વરસાદના લીધે પ્રથમ દિવસે 21.1 ઓવર ઓછી રમાઈ: વિરાટ કોહલી, મયંક અગ્રવાલ અને ચેતેશ્વર પુજારા સિંગલ ડિજિટમાં પેવેલિયન ભેગા: રહાણેએ 82 રનની ઈંનિગ્સ રમી, રોચે 3 વિકેટ ઝડપી
ભારતે સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમ એન્ટીગુઆખાતે વિન્ડીઝ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે 6 વિકેટ ગુમાવીને 203 રન કર્યા હતા. ટોસજીતીને પ્રથમ બોલિંગ પસંદ કરનાર જેસન હોલ્ડરનો નિર્ણય સાચો સાબિત થયો હતો. વિરાટ કોહલી, મયંક અગ્રવાલ અને ચેતેશ્વર પુજારા સિંગલ ડીજીટમાં આઉટ થતા ટીમે 25 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી અજિંક્ય રહાણે, લોકેશરાહુલ અને હનુમા વિહારીએ બાજી સંભાળી હતી. દિવસના અંતે રવિન્દ્ર જાડેજા 3 રને અને ઋષભ પંત 20રનેરમી રહ્યા હતા. સતત ટીકાનો સામનો કરી રહેલા ભારતીય ટીમનો ઉપક્પ્તાન રહાણે સમયસર ફોર્મમાં પરત ફર્યો હતો. 25 રનમાં 3 વિકેટ ગુમાવ્યા પછી તેણે રાહુલ સાથે ચોથી વિકેટ માટે 68 રનની ભાગીદારી કરી હતી.
આઉટ ઓફ ફોર્મ રહાણે ઇનિંગ્સની શરૂઆતમાં ટાઈમિંગ માટે ઝઝૂમી રહ્યો હતો પરંતુ ક્રિઝ પર થોડો સમય વિતાવ્યા પછી તેણે રાહુલ સાથે ટીમને સારી સ્થિતિમાં લાવી હતી. બીજી તરફ રાહુલ ઇનિંગ્સની શરૂઆતથી સારી રીતે બેટિંગ કરી રહ્યો હતો અને તેણે કેટલાક આકર્ષક શોટ્સ પણ માર્યા હતા. જોકે તે કમનસીબ રીતે રોસ્ટન ચેઝની બોલિંગમાં ડાઉન ધ લેગ કીપર હોપના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 97 બોલમાં 5 ચોક્કાની મદદથી 44 રન કર્યા હતા. રાહુલના આઉટ થયા પછી રહાણેએ વિહારી સાથે 82 રનની ભાગીદારી કરી હતી.
પ્રેક્ટિસ મેચમાં સાથે બેટિંગ કરી હોવાથી બંને વચ્ચે સારો તાલમેલ જોવા મળી રહ્યો હતો. વિહારીને ફાસ્ટ બોલર્સ સામે તકલીફ પડી રહી હતી, જોકે તેણે તેમ છતાં ડિફેન્સના વડે ક્રિસ પર સારો સમય પસાર કર્યો હતો. વિહારી 32 રને રોચની બોલિંગમાં હોપના હાથે કેચ આઉટ થયો હતો.
રોચે ક્રિઝનો ઉપયોગ કરતા બોલને દૂરથી નાખ્યો હતો અને બોલ વિહારીની એજ લેવા પૂરતો જ સિમ થયો હતો. રહાણે 81 રને શેનોન ગેબ્રિયલની બોલિંગમાં બેકફૂટ પંચ મારવા જતા કટ એન્ડ બોલ્ડ થયો હતો. તેણે 163 બોલમાં 10 ચોક્કાની મદદથી કરિયરની 18મી ફિફટી મારી હતી. વિન્ડીઝ માટે કેમર રોચે ત્રણ વિકેટ, શેનોન ગેબ્રિયલે 2 વિકેટ અને રોસ્ટન ચેઝે 1 વિકેટ લીધી હતી.