છોટાઉદેપુર, કવાટ, પાવીજેતપુરમાં ૭ ઈંચ વરસાદ, હાલોરમાં ૬ કલાકમાં ૬ ઈંચ, ગીર-ગઢડામાં ૨ અને ઉનામાં દોઢ ઈંચ, સુત્રાપાડા અને કેશોદમાં એક-એક ઈંચ, ભાવનગરમાં અડધો ઈંચ, રાજકોટ અને જસદણમાં ઝાપટા
સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ ગઈકાલથી ભારે બેટીંગ શરૂ કરી છે ત્યારે કેટલીક જગ્યાએ ઝરમર વરસાદ વરસ્યો છે તો કેટલીક જગ્યાએ વરસાદે માઝા મુકી છે. અમદાવાદ, સુરત અને વડોદરા સહિત અન્ય જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડયો હતો.
છોટા ઉદેપુરનાં કવાટમાં ૬ ઈંચ, પંચમહાલમાં હાલોરમાં ૬ ઈંચ, જેતપુરમાં ૬ ઈંચ, છોટા ઉદેપુરમાં ૫.૫ ઈંચ, આણંદમાં ૨.૫ ઈંચ, જાંબુઘોડામાં ૨ ઈંચ અને વડોદરામાં પણ ૨ ઈંચ વરસાદ ખાબકયો હતો.
અરબી સમુદ્રમાં વધુ એક સિસ્ટમ સક્રિય બનતા ગુજરાતનાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહીનાં પગલે મંગળવારે અમદાવાદ, ગાંધીનગર, છોટા ઉદેપુર, હાલોર અને વડોદરા સહિત ગુજરાતનાં મોટાભાગનાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકયો હતો. સૌથી વધુ વરસાદ છોટાઉદેપુરમાં ૬ કલાકમાં ૭ ઈંચ પડયો હતો જોકે હજુ પણ આજે અને આવતીકાલે હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી કરી છે.
બંગાળની ખાડીમાં વાયા ઓરિસ્સા અને ઝારખંડ ગુજરાત તરફ ફંટાયેલા લો-પ્રેશરનાં કારણે દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. હવામાન ખાતાએ મંગળવારથી ૩ દિવસ સુધી એટલે કે હજુ પણ આવતીકાલ ગુરુવાર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ સહિત મધ્ય ગુજરાત, ઉતર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રનાં કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી શકયતા સેવાઈ રહી છે. જોકે ગઈકાલે અમદાવાદ સહિત ઉતર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
મહત્વની વાત છે કે, ઉતર ગુજરાતનાં વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી લઈને ચેતવણી આપવામાં આવી છે. આજે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, મોરબી, ભાવનગર, ગીર, સોમનાથમાં અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે અમદાવાદમાં સૌથી વધુ વરસાદ પડે તેવી આગાહી વ્યકત કરી છે.
ઉલ્લેખનીય છે કે, ભાવનગર અને મહુવા પંથકમાં ગઈકાલે ધોધમાર ૩ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો જેને પગલે સોસાયટીઓમાં પાણી ભરાયા હતા અને વાહન ચાલકો હેરાન-પરેશાન થઈ ગયા હતા.
આ ઉપરાંત મહુવા ઉપરાંત આજુબાજુનાં ગ્રામ્ય વિસ્તાર જેવા કે, નેસવડ, ઝાદરા, કુંભણ, કોજલી, દુધાળા, ખુંટવડા, ભાદોર, કંટાસર, ચોકવા, માલવાવ, દેવલીયા, સથરા, વાલાવાવ, ડોલીયા, ડુધેરી સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસ્યો હતો. ૨૯મી ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શકયતા અને ત્યારબાદ બે દિવસ મધ્યમથી સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.
ગુજરાતમાં વરસાદને લઈ ઠંડક પ્રસરી ગઈ છે જયારે ખેડુતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.