કોણ કહે છે ક્રિકેટમાં ઉંમર હોય છે !
સામાન્ય રીતે એક ક્રિકેટર મોટાભાગે ૩૫ અથવા ૪૦ વર્ષની ઉંમર સુધી પ્રોફેશનલ ક્રિકેટ રમે છે. જોકે, ઝડપી બોલરનું કરિયર ખૂબ જ નાનું હોય છે. જોકે, એક ક્રિકેટર સાથે આવું નથી થયું. વેસ્ટ ઈન્ડીઝના ૮૫ વર્ષના ઝડપી બોલર સેસિલ રાઈટે ઉંમરને માત્ર એક આંકડો ગણાવતા છેક હવે જઈને ક્રિકેટને અલવિદા કહેવાનું નક્કી કર્યું છે. રાઈટે જણાવ્યું કે તે આવતા બે અઠવાડિયામાં નિવૃત્તિ લેશે.
ગેરી સોબર્સ, વેસ હોલ, રિચર્ડ્સ સાથે રમી ચૂકેલા રાઈટે જમૈકા માટે ગૈરી સોબર્સ અને વેસ હોલ જેવા દિગ્ગજો સામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યો છે. બાર્બાડોઝ સામે આ મુકાબલો ૧૯૫૮માં રમાયો હતો. રાઈટ તે પછી ૧૯૫૯માં ઈંગ્લેન્ડ ચાલ્યો ગયો. અહીં તેણે સેન્ટ્રલ લંકાસર લીગમાં ક્રોમ્પટોન માટે પ્રોફેશનલ ક્રિકેટર તરીકે પોતાનું કરિયર શરુ કર્યું હતું. જે પછી તેણે અહીં જ સ્થાયી થવાનો નિર્ણય કર્યો હતો. રાઈટે વિવિયન રિચર્ડ્સ અને જોએલ ગાર્નર જેવા દિગ્ગજો સાથે પણ ક્રિકેટ રમ્યું છે. આ ખેલાડીને જે વાત સૌથી અલગ બનાવે છે. તે છે તેમનું ૬૦ વર્ષનું ક્રિકેટ કરિયર, જેમાં તેમણે ૭૦૦૦ કરતાં વધારે વિકેટ લીધી છે. જોકે, રાઈટે હવે આ રમતને અલવિદા કહેવાનું મન બનાવ્યું છે. રાઈટે કહ્યું કે,કાશ, હું તમને એ જણાવી શક્યો હોત કે મારુ કરિયર આટલું લાંબુ શા માટે ચાલ્યું. હું તમને આ વાતનો જવાબ નહીં આપી શકું.
તેમણે અનુમાન લગાવ્યું કે તે આશરે ૨૦ લાખ મેચ રમી ચૂક્યો છે. રાઈટે પોતાની ફિટનેસનો શ્રેય લંકાશરના પારંપરિક ભોજનને આપ્યો હતો. તેણે કહ્યું કે, ઈમાનદારીથી કહું તો હું કંઈપણ ખાઈ લઉં છું જોકે, હું વધારે દારુ નથી પીતો. ક્યારેય બીયર પીઉં છું. રાઈટે કહ્યું કે,હું મારી ફિટનેસ એ કારણોસર પણ જાળવી શક્યો કારણકે મેં ક્યારેય મારી ઉંમરને લઈને બહાનું નથી બનાવ્યું. મેં અનુભવ્યું કે પોતાને સક્રિય રાખવા માટે દર્દથી રાહત મળે છે. મને ટેલિવિઝન જોવું પસંદ નથી, હું ટીવી જોવાની જગ્યાએ પગપાળા ચાલવાનું પસંદ કરું છું. રાઈટ સાત સપ્ટેમ્બરે પોતાની છેલ્લી મેચ રમશે. તે પેન્નિને લીગમાં અપરમિલ માટે સ્પ્રિંગહેડ વિરુદ્ધ મેદાનમાં ઉતરશે.