનો ઉલ્લાસ અને પૂણ્યભીનો થનગનાટ માણતી આવી છે. આ વખતે આ અવસરે આનંદઉમંગ અને કચવાટ બળતરા એક બીજાની આંગળી ઝાલીને અથવા તો, એકબીજાના ગળે વીંટાઈને આવી રહ્યા હોવાનો ખ્યાલ ઉપસે છે.
શ્રાવણના કથા શ્રવણ કરતા રહેલા શ્રધ્ધાળુઓ અને કાવડ ઉપર તીર્થાટન કરવા નીકળેલા શ્રવણના અંધ માતાપિતા નવી દ્રષ્ટિ ન પામી શકયા એનો સારાંશ પામીએ ત્યાં સુધીમાં નવરાત્રીથી છેક દીપાવલી અને નૂતનવર્ષનાં મંગલ પ્રભાત સુધી તહેવારોની હારમાળા આવી રહી છે. એ ઉત્સવભીના આનંદ ઉમંગ લાવશે જ, કારણ કે એ પરંપરાગત છે,પરંતુ કારમી મુશ્કેલીઓનો કચવાટ અને મોંઘવારીની ચામડી ચીરતી વેદના ઉત્સવોની આડે શત્રુની જેમ ઉભી રહી જવાની શકયતાને નકારાતી નથી…
આપણી રાષ્ટ્રીય, સામાજીક અને સાંસ્કૃતિક અસલીઅત જો આપણે ખોઈ બેઠા ન હોત તો આપણા દેશના સવા અબજ નરનારીઓ આટલી હદે કમજોર અને નિર્બળ ન હોત !
આઝાદી પછીના આપણા ઈતિહાસનું પૃથ્થકરણ કરતાં એવું ચિત્ર ઉપસે છે કે, આપણા નેતાઓએ તેમના રાજકીય પક્ષોની રાજગાદી હાંસલ કરવાની કે એને ટકાવી રાખવાની અને ચૂંટણીઓ જીતવા લોકશાહીની ઉણપોનો તથા કારમી ગરીબીનો ગેરલાભ ઉઠાવવામાં જ તેમનું કથિત જોર વાપર્યું છે.
આપણા દેશની સમાજની અને સંસ્કૃતિ-સંસ્કારની જેમ જેમ અધોગતિ થતી ગઈ છે, તેમાં વધુમાં વધુ સહન કરવાનું ગરીબોને અને સ્ત્રીઓ-મહિલાઓનાં ભાગે આવ્યું છે. એવો સર્વસામાન્ય મત છે.
આજે ચારે બાજુ નાદ થઈ રહ્યો છે કે, ભારતીય નરીએ ઘણી જ પ્રગતિ કરી છે. માત્ર ચારે દિવાલની વચન્ચે ગોંધાયેલી નારી બાહ્ય જગતમાં હરએક ક્ષેત્રમાં કામ કરવાની તક મળતા પુરૂષ સમોવડી બની રહી છે. તબીબી બેંકીંગ, શિક્ષણ ક્ષેત્રે, કાનૂની ક્ષેત્રે, સામાજીક ક્ષેત્રે, બધે જ નારીએ ઉંચામાં ઉંચા હોદા પ્રાપ્ત કર્યા છે. રાજકીય ક્ષેત્રમાં આ દેશની ધુરા પણ સફળતાપૂર્વક સંભાળી છે.
હજુ યે આપણા સમાજમાં બાલીકાનું સ્થાન ગૌણ જ માનવામાં આવે છે. દિકરો અને દિકરી વચ્ચે ભેદ પાડવામાં આવે છે. પિતાને ત્યાં દીકરીને નાનપણથી જ પારકી થાપણ ગણવામાં આવે છે. તેને સતત સમજાવવામાં આવે છે કે, એનું સાચુ ઘર તો તેના પતિનું જ ઘર છે. ‘પારકે ઘેર જવાનું છે’, કહી તેને નાનપણથી જ એની તાલીમ આપવામાં આવે છે. ઘરમાં બધુ જ કામ રસોઈથી માંડીને, કપડા, વાસણ તથા નાના ભાઈ બહેનને સંભાળવાનુ ય તેના જ શિરે હોય છે. કારણ કે તે એક દિકરી છે. ભવિષ્યમાં તેને ગૃહકાર્ય જ સંભાળવાનું છે. શિક્ષીત હોય કે અશિક્ષીત, પત્ની તરીકે તેણે કુટુંબની જવાબદારી સંભાળવાની છે.
આ પરિસ્થિતિનું મૂળ નારીની આર્થિક પસ્તંત્રતાછે એમ માનવામાં આવે છે. પણ વ્યવસાયક્ષેત્રે કામગીરી બજાવતી બહેનો પણ સમાજમા યોગ્ય કદર પામે છે. ખરી? હજુયે સમાજમાં ફરજ રૂપે અગત્યનું સ્થાન આપવામાં આવે છે.આથી સ્ત્રીને બેવડી કામગીરી સંભાળવા ઉપરાંત બહારની યાને વ્યવસાયી જવાબદારી તેણે નિભાવવાની હોય છે.
મહિલા સંસ્થાઓ નારી ઉત્કર્ષના નારા લગાવે છે. પ્રવચનો દ્વારા સ્ત્રી જાગૃતિના બણગાં ફૂંકે છે. પણ કપરી પરિસ્થિતિમાં, આત્મનિર્ભર બનીને હિંમતપૂર્વક સમાજમાં જીવવાનું બળ તેનામાં પૂરૂ પાડે છે ખરૂ? એ માટેના કોઈ નકકર પગલા ભરાય તેવો સમય હવે આવી ગયો છે. પોતાની શકિત અને વ્યવહાર વચ્ચેના ગજગ્રાહમાં સપડાયેલી આજની નારી પોતે જ સમસ્યારૂપ બની ગઈ છે. આ સમસ્યાનો ઉકેલ સહેલો નથી. બદલાયેલી પરિસ્થિતિને અનુકુળ રહીને જીવન વ્યવહારમાં આવશ્યક પરિવર્તનો કરવા પડશે એ તો દેખીતું છે.
આપણા દેશમાં સ્ત્રી-શકિતની આવી હાલત હોવાનો મત એક ‘સર્વે’માં દર્શાવાયો છે. સાચા રાષ્ટ્રવાદી નેતાઓની પણ ખોટ છે. જાતે જ પોતાની મોટાઈ ઉભી કરતા રાજપુરૂષો અને શબ્દ ભંભોટિયા ભાષણખોરો વચ્ચે સાચા રાષ્ટ્રવાદી નેતાઓ શોધ્યા જડતા નથી !
આપણા દેશની મહિલા જ હવે સક્ષમ રાષ્ટ્રવાદી નેતા બની શકશે એવો અને હાલનાં કરતા તો આદર્શ પ્રજાલક્ષી રાજાઓનાં રાજ સારાં હતા. એવો અવાજ હવે ઉઠવા લાગ્યો છે, જે સાચી લોકશાહી શાસનપધ્ધતિથી ઉતરતો હોવા છતાં ઉઠે છે, જે સાચી લોકશાહીની કમજોરી દર્શાવે છે.
તહેવારોનો ઉપયોગ આખા દેશને પૂરેપૂરી એકતા દ્વારા ફરી બેઠો કરવાનાં સંકલ્પો કરીને તેને સિધ્ધ કરવાનાં અભિયાન આદરવામાં કરવો ઘટે એમ કહ્યા વિના છૂટકો નથી.
આ દેશમાં ફરી સુવર્ણયુગ સર્જવાની પ્રજાની તમન્નાને પૂરી કરવા એક જબરી ક્રાંતીની અને જાગૃતિ-કૂચની આ દેશને તાતી જરૂર છે.
સોના-ચાંદી અને ખીચડી-છાસ મોંઘાદાટ અને માનવ બેસુમાર સસ્તો એ સ્થિતિ હવે નહિ ચાલે મોંઘો તો માણસ બનવો જોઈએ નારી નારાયણી બનવી જોઈએ અને તો જ દેશમાં સુવર્ણયુગના કે સતયુગનાં સુરજ ઉગી શકે !…